________________
૭૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
જીવોને વસ્તુસ્વરૂપની સમજણ કરવાની અગત્યતા ભાસતી નથી. તેઓ સ્વરૂપનો નિર્ણય કરતા નથી અને માને છે કે માત્ર વ્રત-ત્યાગ કરતાં કરતાં જ સમજણ આવી જશે. ‘જાણવાથી શું છે, વિચારવાથી શું છે, કંઈક કરીશું તો પ્રાપ્ત થશે' એવું માની તેઓ માત્ર વ્રતાદિમાં જ ઉદ્યમી રહે છે, પણ આત્મસ્વરૂપના લક્ષે ઉદ્યમ કરતા નથી. સમ્યગ્દર્શનની શુદ્ધતા વગરનાં દૈહિક કષ્ટોને તેઓ વ્રતાદિ માને છે, પણ વ્રતનું સાચું સ્વરૂપ એવું છે જ નહીં. આત્મલક્ષ વિનાનાં તેમનાં મહાવ્રતાદિનું આચરણ પણ મિથ્યાચારિત્ર જ છે. જો સદ્ગુરુના સદુપદેશના આશ્રયે જીવ પોતાના સ્વરૂપનો યથાર્થ નિર્ધાર કરે અને સ્વરૂપલક્ષે વ્રતાદિ કરે તો તેનાં વ્રતાદિ સાર્થક થાય, પરંતુ પોતાના શાશ્વત સ્વરૂપની ઓળખ તથા લક્ષ વિના ગમે તેટલાં વ્રત-તપ કરે, સાધુપણું ગ્રહે તોપણ તેના સંસારપરિભ્રમણનો અંત આવતો નથી. બાહ્ય ભાવે બાહ્ય ક્રિયા અનંત કાળ કરે તોપણ તેનાથી આત્મલક્ષ આવતો નથી અને મોક્ષમાર્ગ પમાતો નથી. મોક્ષમાર્ગનો તો એવો ક્રમ છે કે પહેલાં સમ્યક્ત્વ હોય, પછી ચારિત્ર હોય. સમ્યક્ત્વ તો આત્મસ્વરૂપનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન આત્મસ્વરૂપની વિચારણા કરતાં થાય છે. માટે પહેલાં વિચારથી શ્રદ્ધા કરી, સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી વ્રતાદિ ધારણ કરી વ્રતી થવા યોગ્ય છે. પ્રથમ આત્મસ્વરૂપની સમજ પ્રાપ્ત કરીને પછી વ્રતને અંગીકાર કરવા યોગ્ય છે. મોક્ષમાર્ગે આરૂઢ થતાં પ્રથમ મિથ્યાત્વ જાય છે અને પછી અનુક્રમે અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ જાય છે; માટે મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે આત્મસ્વરૂપની સમજણ આવશ્યક છે. પહેલાં આત્માના શુદ્ધ સ્વભાવની ઓળખાણ કરવામાં આવે તો જ તેમાં એકાગ્ર થવાથી વિકાર ટળી શકે છે. ‘હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું. જાણવું તે મારો સ્વભાવ છે. વિકાર કરવો તે મારો સ્વભાવ નથી.' એમ સ્વભાવના જોરે વિકારનો નાશ થઈ જાય છે. આત્માને જાણ્યા વગર એમ ને એમ વિકારનો નિરોધ થઈ શકતો નથી. જેણે આત્માને માન્યો નથી, વિકાર ટાળવાનાં સ્થાનને જાણ્યાં નથી, તે કયા સ્થાને એકાગ્રતા કરીને વિકારને ટાળશે? પોતાના સ્વભાવમાં વિકાર નથી એમ જાણ્યા વિના જીવ વિકારને કેવી રીતે ટાળશે? જો સ્વભાવને જાણે તો તેને સમજાય કે વિકારની ઉત્પત્તિ પોતાના સ્વભાવમાં નથી, તેમજ સ્વભાવમાંથી પણ થતી નથી. આવી સમજણ હોય તો તે સ્વભાવની ભાવના વડે વિકારના નાશનો ઉપાય કરી શકે. આત્મસ્વભાવનો લક્ષ થયા વિના યથાર્થ પુરુષાર્થ ઊપડતો નથી, માટે બાહ્ય વ્રતાદિમાં કૃતકૃત્યતા માની આત્મસ્વરૂપની સમજણથી પરાભુખ થવા યોગ્ય નથી.
આત્માની સમજણ કરવામાં ઘણા પુરુષાર્થની આવશ્યકતા છે. જે આત્માને હોંશથી સમજવા માંગે છે તેને તે અવશ્ય સમજાય છે. આત્માના ચૈતન્યસ્વભાવનો જેને રસ હોય તેને તેની સમજણમાં ઉત્સાહ આવે છે અને તેમાં સહજ જ્ઞાનનો વેપાર ચાલે છે. ‘આ મારા આત્માની અપૂર્વ વાત છે, આ સમજવાથી કલ્યાણ છે' એમ અંતરમાં તેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org