________________
૭૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આત્મપ્રદેશથી જુદાં થઈ ખરી પડે છે, વીખરાઈ જાય છે અને આત્મા નિર્મળ બનતો જાય છે. જેમ જેમ તેનો ભેદજ્ઞાનનો રસ વધતો જાય છે, તેમ તેમ બીજી વાતોમાં તેનો રસ ઓછો થતો જાય છે. આત્મામાં અનન્ય પ્રેમ જાગવાથી વિષયાસક્તિ ભસ્મ થઈ જાય છે. બીજી કંઈ પણ અપેક્ષા નહીં રાખતાં સઘળેથી પ્રીતિ સંકેલીને તે એક આત્મામાં જ તન્મય બને છે. તેને આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે એકતાર ભક્તિ જાગે છે. પહેલાં ઘડીમાં અહીં અને ઘડીમાં તહીં જતી વૃત્તિ હવે ક્ષણ પણ બીજે નહીં જતાં આત્મામાં વસે છે. બીજા સર્વે પ્રત્યે સ્વાભાવિકપણે વૈરાગ્ય આવે છે, આત્માથી વિશેષ પ્રીતિનું બીજું સ્થાન નથી રહેતું. આત્મામાં જ રુચિ અને રસ હોવાથી આધ્યાત્મિક પ્રવૃત્તિમાં કેટલો વખત ગયો એનો લક્ષ પણ રહેતો નથી. સ્વરૂપનાં રસ અને રુચિ વડે સ્વભાવનો પુરુષાર્થ થવાથી સમય તરફ ધ્યાન પણ રહેતું નથી. રુચિ જ્યાં હોય ત્યાં પુરુષાર્થ સહજ વળ્યા કરે છે. અંતરમાં આત્માના હિતની જરૂરિયાત લાગી હોવાથી પુરુષાર્થ થયા વિના રહેતો નથી. તેની વૃત્તિ સ્વરૂપના અભ્યાસમાં જ લાગેલી રહે છે. અંતરમાં આત્મસ્વભાવની લગની, એને પ્રાપ્ત કરવાની ઊંડી ખટક, એનું ઊંડું ઘોલણ નિરંતર રહેતાં હોવાથી એના ઉલ્લેખમાત્રથી રોમેરોમમાં આનંદ ઉલ્લસે છે અને તે દિવસ-રાત એની પાછળ લાગી જાય છે. નિરંતર આત્મભાવના કરવાથી અધ્યાત્મરસ ઘટ્ટ થતો જતો હોવાથી આત્મજાગૃતિ સહજ અને સતત રહે છે. ચૈતન્યરસ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે ઉપયોગ સૂક્ષ્મ વિકલ્પથી પણ જુદો પડીને ઇન્દ્રિયાતીત આંતર સ્વભાવમાં અભેદરૂપ થાય છે, એટલે કે નિર્વિકલ્પ થાય છે. આવી નિર્વિકલ્પ દશામાં અપૂર્વ આનંદ અને અપાર શાંતિ વેદાય છે. જેમ વીજળી તાંબાના તારની અંદર ઊતરી જાય છે, તેમ સુખદાયક એવી સુવિચારણાના અભ્યાસથી પૂર્ણાનંદ પ્રભુ પર્યાયમાં ઊતરી આવે છે, અર્થાત્ સાક્ષાત્ અનુભવદશા પ્રાપ્ત થાય છે.
આમ, આત્માર્થી જીવમાં આત્મપ્રાપ્તિની રુચિ, ખટક, ઝૂરણા હોય છે. તેનામાં પુરુષાર્થની ધગશ હોય છે. ઘડી ઘડીમાં તેની રૂચિની દિશા પલટાતી નથી. તેનો નિર્ણય પાકો હોય છે. નિશ્ચયની ખામી હોય ત્યાં પુરુષાર્થ ઊપડતો નથી અને તેથી જીવ નિષ્ફળતાને જ વરે છે. સાચો સાધક તો સિંહ જેવો હોય છે. વનનો રાજા સિંહ વારંવાર ઊઠ-બેસ કરતો નથી અને ઊઠે છે ત્યારે એવો ઊઠે છે કે કામ કરીને જ બેસે છે. તેવી જ રીતે આત્માથી જીવે ડામાડોળ વૃત્તિ તથા મંદ વીર્યને છોડી દઢ મનોબળ ધારણ કર્યું હોવાથી, ઉચ્ચ વીર્યના સથવારે પોતાનો નિશ્ચય પાર પાડીને જ તે જંપે છે. સાધક જ્યારે ઉત્સાહરૂપી શંખ ફૂંકી સ્વભાવને મેળવવા તથા અજ્ઞાનને છેદવા રણે ચડે છે, ત્યારે ત્યાં તેનો વિજય જ થાય છે. સ્વરૂપમાં જવાની હોંશ અને તાલાવેલી હોવાથી તેને આત્મપ્રાપ્તિ માટે ઝાઝી પ્રતીક્ષા કરવી પડતી નથી. તે સુવિચારણા દ્વારા પોતાના સ્વરૂપનો અનુભવ કરીને પર્યાયમાં પોતાની સમ્યગ્દર્શનરૂપ પ્રભુતા પ્રગટાવે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org