________________
ગાથા-૧૭
૩પ૯ જ્ઞાયકતત્ત્વનો નિર્ણય કરી તેનો જ આશ્રય કરે છે, તેનું જ અવલંબન લે છે. તેના ઉપર દૃષ્ટિ સ્થિર કરવા પ્રયત્ન કરે છે. તેને સ્વરૂપનો મહિમા આવ્યો હોવાથી જગતનું મહત્ત્વ છૂટી જાય છે અને જ્યાં સુધી સ્વરૂપ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે થાકતો નથી, પુરુષાર્થરત રહે છે. અંતરખોજનો પ્રયત્ન છૂટતો જ નથી. અંતરના ઊંડાણમાંથી ઉદ્ભવેલી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, તેની ખટક, ખરી લગની અને પૂરેપૂરી ધગશના કારણે તેના ઉપયોગમાં સ્વભાવને પકડવાની ક્ષમતા, સૂક્ષ્મતા અને તીક્ષ્ણતા આવે છે.
ચૈતન્યસ્વભાવના વારંવાર પરિચયના કારણે તે સંસારથી દૂર જતો જાય છે અને આત્મામાં ઊંડે ઊંડે ઊતરતો જાય છે. જ્ઞાયકસ્વભાવી આત્માને દૃષ્ટિમાં લઈને તેનું સ્મરણ-રટણ કરવાથી, તેમાં મગ્નતા કરવાથી, આત્માની ભાવના ઘૂંટી ઘૂંટીને ઉપયોગને અંતર્મુખ કરવાનો અભ્યાસ કરવાથી કોઈક ધન્ય પળે તેને આત્માનો અનુભવ થાય છે, નિશ્ચય સમ્યગ્દર્શન થાય છે. તેનાં પરિણામ સંસારથી હટીને ચૈતન્યની શાંતિમાં પ્રવેશી જાય છે અને તેમાં પ્રવેશીને પોતાના અદ્ભુત ચૈતન્યનિધાન જોતાં તેને અપૂર્વ આત્મિક આનંદ, શાંતિ અને તૃપ્તિ વેદાય છે.
આમ, જે જીવ સદ્ગુરુનાં વચનામૃત, મુદ્રા તથા સત્સમાગમનું અવલંબન લઈ, તેમની આજ્ઞાનું સર્વાણિપણે આરાધના કરી, જ્યારે પોતાનાં પરિણામને સ્વ તરફ વાળે છે; તેને પોતાના ધ્રુવ, ત્રિકાળી, જ્ઞાયકતંભ સાથે બાંધે છે; વિભાવમાં લિપ્ત થતી પરિણતિને જાગૃતિપૂર્વક સપુરુષાર્થ દ્વારા ત્યાંથી અળગી કરી સ્વભાવમાં એકાકાર કરે છે; ત્યારે સર્વ સંયોગ અને વિભાવથી ભિન્ન એવા નિજાત્માનો અનુભવ થાય છે. વ્યવહાર સમકિત જીવને નિશ્ચય સમતિ સુધી લઈ જાય છે. સદ્ગુરુની આજ્ઞા અનુસાર સ્વરૂપલક્ષે પુરુષાર્થ કરતાં સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને સ્વરૂપમાં અખંડપણે સ્થિર થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે ઉત્તમ ગીતાર્થ ગુરુ ભગવંતોને માર્ગ પૂછીને જે કોઈ આત્માર્થી આત્માઓ ઉન્માદ છાંડીને તેમણે કહેલાં વિધિ-નિષેધ મુજબ પ્રવર્તન કરે છે, તેવા આત્માઓ પોતાનાં આત્મતત્ત્વને નિર્મળ બનાવીને ઉત્તમ જશ(મોક્ષ)ને પ્રાપ્ત કરવાવાળા થાય છે.'
જેમ કલાત્મક હાથપંખાના બે પાંખિયા જુદા પાડીને, તેને ઉઘાડતાં તેમાં મોરની કળા ઝળકી ઊઠે છે; તેમ આત્મા ચૈતન્યની કેવળજ્ઞાનકળાનો ભંડાર છે. તેની શ્રદ્ધા અને તેમાં સ્થિરતા થતાં કેવળજ્ઞાનરૂપી પૂર્ણ કળા ખીલી ઊઠે છે. જે જીવ સ્વછંદ અને મતના આગ્રહમાં અટકી જાય છે, તેની જ્ઞાનકળા ખીલતી નથી પરંતુ બિડાયેલી રહે છે. ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, “સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૫, કડી ૯૯
“ગીતારથને મારગ પૂછી, છાંડીજે ઉન્માદો રે; પાલે કિરિયા તે તુજ ભક્તિ, પામે જગ જશવાદો રે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org