________________
૧૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
કાજ; તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ.' એ ૧૨૭મી ગાથા પછીની રદ કરેલી ગાથામાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' શ્રી સૌભાગ્યભાઈ આદિ માટે રચ્યું હતું તે પ્રગટપણે જણાવ્યું છે.
ગ્રંથનો અધિકારી વર્ગ
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદે આગમના સમસ્ત સિદ્ધાંતોનો નિચોડ સમાવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન વલોવી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'રૂપી માખણ કાઢ્યું છે. તેથી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવો ઉચ્ચ કોટિનો આત્મોદ્ધારક ગ્રંથ ઉચ્ચ કોટિના અધિકારી વર્ગની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. અધિકારીપણું એટલે યોગ્યતા. આત્માનુભવ માટે માત્ર શાસ્ત્રની બૌદ્ધિક માહિતી કામ નથી આવતી. ‘સપુરુષની આજ્ઞામાં જ મારું કલ્યાણ છે, મારે સપુરુષની આજ્ઞામાં જ વર્તવું છે' એવો દઢ નિશ્ચય તથા તદનુરૂપ વર્તન હોય તેને જ્ઞાન સમ્યપરિણામી થાય છે. જેને પુરુષ પ્રત્યે શ્રદ્ધા હોય, ઇન્દ્રિયનિગ્રહ થયો હોય, અંતરમાં વૈરાગ્ય-ઉપશમ હોય, આત્માનો લક્ષ હોય તે જીવ જ બોધ ગ્રહણ કરી શકે છે અને તે જ અધ્યાત્મગ્રંથનો અધિકારી છે. જે જીવને પુરુષનો મહિમા સમજાયો નથી, તેમના યથાર્થ વક્તાપણા ઉપર વિશ્વાસ નથી, બુદ્ધિનું વિપર્યાસપણું ટળ્યું નથી, અહંભાવ છૂટ્યો નથી, તીવ્ર જિજ્ઞાસા જાગી નથી અને આત્માર્થીપણારૂપ સાચી ભૂમિકા પ્રાપ્ત થઈ નથી, સંસારની મહત્તા અને મીઠાશ અંતરથી છૂટ્યાં નથી, જનમનરંજનરૂપ ધર્મની આડે પોતાના આત્મધર્મની ગરજ જાગી નથી તેવા મોહનિદ્રામાં સૂતેલા જીવને ઉપદેશ પરિણમતો નથી, તે વસ્તુસ્વરૂપને યથાર્થપણે જાણી શકતો નથી. ક્યારેક તો અનધિકારી જીવને મહાનિર્જરાનું હેતુભૂત જ્ઞાન અનર્થકારક પણ થઈ પડે છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' દ્રવ્યાનુયોગનો ગ્રંથ હોવાથી વિશેષ અધિકારીપણું માગે છે. જેમ યોગ્યતા વિના પ્રવીણ વૈદ્ય હીરાની ભસ્મ જેવી અમૂલ્ય વસ્તુ ગમે તેને આપતા નથી, તેમ શ્રીમદે માત્ર ચાર જીવોને જ અધિકારી જાણી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની શ્રી અંબાલાલભાઈએ નકલ કરેલી ચાર પ્રત ફક્ત તે ચાર જીવોના જ ઉપયોગ માટે આપી હતી. એક શ્રી સૌભાગ્યભાઈને સાયલા, એક શ્રી લલ્લુજી મુનિને ખંભાત, એક શ્રીમદ્રના ભાગીદાર શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરીને રંગુન અને એક શ્રી અંબાલાલભાઈને - એમ ચાર જીવોને તેની નકલ વાંચન-મનન અર્થે આપવામાં આવી હતી અને સાથે સાથે તત્ત્વજ્ઞાનની ગૂઢ વાતો અનધિકારી વ્યક્તિ પાસે ન જાય એ હેતુથી શ્રીમદે તેમને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિષે જાહેરમાં નિર્દેશ ન કરવાનો આદેશ કર્યો હતો. અનધિકારી જીવને તે ઉપકારક નહીં નીવડે એમ જાણી તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર બીજા કોઈના હાથમાં ન જાય કે કશે પણ પ્રસિદ્ધ ન થાય તે માટે સ્પષ્ટ ભલામણ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org