________________
(૪૦) કરતાં આ માર્દવમૂર્તિએ કહ્યું, ‘આવા ગહન આશયયુક્ત શાસ્ત્રનું સંપૂર્ણ વિવેચન કરવાની ક્ષમતા મારામાં ક્યાંથી? આ તો ઘૂઘવતા સમંદરનું સંગીત સાંભળવા માટે છીપને કાને ધરવા જેવી ચેષ્ટા છે! હું તો માત્ર પીપળાનું એક પાંદડું દેખાડીને પીપળાનો સંકેત આપી શકું.....' અને અમે ગ્રંથપ્રકાશનની તૈયારીમાં લાગી ગયા.
પરમકૃપાળુદેવની સમાધિશતાબ્દીના પુષ્પવર્ષમાં બે મહતું કાર્ય કરવાની અમારી અભિલાષા હતી - શ્રી ધરમપુર તીર્થક્ષેત્રે પરમકૃપાળુદેવના કલ્યાણકારી નામે આશ્રમની શરૂઆત તથા આ જ્ઞાનપ્રકાશમય ગ્રંથનું પ્રાગટ્ય. શ્રી મહાવીર જયંતીના મંગળ દિવસે એ બન્ને ભાવના એકસાથે પૂર્ણ થઈ રહી છે, એથી અંતરમાં અતીવ પ્રસન્નતા એવમ્ ધન્યતા અનુભવાય છે. પરમકૃપાળુદેવની પરમ પ્રેરક અને પવિત્ર સ્મૃતિને આવા અજોડ સાહિત્ય-સુમનનું તેમજ અમારા જીવન-ઉપવનનું અર્થ અર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થવો એ જીવનનું મોટું સદ્ભાગ્ય છે.
ગ્રંથનિર્માણનું આ વિશાળ કાર્ય અનેક વ્યક્તિઓનાં સ્નેહ, સદ્ભાવ, કુશળતા, ભક્તિ અને સહયોગના કારણે સંપન્ન થઈ શક્યું છે. તેથી આ અવસરે એ સર્વનો આભાર માનીએ છીએ –
ગ્રંથનિર્માણના ભગીરથ કાર્યમાં પ્રેમપરિશ્રમ લઈ નિઃસ્પૃહભાવે યોગદાન આપનાર આદરણીય વિદ્વદ્વર્ય ડૉ. શ્રી રમણભાઈ શાહને અભ્યાસના આરંભથી ગ્રંથની પ્રસિદ્ધિ પર્યત વિદ્વત્તાપૂર્ણ માર્ગદર્શન તેમજ સોનેરી સલાહ-સૂચનો માટે; શ્રીમતી સ્મિતાબેન કોઠારીને હસ્તપ્રતસંશુદ્ધિ તથા કયૂટરકાર્યની બહુમૂલ્ય સેવા માટે; શ્રી અપૂર્વ કોઠારીને સંશોધનકાર્ય તથા ગ્રંથનિર્માણનાં અનેકવિધ કાર્યોમાં આપેલ સતત સહાય માટે; ડૉ. અતુલભાઈ શાહને શુદ્ધિકરણ, પરિશિષ્ટ વગેરે પ્રકીર્ણ કાર્યોમાં આપેલ સેવા માટે; કુમારી રીમા પરીખને કયૂટરના ટાઈપિંગની તથા અવતરણોની પ્રુફ સુધારણા માટે; શ્રી દિનકરભાઈ કોઠારી, શ્રી અતુલભાઈ કોઠારી, શ્રીમતી લીનાબેન ગાલા તથા શ્રીમતી નલિનીબેન ગડાને ગ્રંથપ્રકાશન અંગેની પ્રકીર્ણ કામગીરીમાં મદદરૂપ થવા માટે; મુદ્રણ સમિતિના સભ્યો શ્રી મનોજભાઈ શાહ, શ્રી પ્રમેશભાઈ શાહ, શ્રી રાહુલ ઝવેરી, શ્રી શ્રેયાંસ શાહ, શ્રી ભાવિન રૂપાણીને ગ્રંથને સુંદર, સુઘડ, સુશોભિત સ્વરૂપ આપવા માટે; ગ્રંથપ્રકાશનમાં ઉદારતાથી આર્થિક સહયોગ આપનારાઓને - ગ્રંથ પડતર કિંમત કરતાં ઘણા ઓછા મૂલ્ય પ્રસ્તુતિ પામી શક્યો તે માટે તથા અન્ય અનેક નામી-અનામી મુમુક્ષુ ભાઈ-બહેનોને શ્રુતવત્સલતા તથા ગુરુભક્તિનાં ઉજ્વળ પરિણામો બદલ અંતઃકરણનાં અભિનંદન પાઠવીએ છીએ.
- આત્મસિદ્ધિનો સન્માર્ગ પ્રકાશનાર આ ગ્રંથનું ઊંડું સ્વલક્ષી અધ્યયન કરવાથી ‘શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન'ની રુચિ, ‘સત્ય પુરુષાર્થ'ની વૃદ્ધિ અને નિજ સ્વભાવનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org