________________
૩૪૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમર્પણભાવ આવતાં તેનું અભિમાન નિવૃત્ત થઈ શકે.
શાસ્ત્રાભ્યાસ, ધારણા, બૌદ્ધિક ચર્ચા વગેરે બાહ્ય આવડતને સાચા જ્ઞાનની પ્રાપ્તિ માનીને પોતાને આત્મજ્ઞાન પ્રગટ થયું છે એવા ભમમાં તે વર્તે છે. આથી શુષ્કજ્ઞાનીપણું ઉત્પન્ન થાય છે અને જિજ્ઞાસાનો અભાવ થઈ જાય છે. અનાદિનાં અજ્ઞાન અને વિપરીત સંસ્કારોનું બળ ઘટવાનું કાર્ય તથા સત્યનું ભાન થાય તેવાં પરિણામોનો અવકાશ પરમાર્થતત્ત્વની જિજ્ઞાસાના કાળમાં થાય છે, પરંતુ જિજ્ઞાસાનો અભાવ થવાના કારણે તેને આવાં પરિણામો ન થતાં મોટું નુકસાન થાય છે. જિજ્ઞાસારહિત સ્થિતિના કારણે તેને આત્મભાવની ઓળખાણ થતી નથી. વળી, તે શાસ્ત્રજ્ઞાનની ધારણા વડે અપેક્ષાઓનો વિપરીત ઉપયોગ કરી પોતાના દોષોનો બચાવ કરવા લાગે છે. પરંતુ જો તે સગુરુનો આશ્રય ગ્રહણ કરે તો તેનામાં સરળતા આવતાં સદ્ગુરુના માર્ગદર્શન વડે દોષક્ષય કરીને તે આગળ વધી શકે.
આમ, જ્ઞાન-આરાધનામાં સદ્ગુરુના આશ્રયની તથા સતત જાગૃતિ રાખવાની આવશ્યકતા રહે છે, નહીં તો અટકી જવાય છે અથવા જીવ પોતાને નુકસાન કરી બેસે છે. જ્ઞાન-આરાધનાની વિકટતા ઉપરાંત બુદ્ધિની અલ્પતા અને મલિનતાના કારણે શાસ્ત્રનો મર્મ પામવો અતિ અતિ દુષ્કર બને છે. સગુરુના અવલંબન વિના અલ્પ મતિથી તથા સ્વછંદ શાસ્ત્રાભ્યાસ કરવાથી શુષ્કજ્ઞાનીપણું, ઉદ્ધતાઈ, એકાંતનું પ્રતિપાદન આદિ દોષો ઉત્પન્ન થાય છે. આવી દશામાં તો આત્મજ્ઞાન પામવાની ભૂમિકા પણ સંભવતી નથી, તો પછી સાક્ષાત્ તેની પ્રાપ્તિ તો કેવી રીતે સંભવી શકે? સગુરુના આશ્રયે શાસ્ત્રનું વાંચન-શ્રવણ કરતાં તે દોષોથી બચી શકાય છે, પણ સ્વચ્છંદી જીવ સદ્ગુરુનો આશ્રય લેતો નથી.
વળી, સદ્ગુરુ વિના આહારજય, આસનજય, નિદ્રાજય, ઇન્દ્રિયનિગ્રહ, કાયાસંયમ આદિના અભ્યાસ વડે આત્મહિત સાધવાની કોશિશ કરે તો તેમાં પણ તેને એકાંત પકડાઈ જાય છે. આત્મસ્વરૂપનો લક્ષ તે વીસરી જાય છે.
વ્રત-તપની બાહ્ય ક્રિયા ઉપર જ તેની દૃષ્ટિ હોવાના કારણે તે સર્વત્ર બાહ્ય ક્રિયાના આધારે જ ધાર્મિકતાનું માપ કાઢે છે. પોતાની મહત્તા અને બીજાની હીનતાનું માપ તેની દૃષ્ટિમાં ઊભું થાય છે. તે બાહ્ય ક્રિયાની ગણતરી અને તેના આગ્રહમાં જ રોકાયેલો રહે છે. બાહ્ય ક્રિયા જ મોક્ષમાર્ગની પ્રગતિ માટેનો તેનો માપદંડ હોવાથી, અજ્ઞાનીનો બાહ્ય ત્યાગ જોઈને તેને તે અનુમોદવા અને અનુસરવા લાગે છે તથા અવિરતિ સમ્યગ્દષ્ટિની અવહેલના કરે છે. આમ કરીને તે પોતાનું મિથ્યાત્વ દઢ કરે છે. જો તે સદ્ગુરુનો આશ્રય રહે તો ગણતરી અને આગ્રહના ભાવમાંથી છૂટી શકે અને તેને અંતર્લક્ષ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org