________________
૩૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સદ્ગુરુ આત્માર્થપોષક બોધ દ્વારા શુદ્ધાત્માનો અપાર મહિમા બતાવી, તેની પ્રાપ્તિ માટે સુશિષ્યને ઉત્સાહિત કરે છે. તેઓ સ્વને જાણવાનું રહસ્ય સમજાવતાં કહે છે કે ‘સ્વ-પરના ભેદને યથાર્થપણે જાણીને, પરથી પોતાને ભિન્ન જાણતાં શુદ્ધાત્માની સિદ્ધિ થાય છે. સ્વને તન્મયપણે જાણવાનું છે અને પરને ભિન્નપણે જાણવાનું છે. દેહ સાથે તારી એકતા નથી પણ ભિન્નતા છે. તારા ચૈતન્યનો વિલાસ દેહથી જુદો છે, માટે તારા ઉપયોગને પરમાંથી છોડીને અંતરમાં વાળ. તારા ઉપયોગસ્વરૂપ આત્માને પરના કારણે ક્યારે પણ પ્રતિકૂળતા નથી, તેથી આત્મસાધન કરવામાં વચ્ચે કંઈ પણ પ્રતિકૂળતા આવે તો તારા પ્રયત્ન છોડી ન દઈશ, પણ આત્માનો તાગ લેજે, અનુભવ કરજે. ઉપયોગને પલટાવીને આત્મામાં વાળ તો તને પરથી ભિન્ન એવું તારું ચૈતન્યતત્ત્વ આનંદના વિલાસ સહિત અનુભવમાં આવશે.
‘તારું ચૈતન્યતત્ત્વ તો અતીન્દ્રિય આનંદનો કંદ, અતીન્દ્રિય જ્ઞાનનું દળ, અતીન્દ્રિય શાંતિનો સાગર, અનંત શક્તિનું સંગ્રહાલય, અનંત સ્વભાવનો સમુદ્ર છે. તીર્થકર પરમાત્માની દિવ્ય વાણીમાં પણ જેનો મહિમા પૂરો દર્શાવી નથી શકાતો એવો ચૈતન્યહીરલો તું છે. તારા એકેક પાસામાં, એકેક ગુણમાં અનંત તાકાત ઝળકે છે. એવાં અનંત પાસાંથી ઝળકતી પ્રભુતા તારામાં છે. અનંત શક્તિના વૈભવથી ભરેલ આનંદનું ધામ એવો ભગવાન તું પોતે છે, પરંતુ તારી નજરની આળસે તું તને જોઈ શકતો નથી. પોતાના ભાન વિના તે અનંત કાળ ગાળ્યો છે. હવે તો જાગ! જાગી જો! અંતરમાં નજર કરતાં જ તને તારી પ્રભુતા દેખાશે. અંતરમાં જતાં અનંત ગુણોનો બગીચો ખીલી ઊઠશે. અંતરમાં એવો આનંદ આવશે કે બહાર આવવું જ નહીં ગમે. જેમ માણસને થાક લાગે તો પલંગ ઉપર સૂતાં આરામ મળે છે, તેમ આત્મામાં દષ્ટિ થતાં અનંત કાળનો વિસામો મળે છે. અતીન્દ્રિય આનંદ અને નિરાકુળ શાંતિ આવે છે તથા ચારે ગતિનાં દુ:ખોનો અંત આવે છે. પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ ચૈતન્ય મહેલ એ જ સુખધામ છે, વિશ્રામસ્થળ છે. તેથી હે જીવ! જો તને સંપૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મદશા પ્રાપ્ત કરવી હોય, મુક્તિ જોઈતી હોય, વિભાવનો વ્યય અને પરમાનંદરૂપ મોક્ષદશાનો ઉત્પાદ કરવો હોય તો નિર્વિકાર અને નિર્વિકલ્પ એવા નિજચૈતન્યના અભેદ ધ્રુવ સ્વરૂપને ગ્રહણ કર. જે અંતરમાં જ્ઞાયકપણે એકરૂપ પડ્યો છે, જે જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણોની એકતાસ્વરૂપ અભેદ પદાર્થ છે, તેવા આત્માને ગ્રહણ કર. તેના ઉપર દષ્ટિ લગાવી, તેને ધ્યેય બનાવી તેનો અંતરથી આદર કર, આશ્રય કર; તો તારી અનાદિ વિભાવદશા - દુઃખદશા છૂટશે અને મુક્તિદશા પ્રાપ્ત થશે.'
સદ્ગુરુના ઉપદેશથી જીવને પોતાની પ્રભુતાનું ભાન થાય છે. તે સદ્ગુરુનો અજ્ઞાનહારી ઉપદેશ ઝીલી શીધ્ર તેને પ્રયોગમાં મૂકે છે. નિજ શુદ્ધ, ધ્રુવ, અભેદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org