________________
ગાથા-૪૨
७३७
મહિમાં લાવીને, રુચિપૂર્વક શ્રવણ-મનન કરતાં આત્મસ્વરૂપ સમજાય છે. બધા આત્મામાં આ સમજવાની તાકાત છે, માટે ‘મને નહીં સમજાય' એવું શલ્ય કાઢી નાખીને, ‘મને બધું સમજાય એવી મારી તાકાત છે જ' એમ સ્વભાવના સામર્થ્યનો વિશ્વાસ કરીને સમજવાનો પ્રયત્ન કરવા યોગ્ય છે. રુચિપૂર્વક પ્રયત્ન કરનારને ન સમજાય એવું બને નહીં. ‘આ ઝીણું છે' એમ કહીને તેની સમજણનો ઉપાય જ છોડી દેવો તે આત્માની અરુચિનું દ્યોતક છે. જેની રુચિ-વૃત્તિ બહારમાં જ ઘોળાયા કરે છે, તે જ જીવને સ્વરૂપની સમજણ કઠણ લાગે છે. જ્યારે અજ્ઞાનનું તિમિર છવાયેલું હોય, દર્શનમોહ ગાઢ બન્યો હોય ત્યારે તેને સ્વરૂપની સમજણ કઠિન તો શું અસંભવ જેવી લાગે છે. સ્વરૂપની સમજણ વિના તેનો અનંત કાળ નીકળી જાય છે. તે સ્વરૂપની સમજણમાં જેટલો વિલંબ કરે છે, તેટલો વધુ સમય તેણે સંસારમાં રઝળવું પડે છે. માટે આત્મસ્વરૂપની સમજણની દિશામાં બહુ જ પ્રયત્નશીલ બનવું ઘટે છે. પોતાનો સ્વભાવ સમજ્યા સિવાય અનંત કાળના પરિભ્રમણથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી.
અનંત કાળમાં જીવે પોતાના આત્માને જાણવાની દરકાર કરી નથી. તેનું પ્રમાણ એ છે કે અત્યાર સુધી તે જન્મ-મરણનાં દુ:ખો ભોગવી રહ્યો છે. આત્મસ્વરૂપ સમજ્યા વિના તે વિકટ સંસારમાં ભટકતો રહ્યો છે. ક્ષણભર પણ તેને અંતરશાંતિનો અનુભવ થયો નથી. જગતમાં કંઈ તેનો પોતાનો અભાવ ન હતો. અનાદિ કાળથી તેનું અસ્તિત્વ તો છે, પરંતુ સ્વરૂપની જિજ્ઞાસા જ હૃદયમાં ઉત્પન્ન થઈ નથી. અનંત કાળથી જે કાંઈ જાયું છે તે તો માત્ર પરનું જ્ઞાન છે, પણ પોતાને જાણવાની દરકાર જ કરી નથી. પોતાના આત્મસ્વભાવથી વિરુદ્ધ એવી કામ, ભોગ અને બંધનની કથા જીવને સુલભ અને રુચિકર લાગે છે, કારણ કે તેણે તે અનંત કાળથી સાંભળી છે, તેનો પરિચય કર્યો છે અને અનુભવ પણ કર્યો છે; પરંતુ પરથી ભિન્ન એવા પોતાના એકત્વસ્વભાવની વાત તેણે રુચિથી સાંભળી ન હોવાથી તેને તે વાત નીરસ અને કઠિન લાગે છે. પરનો તીવ્ર રસ સ્વરૂપરુચિને જાગૃત થવા દેતો નથી. જો પરનો રસ ઘટાડી, સ્વભાવનો મહિમાં લાવીને, રુચિ સહિત વારંવાર પ્રયત્ન કરે તો સ્વભાવ સમજાય અને જન્મમરણનાં દુઃખોથી છુટકારો થાય. આમ, સર્વ દુઃખનો ક્ષય કરવા માટે સ્વભાવદૃષ્ટિ અત્યંત આવશ્યક છે.
આત્મસ્વરૂપનો જેને નિર્ણય થયો નથી, તેનામાં અનંત શક્તિ હોવા છતાં તેને તે શક્તિ લાભદાયી થતી નથી. સિદ્ધ ભગવાનમાં છે તેવી અનંત શક્તિ આત્મામાં હોવા છતાં જેને તેની ખબર નથી, તેને તો તે શક્તિઓ ન હોવા બરાબર છે. “અહો! મારો આત્મા તો અનંત શક્તિસંપન્ન છે, ક્ષણિક વિકાર જેટલું મારું અસ્તિત્વ નથી.' આમ જ્યાં શુદ્ધ આત્મસ્વરૂપનો નિર્ણય થાય છે ત્યાં તો સ્વસમ્મુખ અપૂર્વ પુરુષાર્થથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org