________________
૩૧૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તો અમૂલ્ય આત્મતત્ત્વરૂપી રત્ન પ્રાપ્ત કરી શકાય છે. તેથી અત્રે શાસ્ત્રના અવગાહનનો બોધ કરવામાં આવ્યો છે.
શાસ્ત્રનાં વચનોનો માત્ર સંગ્રહ કરવાથી કામ નથી સરતું. સત્પરુષોનાં વચનો દીવાસળીના ટોપચામાં રહેલ અગ્નિની જેમ સુપ્ત છે. જેમ દીવાસળી હાથમાં લેવાથી આપમેળે અગ્નિની પ્રાપ્તિ થતી નથી, પરંતુ દીવાસળીને ઘસવાથી અગ્નિ પ્રગટે છે; તેમ સત્પરુષના હૃદયમાં રહેલો આશય માત્ર સત્પરુષનાં વચનોનું વાંચન-શ્રવણ કરવાથી પ્રાપ્ત નથી થતો, તે માટે મનન અને નિદિધ્યાસન આવશ્યક છે. મનન અને નિદિધ્યાસન વિના વાંચન-શ્રવણ લાભપ્રદ થતાં નથી. તેથી આત્માર્થીએ વાંચન-શ્રવણથી સંતોષ ન માનતાં ચિંતન પણ કરવું જોઈએ. વળી, ચિંતનમાં અટકી ન રહેતાં નિદિધ્યાસન કરવું જોઈએ. સતત જાગૃતિ કેળવવી જોઈએ. શ્રીમદ્ પ્રકાશે છે –
‘શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. મનન કરવાથી છાપ બેસે છે, અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે.”
સત્સંગના વિયોગમાં સુપાત્ર જીવ સદ્ગુરુની આજ્ઞાનુસાર સતુશાસ્ત્રનું અવગાહન, અર્થાત્ તેનું વાંચન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરે છે. તે જાણે છે કે વાંચનશ્રવણથી પ્રાપ્ત થયેલ જ્ઞાનનું ચિંતન કરીને જો તે જ્ઞાનને સુદઢ ભાવનાથી ભાવનાત્મક જ્ઞાન ન બનાવ્યું તો પોતાને વિશેષ લાભ નહીં થાય. ખૂબ વાંચન-શ્રવણ કરવામાં આવે પણ જો તેના ઉપર વિચાર, ચિંતન વગેરે કરવામાં ન આવે તો તેની અસર માત્ર ચિત્તના ઉપલા સ્તર સુધી જ રહે છે. તેના દ્વારા અંતરંગ પરિવર્તન થતું નથી, અર્થાત્ અંતરશુદ્ધિ થતી નથી. જો અંતઃકરણ નિર્મળ ન થાય તો શાસ્ત્રનું વાંચન-શ્રવણ નિષ્ફળ જાય છે. તેથી સુપાત્ર જીવ શાસ્ત્રનું વાંચન-શ્રવણ વારંવાર કરીને તેના ઉપર ચિંતનમનન કરે છે. ચિંતન-મનનથી નવો અર્થપ્રકાશ થતો જાય છે, ઉન્નત ભાવો સ્ફરતા જાય છે અને બોધ દઢ થતો જાય છે. પરંતુ વાંચન-વિચાર કરવા છતાં પણ પ્રસંગ આવે ત્યારે ક્યારેક પ્રલોભનને વશ થઈ જવાથી ચિંતનાત્મક જ્ઞાન વિસ્મૃત થઈ જાય છે અને ઉદયપ્રસંગને વશ થઈ જવાય છે. જ્ઞાનને ભાવના વડે સુદઢ કરવામાં આવે તો તે જ્ઞાન ઉદયપ્રસંગે જાગૃત રહે છે અને તેમાં વૃત્તિને રોકવાનું સામર્થ્ય પણ આવે છે. ચિંતવેલા જ્ઞાનનું નિદિધ્યાસન થાય તો જ્ઞાન ભાવનાત્મક બને છે. વારંવાર એકનો એક વિચાર કરવાથી વિચારની સ્થિરતા થતાં તે વિચાર ભાવનાનું સ્વરૂપ પકડે છે અને તે ભાવનાત્મક જ્ઞાન ઉદયપ્રસંગે પ્રલોભનને વશ ન થતાં અડગ રહી વિજયી બને છે. પ્રલોભનકારી નિમિત્તો મળતાં જ ચિત્તવૃત્તિ પ્રબળતાપૂર્વક અંતર્મુખ થવા લાગે છે, અર્થાત્ ચિત્તવૃત્તિ નિમિત્તને આધીન થતી નથી. દઢ તત્ત્વનિર્ણયના બળે મુમુક્ષુ જીવ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૮૪ (વ્યાખ્યાનસાર-૨, ૩૦-૧૦, ૧૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org