________________
૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એવા દેહના આકારે આત્મા રહેતો હોવાથી અજ્ઞાની જીવ ભ્રાંતિથી દેહને આત્મારૂપે માને છે. અત્યંત નિકટવર્તી એકત્રાવગાહ સ્થિતિના કારણે તેને દેહમાં આત્મબુદ્ધિ ઊપજે છે. ૧ જેમ દૂધ અને પાણી પ્રગટ જુદાં હોવા છતાં એકક્ષેત્રાવગાહ સ્થિતિના કારણે તે બન્નેને પ્રયોગ વિના જુદાં પાડી શકાતાં નથી, તેમ દેહ અને આત્મા પ્રગટ જુદા છતાં એકક્ષેત્રાવગાહ સ્થિતિના કારણે સ્વપરવિવેક વિના જુદા પાડી શકાતા નથી. આમ, અજ્ઞાનપૂર્વકના નિરંતર અને નિકટવર્તી પરિચયથી ઉત્પન્ન થયેલો મિથ્યાભાસ, ખોટી માન્યતારૂપ દેહાધ્યાસ જીવને અનાદિથી પ્રવાહરૂપે વર્તી રહ્યો છે.
જીવ દેહાધ્યાસરૂપ ભ્રમમાં પડી જાય છે તેનું અન્ય એક કારણ એ પણ છે કે ઇન્દ્રિયજ્ઞાનમાં માત્ર રૂપી પદાર્થ જણાય છે, અરૂપી આત્મા જણાતો નથી; તેથી માત્ર ઇન્દ્રિયજ્ઞાનને પ્રાપ્ત એવો અજ્ઞાની જીવ પોતે જીવ હોવા છતાં ‘દેહ તે હું એમ માને છે. એક ગ્લાસમાં પાણી લેવામાં આવે, એક ચમચીમાં ખાંડ લેવામાં આવે અને બન્નેને બાજુ બાજુમાં રાખવામાં આવે તો બને જુદાં જણાય છે. હવે જો ખાંડને પાણીમાં નાંખીને હલાવવામાં આવે અને થોડા સમય પછી જોવામાં આવે તો માત્ર પાણી દેખાય છે, ખાંડ નથી દેખાતી. ખાંડ પાણીમાં ઓગળી ગઈ છે, અદશ્ય થઈ ગઈ છે. જીવ જે રૂપે ખાંડને જોવા ટેવાયેલો છે, તે રૂપે તેને હવે ખાંડ જોવા મળતી નથી. કદાચ કોઈ બીજી વ્યક્તિ ત્યાં આવે તો ‘ગ્લાસમાં પાણી છે એટલું જ કહેશે, પણ જ્યારે તે પાણી ચાખશે ત્યારે ગળ્યું લાગવાથી તેમાં ખાંડ છે' એમ પણ કહેશે; કારણ કે ખાંડના ગળપણનો સ્વાદ પાણીના સ્વાદ કરતાં જુદો પડે છે. એ જ પ્રમાણે જીવ અને દેહ વિશિષ્ટ સંબંધના કારણે એક જેવા દેખાય છે. અજ્ઞાની જીવને માત્ર ઇન્દ્રિયજ્ઞાન જ છે, જેનો વિષય માત્ર રૂપી દ્રવ્ય છે, અરૂપી નહીં; તેથી તે જ્ઞાન માત્ર દેહનો સ્વીકાર કરે છે. આત્મા ત્યાં જ હોવા છતાં જ્ઞાન આત્માને ઓળખી શકતું નથી. ઇન્દ્રિયજ્ઞાનમાં રૂપી એવો દેહ જણાય છે, પરંતુ અરૂપી એવો આત્મા પણ ત્યાં જ હોવા છતાં જણાતો નથી. જ્ઞાનને અતીન્દ્રિય બનાવવાથી આત્મા જણાય છે.
- અજ્ઞાની જીવ ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનની પ્રવૃત્તિ કરે છે અને દેહથી ભિન્ન એવો અતીન્દ્રિય આત્મા ઇન્દ્રિય દ્વારા ભાસતો નથી, તેથી તે ઇન્દ્રિયગ્રાહ્ય એવા દેહને ગ્રહણ કરી ‘દેહ તે જ હું એમ માને છે. ઇન્દ્રિયદ્વારથી ગ્રાહ્ય એવા પદાર્થના ગ્રહણના કારણે બહિરાત્મા આત્મજ્ઞાનથી પરામુખ થઈ એમ જ જાણે છે કે “આ દેહ તે જ હું છું.' જીવ દેહમાં જ અહંબુદ્ધિ કરે છે. તે પોતાને દેહરૂપ માને છે. આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, સમાધિતંત્ર', શ્લોક ૬૯
'प्रविशद्गलतां व्यूहे देहेऽणूनां समाकृतौ । स्थितिभ्रान्त्या प्रपद्यन्ते तमात्मानमबुद्धयः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org