________________
૬૦૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
નિષ્ઠાપૂર્વક રત રહે છે; ચૌદ રાજલોકમાં નિજાત્મપ્રભુ જ પરમ પદાર્થ છે, સર્વોત્કૃષ્ટ સુખરૂપ છે એવું આત્માનું માહાત્મ્ય સદ્ગુરુમુખે વારંવાર સાંભળી, તેની જ ભાવના કરતાં રહી ચૈતન્યતત્ત્વના દેઢ સંસ્કાર ગ્રહણ કરે છે; આનંદસાગર ચૈતન્યપ્રભુના લક્ષે ઉપયોગને સૂક્ષ્મ કરે છે તે જીવ સમ્યક્ત્વસન્મુખ થાય છે અને ક્રમે કરી તેને સમ્યગ્દર્શન પ્રગટે છે, નિજાત્માની અનુભૂતિ થાય છે, આત્મસુખની પ્રાપ્તિ થાય છે. આ સ્વાનુભૂતિના કાળે આત્મા અતીન્દ્રિય આનંદરૂપે વેદનમાં આવે છે. સ્વભાવના અવલંબને પ્રગટેલી એ દશા અત્યંત અદ્ભુત છે. તે દશા વચનથી કહી શકાય એવી નથી કે વિકલ્પથી સમજી શકાય તેવી નથી. અનાદિ કાળથી દૃષ્ટિ મતાર્થ તરફ હતી, દિશા ઊલટી હતી, તેથી દશામાં દુઃખ હતું. દૃષ્ટિ આત્માર્થ ભણી વળતાં તે સ્વદેશમાં ઢળે છે અને દિશા સવળી થતાં દશા આનંદમય બને છે. ત્રિકાળ શુદ્ધ જ્ઞાયકસ્વભાવને જાણી, તેનો વિશ્વાસ લાવી, તેમાં જામી જતાં અનંત સુખ પ્રગટે છે. આમ, આત્માર્થાનાં લક્ષણ પ્રગટતાં ક્રમે કરીને પરમ સુખધામ એવા આત્મપદાર્થની પ્રાપ્તિ થતી હોવાથી આ લક્ષણોને સુખસાજ કહ્યાં છે. આ લક્ષણોને વિચારીને, અનુમોદીને, અભ્યાસીને, આરાધીને આત્મસાત્ કરવાથી અલૌકિક આત્મવિકાસની શ્રેણી શીઘ્રતાએ પમાય છે. તેથી જ જ્ઞાનીઓ ઉપદેશે છે કે
‘હે જીવ! આ મતાર્થરૂપી પરદેશ છોડીને આત્માર્થરૂપી ઉત્તમ સ્વદેશમાં તારે જવાનું છે તો તેમાં ઝડપથી પહોંચાય, આત્મહિત ત્વરાથી સધાય, તે માટે તું ઉદ્યમી થા. આ શરીર તો ઘાસના ઝૂંપડા જેવું છે. કાળરૂપી અગ્નિ વડે ભસ્મ થઈ જતાં એને જરા પણ વાર નહીં લાગે. માટે હે ભવ્ય! તું જલદીથી જાગૃત થઈ જા અને અનાદિનું અટકેલું આત્મસિદ્ધિરૂપ કાર્ય શ્રીગુરુકૃપાથી નિર્વિઘ્ને પૂર્ણ કરી લે. શ્રીગુરુની અમીમય બોધધારાના આધારે મતાર્થનો ત્યાગ કર. આત્માર્થમાં તારા ઉપયોગને જોડ. એ રીતે આત્મસ્વરૂપનો મહિમા વધશે તો વૃત્તિ અંતર્મુખ થઈ સ્વરૂપમાં એકાગ્ર થશે અને તારો અનાદિનો ભવરોગ ટળશે. આ ઉત્તમ સુયોગ મળ્યો છે તો હવે તેનો લાભ લઈ અવ્યાબાધ સુખનિધાનને પ્રગટાવી લે.'
જ્ઞાનીપુરુષોનાં પવિત્ર વચનોથી જીવની વૃત્તિ સ્થિર થાય છે. તેમના બોધ ઉપર ચિંતન-મનન કરતાં નિશ્ચય થાય છે કે મતાર્થ દુઃખરૂપ છે અને તેથી એ મતાર્થ મારે ટાળવો છે. આત્માર્થીલક્ષણો આત્મામાં પરિણામ પામે તે માટે પુરુષાર્થ કરવાનો ઉલ્લાસ જાગે છે. અંતર્મુખ પ્રયત્નથી વ્યાકુળતા તૂટે છે અને નિર્વિકલ્પ નિરાકુળતા અનુભવાય છે. અતીન્દ્રિય આનંદના પિંડ એવા શુદ્ધાત્મામાં દૃષ્ટિ થતાં અનાદિનું દુઃખ ટળે છે.
આમ, શ્રીમદે અત્યંત કરુણાથી પરોપકારબુદ્ધિએ મતાર્થીનાં લક્ષણો સ્પષ્ટપણે દર્શાવ્યાં છે. તેમની કૃપા ખરેખર અપરંપાર છે. મતાર્થીલક્ષણોનો ઉપદેશ આપી તેમણે અજ્ઞાનથી અંધ બનેલા મતાર્થી જીવને આંખો પ્રદાન કરી છે. તેમણે વાત્સલ્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org