________________
ગાથા-૪૮
૮૩
જો સુખપૂર્વક જીવવાનાં સાધન ન હોય તો ઋણ લઈને ઘી પીવું. જો મજા ઉડાવવા માટે પોતાની પાસે પૈસા પૂરતા ન હોય તો દેવું કરીને પણ ઘી પીવું. કોઈ સ્નેહી-સંબંધી આદિની પાસેથી ઉધાર લઈને પણ આનંદ કરવો. આવતા જન્મમાં દેવું ચૂકવવાની ચિંતા કરવી પણ વ્યર્થ છે, કારણ કે મૃત્યુ વખતે શરીર ભસ્મીભૂત થવાથી પુનર્જન્મ થતો નથી અને પુનર્જન્મનો અભાવ હોવાથી આવતા જન્મમાં દેવું ચૂકવવાનો પ્રશ્ન જ નથી રહેતો. જે શરીરે ખાધું-પીધું છે તે પાછું આવશે નહીં, તો પછી કોણ માંગશે અને કોણ આપશે? મૃત્યુ પછી દેહનો અભાવ થઈ જાય છે દેહ ભસ્મ થાય છે, માટે જો લોકો ઋણ લઈને તે પાછું આપે નહીં, તોપણ તેઓ બીજા જન્મમાં દુઃખરૂપ નરકને ભોગવતા નથી. પરલોક જેવું કંઈ છે જ નહીં, માટે તેની ચિંતા છોડી, દેવું કરીને પણ ઘી પીવું. ચાર્વાકમતવાદીઓને પરલોકનો ભય નથી, તેથી વિષયસેવન માટે આવી યુક્તિ બતાવે છે.
ચાર્વાકદર્શનનું આ પ્રકારનું મંતવ્ય હોવાથી, ગમે તે પ્રકારે સુખનો ઉપભોગ કરવામાં જીવે પ્રવર્તવું જોઈએ એવો તે ઉપદેશ કરે છે. ચાર્વાકદર્શન ખાન-પાન, ભોગવિલાસ ઇત્યાદિ સ્વચ્છંદવૃત્તિ પોષવાનો અને તપશ્ચરણ, શીલ, સંયમાદિ છોડવાનો ઉપદેશ કરે છે. સ્વાર્થપ્રેરિત સુખવાદ એ જ ચાર્વાકદર્શનનો એકમાત્ર સિદ્ધાંત છે. ભૌતિકવાદના આધારે સ્થપાયેલી ચાર્વાક નીતિ સુખવાદી છે. તેની નીતિમત્તાનો આધાર સુખપ્રાપ્તિ ઉપર, વ્યક્તિગત સ્વાર્થી દૃષ્ટિબિંદુ ઉ૫૨ છે. ચાર્વાક દર્શન ભૌતિક અને સ્વાર્થપરક સુખવાદી નીતિની હિમાયત કરે છે.
-
આમ, ચાર્વાકમતવાદીઓ આત્મા, પરલોક વગેરે જે ઇન્દ્રિયગોચર નથી તેના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે અને તેથી મોક્ષના ઉપાયરૂપ તપ, ત્યાગ, દાન ઇત્યાદિને વૃથા કહે છે. અત્રે આત્માના અસ્તિત્વ બાબત શિષ્યે જે દલીલ કરી છે અને તે દ્વારા તેણે જે નિર્ણય કર્યો છે, તેમાં ચાર્વાકમતની છાયા સ્પષ્ટપણે દેખાય છે.
આત્માના અસ્તિત્વ સંબંધી શંકાના સમર્થનમાં કરેલી દલીલોના આધારે શિષ્યને એમ લાગે છે કે આત્માનું પૃથક્ અસ્તિત્વ છે જ નહીં. જ્યારે આત્મા જ નથી તો કર્મના કર્તા હોવું કે ભોક્તા હોવું પણ સિદ્ધ થઈ શકતું નથી. આત્મા હોય તો તે કર્મ કરે તથા તેનાં ફળ તે ભોગવે. આત્મા સિદ્ધ નહીં થતો હોવાથી કર્મબંધન પણ સંભવી શકતું નથી, કારણ કે જો આત્મા જ નથી તો કર્મનું બંધન કોને થાય એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જ્યારે આત્મા તથા કર્મબંધન નથી તો પછી તેનાથી મુક્ત થવાપણું પણ નહીં ઘટે. પક્ષી પિંજરાના બંધનમાંથી મુક્ત ત્યારે જ થઈ શકે કે જ્યારે પક્ષી અને પિંજરાનું અસ્તિત્વ હોય. પક્ષી જ ન હોય તો મુક્તિનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, તેમ આત્મા જ ન હોય તો તેની મુક્તિનો ઉપાય કરવો એ સર્વ કલ્પના ઠરે છે. આમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org