________________
૮૨.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિષયોથી વિરક્ત થનાર જેવો બીજો કોઈ મૂર્ખ નથી. તપશ્ચર્યા વગેરેથી તો દેહનું દમન થાય છે અને આવું શોષણ તો મૂર્ખ લોકો જ પસંદ કરે છે. ધર્માચરણમાં ઘણું કષ્ટ થાય છે, જ્યારે ભોગો ભોગવવાથી તો અહીં જ સુખી થવાય છે; છતાં મૂઢ લોકો ધર્માચરણમાં પડી, સુખને છોડી દુઃખ ભોગવે છે. તેઓ જરા પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. વિચાર કર્યા વગર એ લોકો ક્રિયાઓ કરવા મંડી પડે છે.
ભોગવિલાસ કરવાથી પાપ બંધાય છે, જેનાં ફળ તરીકે દુઃખ ભોગવવાં પડે છે અને દયા-દાન, તપ-ત્યાગ કરવાથી પુણ્ય બંધાય છે, જેનાં ફળ તરીકે સુખ મળે છે!' ચાર્વાકમત આ વાતને ધૃત લોકોની કલ્પના કહે છે. આ લોકમાં તો એવું જ જોવા મળે છે કે મોજમજા કરનારા સુખ અનુભવે છે અને તપ-ત્યાગ વગેરે કરનારા કાયકષ્ટાદિથી દુઃખ અનુભવે છે. વળી, પરલોક તો છે નહીં, તો મોજમજાનાં ફળ તરીકે દુ:ખ અને દયાદાનાદિનાં ફળ તરીકે સુખ તો મળવાનું જ નથી, તેથી પાપ-પુણ્યને મોજમજા-દયાદિનાં કાર્યરૂપે અને દુઃખ-સુખનાં કારણરૂપે માની શકાતાં નથી.
તેઓ કહે છે કે આ દુનિયાથી અલગ સ્વર્ગ કે નરક જેવું કોઈ સ્થાન નથી, સ્વર્ગ તથા નરક આ જગતમાં જ છે. સુખ એટલે સ્વર્ગ અને દુઃખ એટલે નરક. સુખ ભોગવવાનું નામ સ્વર્ગ અને દુઃખ ભોગવવાનું નામ નરક છે. આ લોકમાં ખાવાપીવાનો અનુભવ તે જ સ્વર્ગ, સ્ત્રીસુખ તે જ સ્વર્ગ, વસ્ત્ર-ચંદન આદિનું સેવન તે જ સ્વર્ગ. દુશ્મન, હથિયારો, રોગો આદિથી જે ઉપદ્રવ ઉત્પન્ન થાય છે તેમાં નરકનો અનુભવ થાય છે. તેથી વિષયસુખની પ્રાપ્તિમાં અને વિષયદુ:ખના નિવારણમાં જ કૃતકૃત્યતા છે. માણસનું ખરું કર્તવ્ય એ છે કે તેણે ઇન્દ્રિયસુખ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ચાર્વાકમતવાદીઓ ઇન્દ્રિયસુખની પ્રાપ્તિ માટે હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેઓ ઇન્દ્રિયસુખની લાલસાને સંતોષવામાં જ જીવન વિતાવે છે. તેમનો જીવનમંત્ર એ જ છે કે જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી સુખેથી જીવવું. પાંચ ઇન્દ્રિયોનાં સુખ ઇચ્છા મુજબ ભોગવી લેવાં. નિરંકુશપણે ઇન્દ્રિયસુખનો ઉપભોગ કરી લેવો. જેટલી થઈ શકે એટલી મોજ કરી લેવી. જિંદગી જતી રહેશે તો તે ફરી નહીં મળે, માટે જ્યાં સુધી જીવવું ત્યાં સુધી સુખેથી જીવવું. કોઈ પણ પ્રાણી મૃત્યુની પકડની બહાર નથી. સર્વ કોઈને મરવાનું છે, માટે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સુખેથી રહેવું. તેઓ કહે છે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખપૂર્વક જીવો, દેવું કરીને પણ ઘી પીવું, કારણ કે ભસ્મીભૂત થનાર આ દેહ ફરીથી ક્યાં સાંપડવાનો છે?" ૧- જુઓ : શ્રી માધવાચાર્યપ્રણીત, ‘સર્વદર્શનસંગ્રહ', ચાર્વાક દર્શન, શ્લોક ૧૮
'यावज्जीवेत्सुखं जीवेदृणं कृत्वा घृतं पीबेत् । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org