________________
ગાથા-૮
૨૧૫
થાય તો તેની કિંમત ફૂટી બદામ જેટલી પણ નથી અને આત્માર્થે વ્યતીત થાય તો ચિંતામણિ રત્નથી પણ અધિક માહાત્મ્યવાન છે, એમ સમજાયું હોવાથી આત્માર્થી જીવ પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ આત્મહિત સાધવા માટે વિતાવવા ઇચ્છે છે. આવી આત્મહિતની લગનીના કારણે આત્માર્થી જીવ પોતાનાં શ્રેય-અશ્રેયનો યથાર્થ વિચાર કરી શકે છે. તેનામાં બોધ ઝીલવાની પાત્રતા હોવાથી તે ધર્મવાર્તાનો કલ્યાણકારી અર્થ સમજવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે.
આત્માર્થીની વિવેકબુદ્ધિ અને ઔચિત્યદૃષ્ટિ કેળવાયેલી હોવાથી તે પરસ્પર વિરોધી દેખાતી વાતોમાંથી જુદી જુદી અપેક્ષાએ દરેક કથનની સત્યતા સમજે છે અને તેમાંથી પોતાને જે હિતકારી હોય તેને ગ્રહણ કરે છે. પરંતુ જેનામાં તેવી વિવેકબુદ્ધિનો અભાવ હોય છે તે અયોગ્ય સમજણના કારણે અયોગ્ય આચરણ કરી પોતાનું અપાર નુકસાન કરે છે. જેમ કે કોઈને શાસ્ત્રાભ્યાસની અતિ મુખ્યતા હોય, પણ આત્માનુભવનો ઉદ્યમ ન હોય અને તે વિકલ્પોમાં ગૂંચવાયેલો રહેતો હોય; તેવા જીવને ઘણો શાસ્ત્રાભ્યાસ કરવાનો નિષેધ કર્યો છે. પરંતુ જેને શાસ્ત્રાભ્યાસ ન હોય કે અલ્પ શાસ્ત્રાભ્યાસ હોય તેવો જીવ એ ઉપદેશ ગ્રહણ કરીને શાસ્ત્રાભ્યાસ છોડી દે અને સ્વરૂપની સમજણ ન કરે તો તેને નુકસાન થાય છે. વળી, ‘અનંતા ઓઘા કર્યા, અનંતી મુહપત્તિઓ કરી, એ બધાંનો ઢગલો કરવામાં આવે તો મેરુપર્વત જેવડો થઈ જાય. અનંતી વાર સાધુ થયો, અનંતી વાર આચાર્યપદ ઉપર આરૂઢ થયો પણ મોક્ષ ન થયો', ઇત્યાદિ ક્રિયાજડત્વને વગોવતાં વચનો અનેક શાસ્ત્રોમાં અનેક સ્થળે જોવા મળે છે. ઉપદેશમાં નિશ્ચયનયની દૃષ્ટિનું જ્યાં જ્યાં પ્રાધાન્ય હોય ત્યાં ત્યાં આવી વાતો મળે છે, પણ તેથી કંઈ ત્યાં સર્વ્યવહારનો નિષેધ કર્યો નથી. જે જીવને જડ ક્રિયાનું પ્રધાનપણું થઈ ગયું હોય તેને નિશ્ચયનું લક્ષ કરાવવા આવાં વચનો કહેવામાં આવ્યાં હોય છે. ઉપદેશ તો કોઈ એક અર્થની મુખ્યતાપૂર્વક હોય છે. જે અર્થનું વર્ણન જ્યાં ચાલતું હોય ત્યાં તેની જ મુખ્યતા હોય છે, તે વખતે જો બીજા અર્થની મુખ્યતા કરવામાં આવે તો એક પણ ઉપદેશ દેઢ ન થઈ શકે. આમ, ઉપદેશમાં જ્યારે એક અર્થને દઢ કરવામાં આવે છે ત્યારે અપેક્ષા સમજ્યા વગર જીવ તે વચનને એકાંતે પકડે તો તે વચન દૂષિત થઈ જાય છે અને તેનું મિથ્યાત્વ પુષ્ટ થાય છે.
જીવના જુદા જુદા દોષોની નિવૃત્તિ અર્થે જુદા જુદા સમયે, જુદા જુદા ઉપાયો બતાવવામાં આવ્યા હોય છે. કોઈને વ્યવહાર ક્રિયાનો આગ્રહ બંધાઈ ગયો હોય તો તેને નિશ્ચય પરમાર્થ સમજાવવામાં આવ્યો હોય છે અને કોઈને નિશ્ચયનો આગ્રહ થઈ ગયો હોય તેને શમ-સંવેગાદિ તથા ત્યાગ-વૈરાગ્યનું સ્વરૂપ દર્શાવી સ્વચ્છંદી વર્તનમાંથી મુક્ત થવાનો ઉપદેશ કરવામાં આવ્યો હોય છે. બધી જગ્યાએ આશય તો પરમાર્થમાર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org