________________
૩૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
તેની પસંદગી કરી છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ થયાં છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર ઘણા પ્રવચનકારોએ વ્યાખ્યાનો પણ કર્યા છે. તત્ત્વરસિક ભવ્ય જિજ્ઞાસુઓ આ ગ્રંથનો ઊંડો અભ્યાસ કરે છે. અનેક મુમુક્ષુઓ દરરોજ નિયમપૂર્વક આ અતિ ઉપકારી ગ્રંથનું પારાયણ કરે છે. આ પ્રકારે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિશ્વપ્રસિદ્ધ બન્યું છે. હવે આ કૃતિના વિવેચનની ઉપયોગિતા તથા તેનાં ઉપર થયેલાં વિવેચનો પ્રત્યે દષ્ટિપાત કરીએ –
શ્રીમદે પ્રદર્શનમાં મસ્તક સમાન જૈન દર્શનના મૂળસિદ્ધાંતરૂપ આત્માનાં પપદને, નિશ્ચયનય અને વ્યવહારનયનો સમન્વય કરીને અનેકાંતવાદથી સમજાવવા અર્થે પોતાની અદ્ભુત પ્રજ્ઞાશક્તિથી આ અજોડ ગ્રંથની રચના કરી છે. તેની ભાષા સરળ હોવા છતાં તેના ભાવ સાગરસમ ગંભીર છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના સંબંધમાં શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા લખે છે કે –
“ગ્રંથગૌરવ માત્ર ૧૪૨ દોહરાનું છે; તથાપિ જગવિખ્યાત આચાર્ય ભગવાન શ્રીમાન્ હરિભદ્રસૂરિ પ્રણીત “ષદર્શન સમુચ્ચય' ગ્રંથ, જે માત્ર ૮૬ શ્લોકોનો છે; છતાં તેમાં સર્વ દર્શનોનું સ્વરૂપ યથાતથ્ય રીતે દર્શાવી તત્ત્વજ્ઞાનાનુભવીઓને અપ્રતિમ હર્ષનું કારણ આપ્યું છે, અને તેને લઈને તેના ઉપર અનેક ગહન ટીકાગ્રંથો લખાયા છે, તેમ આ ગ્રંથનું ગૌરવ ઘણું અલા છતાં તેમાં સર્વ દર્શનોનો અંતિમ હેતુ પ્રગટ કરી બતાવ્યો છે.'
આવા આશયગંભીર શાસ્ત્રનો યથાર્થ લાભ મેળવવા તેના ઊંડા અવગાહનની આવશ્યકતા છે. વિવેચન વિના તેનો પરમાર્થ આશય સમજવો દુર્ગમ્ય છે. વિવેચન વિના કેટલાક શબ્દોની પાછળ રહેલા ઊંડા ભાવોથી સામાન્ય વાચક વંચિત રહી જાય છે. શ્રીમદે આગમના અર્કને તર્કભરપૂર, સારગ્રાહી અને સૂત્રાત્મક શૈલીમાં રજૂ કર્યો હોવાથી તેનો ગૂઢાર્થ સમજવા તેના વિસ્તારની આવશ્યકતા રહે છે. તેના વિવેચન દ્વારા તેમાં રહેલા સૂક્ષ્મ ભાવો પ્રગટ થઈ મુમુક્ષુઓને વિશેષ ઉપકારક બને એ સ્વાભાવિક છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને સમજવા આવા માધ્યમની અતિ આવશ્યકતા છે. સામાન્ય લેખક કે વિવેચનકર્તાનું ગજું નથી કે તે શ્રીમનાં કથનના ભાવોને પૂર્ણતયા ખોલી શકે. આવા મહાસામર્થ્યથી ભરેલા ગ્રંથનાં રહસ્યોનું ઉદ્ઘાટન કરવા માટે વિશિષ્ટ ક્ષયોપશમ, કુશાગ્ર મતિ, પ્રચંડ મેધા, સચોટ તર્કશક્તિ, ઊંડું અને વિશાળ શાસ્ત્રજ્ઞાન, નિર્મળ અંત:કરણ, પ્રબળ નિષ્ઠા વગેરે ગુણો અપેક્ષિત છે. સામાન્ય પ્રકારના ગ્રંથના વિવેચનનું કાર્ય પણ કઠિન ગણાય છે, કારણ કે વિવેચકમાં વિવેક, ભાષાજ્ઞાન, વિષયનો તલસ્પર્શી અભ્યાસ, બુદ્ધિની તીવ્રતા વગેરે ગુણો હોય તો જ તેમના દ્વારા થયેલ વિવેચન વાચકોને ૧- શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, ‘આત્મસિદ્ધિ', પ્રસ્તાવના, પૃ.૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org