________________
(૩૩)
કરતી હતી. પીએચ.ડી.ના વિષયની પસંદગી વખતે આ અંતરંગ ભાવના નિર્ણાયક ભાગ ભજવી ગઈ અને એ રીતે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના તલસ્પર્શી અધ્યયનનો સુલાભ મને સાંપડ્યો.
અત્યંત ગાંભીર્યપૂર્ણ અને પડકારરૂપ એવા એ સંશોધનકાર્યમાં મારે એવા કોઈ વિદ્વાન માર્ગદર્શકની આવશ્યકતા હતી કે જેમને ધર્મ તથા તત્ત્વજ્ઞાનની સમજ એવમ્ રુચિ હોય, જે પરમકૃપાળુદેવના સાહિત્યથી પરિચિત હોય તથા જેમનું ભાષા ઉપરનું પ્રભુત્વ સુંદર હોય. આ સર્વ ગુણોનો સુભગ સમન્વય મુરબ્બી શ્રી ડૉ. રમણભાઈ શાહમાં દૃષ્ટિગોચર થતો હતો, પરંતુ ત્યાં સુધીમાં ડૉ. રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા હતા એટલે તેમના માર્ગદર્શન હેઠળ નોંધણી શક્ય ન હતી. પરંતુ ત્યારપછી શ્રી સુરેન્દ્રભાઈ ઝવેરી તથા શ્રી મહેશભાઈ ખોખાણીની અથાગ મહેનતથી એ કાર્ય પણ શક્ય બન્યું. મુંબઈ યુનિવર્સિટીમાંથી ડૉ. રમણભાઈ શાહ મને માર્ગદર્શન આપી શકે એ માટે એમને માનાર્હ પ્રાધ્યાપક તરીકે વિશેષ પરવાનગી મળી, પરિણામે ફેબ્રુઆરી, ૧૯૯૪માં પીએચ.ડી માટેના મારા વિષયની વિધિસર નોંધણી કરાવી આ સત્કાર્યનો શુભારંભ કર્યો.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચનાને સો વર્ષ પૂરાં થાય ત્યારે જ જો તેની સમાલોચના શોધપ્રબંધરૂપે પરમકૃપાળુદેવનાં ચરણોમાં અર્પણ કરી શકાય તો કેવું સારું? કોઈ પણ મહાપુરુષની જન્મશતાબ્દી કરતાં પણ એમના કાર્યની શતાબ્દીનું મહત્ત્વ ઘણું વિશેષ છે, કારણ કે જન્મ તો આકસ્મિક હોય છે, જ્યારે સર્જન એ પરિશ્રમનો પરિપાક છે, આંતર ચેતનાનું આવિષ્કરણ છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ પરમકૃપાળુદેવના આધ્યાત્મિક જીવનનો નિચોડ છે, તેઓશ્રીની આધ્યાત્મિક પ્રજ્ઞાનું અપ્રતિમ પરિણામ છે. તેથી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું યથાર્થ બહુમાન કરવાનો આ જ અવસર છે એમ નિર્ધાર કરી, દિવસ-રાત સંશોધનકાર્યમાં હું પરોવાઈ ગયો. પરમકૃપાળુદેવના યોગબળથી સર્વ ગાથાઓની સમાલોચનાનું કાર્ય શતાબ્દીવર્ષમાં પૂરું થઈ શક્યું અને આસો વદ એકમ, ૨૦૫૨(તા.૨૭/૧૦/૯૬)ના શુભ દિવસે એટલાં જ (૨૦૫૨) પૃષ્ઠપ્રમાણ સમાલોચના પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ પાવનકારી ચરણકમળોમાં સમર્પિત કરી હું ધન્ય બન્યો. તત્પશ્ચાત્ અન્ય આનુષંગી પ્રકરણોનાં લેખનાદિમાં આશરે આઠ માસ વ્યતીત થયા અને ગુરુપૂર્ણિમા, તા. ૨૦/૭/૯૭ના મંગળ દિવસે શોધપ્રબંધ યુનિવર્સિટીમાં સુપ્રત કરવા માટે પૂર્ણતાને પામ્યો.
મુંબઈ યુનિવર્સિટી તરફથી મહાનિબંધની ચકાસણીની આવશ્યક પ્રક્રિયા પૂરી થયા પછી તા.૨/૧૨/૯૮ના રોજ સંધ્યાકાળે મુંબઈ યુનિવર્સિટીના પદવીદાન દીક્ષાંત સમારંભમાં પ્રસ્તુત શોધપ્રબંધ માટે મને પીએચ.ડીની ઉપાધિ એનાયત કરવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org