________________
ગાથા-૧૯
૩૮૧
છે; તેમ સદ્ગુરુ આજ્ઞારૂપી દંડથી સાધનાચક્ર ફેરવે છે. જેમ કુંભારના નિમિત્તથી નરમ, મુલાયમ, ચીકણી માટી આકારો બદલતી બદલતી, ધીમે ધીમે ઘડાના ઇષ્ટ આકારે થતી જાય છે; તેમ સદ્ગુરુના નિમિત્તથી જીવ દોષોને ટાળતો ટાળતો, આત્મભાવને વધારતો વધારતો, વધુ ને વધુ ઉત્સાહિત થઈ શિવપ્રાપ્તિના ઇષ્ટ ધ્યેય તરફ જતો જાય છે. જેમ કુંભાર કાચા ઘડાનું પવન આદિથી રક્ષણ કરે છે અને સૂર્યના તાપમાં સુકાવા મૂકે છે; તેમ સદ્ગુરુ જીવનું અશુભ નિમિત્તોથી રક્ષણ કરે છે તથા આજ્ઞારૂપી સૂર્યતાપથી તેના કુસંસ્કારોને સૂકવે છે. અંતે કુંભાર જેમ ઘડાને નિભાડામાં પકવે છે અને ત્યાં વિશિષ્ટ પ્રકારનો પ્રબળ અગ્નિ પ્રજ્વલિત થતાં ઘડામાં રહેલ શેષ કચાશ અલ્પ કાળમાં નાશ પામી કાચો ઘડો પાકો થાય છે; તેમ પ્રબળ ધ્યાનરૂપી અગ્નિથી મોહ ભસ્મ થતાં જીવ કેવળજ્ઞાન પામે છે. આ પ્રકારે સદ્ગુરુના ઉપદેશના પાલનથી જીવ શિવરૂપ થાય છે.
આમ, અનંત સુખની પ્રાપ્તિમાં શ્રી સદ્ગુરુનું અવલંબન પરમ ઉપકારભૂત છે. તેથી સદ્ગુરુને શોધી, તેમના ચરણકમળમાં સર્વ ભાવ વિનયપૂર્વક અર્પ, તેમની આજ્ઞાનુસાર વર્તવું આવશ્યક છે. શ્રીગુરુની આજ્ઞામાં એકલક્ષપણે, એકધ્યાનપણે, એકલયપણે રમમાણ રહેતાં યથાર્થ તત્ત્વનિર્ણય થાય છે, પરિણામે ઉપયોગ પરથી પાછો વળીને સ્વમાં સ્થિત થાય છે. આમ, સગુરુએ આંજેલ ભેદજ્ઞાનરૂપી અંજનથી અજ્ઞાનરૂપી અંધકાર નાશ થાય છે. સદ્ગુરુની વિનયોપાસનાથી જીવ નિજસ્વરૂપના અનંત આનંદના અમૃતનો આસ્વાદ અનુભવે છે. આ
આમ, સદ્ગુરુના ઉપદેશ દ્વારા જીવ કેવળજ્ઞાન જેવી પરમ સિદ્ધિ સંપ્રાપ્ત કરે છે. ક્વચિત્ એવું પણ બને કે શિષ્ય સદ્ગુરુના ઉપદેશથી અદ્ભુત સામર્થ્ય ફોરવી કેવળજ્ઞાન પામે અને સદ્ગુરુ હજી છબસ્થદશામાં જ હોય. એવો કોઈ નિયમ નથી કે પહેલાં ગુરુને જ કેવળજ્ઞાન થાય અને પછી જ શિષ્યને કેવળજ્ઞાન થાય. પ્રશ્ન થાય છે કે જો શિષ્યને ગુરુ પહેલાં કેવળજ્ઞાન પ્રગટ થાય તો તે ગુરુ પ્રત્યેનો વિનય ચાલુ રાખે કે છોડી દે? ગુરુને જ્યારે ખબર પડે કે શિષ્યને કેવળજ્ઞાન થયું છે ત્યારે તો ગુરુ જ કેવળી થયેલા શિષ્યનો વિનય કરે, પરંતુ જ્યાં સુધી ગુરુને અણસાર ન આવે ત્યાં સુધી કેવળી શિષ્ય વિનય કરે કે નહીં? આ પ્રશ્નનો ઉત્તર એમ છે કે કેવળી ભગવાન પોતાના કેવળજ્ઞાનનું નિમિત્ત બનનાર એવા સદ્ગુરુનો, છબસ્થ અવસ્થામાં હોવા છતાં પણ વિનય કરે છે. તેઓ સદ્દગુરુનો વિનય મૂકતા નથી, અર્થાત્ જે પ્રકારે ગુરુસેવા કે વિનયાદિમાં પ્રવર્તતા હોય તે ચાલુ રાખે છે. આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી કહે છે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા છતાં પૂર્વે જે ગુરુના વિનયમાં પ્રવર્તતા હોય, તે ગુરુને જ્યાં સુધી શિષ્યના કેવળજ્ઞાનની પ્રાપ્તિની જાણ ન થાય ત્યાં સુધી કેવળી ભગવાન વિનયનું ઉલ્લંઘન કરતા નથી. કેવળી થવા છતાં પણ છદ્મસ્થનો વિનય જાળવે છે અને ક્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org