________________
૫૩૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
મહાન જીવનમાંથી યથાશકિત મહાન તત્ત્વોની છાયા આપણા જીવનમાં મેળવવાનો આપણો ઉદ્દેશ હોય છે.
શ્રી મહાવીર પરમાત્માનું જીવન આપણા જીવનને જેટલું ઉપયોગી છે, તેટલા તેમના જન્મવાની કે નિર્વાણની તારીખો ઉપયોગી નથી. અલબત્ત, તેમના જન્મ કે નિર્વાણ અને બીજી ઘટનાઓની ઐતિહાસિક સાચી નોંધો તેમના જીવનનું એક અંગ ચોકકસ છે. તે વિના તેમનું જીવનચરિત્ર અપૂર્ણ ગણાય, પરંતુ તેમના જીવનની એ તારીખો અને ચોકકસ તિથિઓ આપણને ન મળે, એટલા ઉપરથી આપણે તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતા અટકવું, કે તેમના તરફ આદર ન બતાવવો કે તેમની આરાધના તથા સેવાભકિત ન કરવી, એ કેમ બને ?
ત્યારે આજે એતદેશીય તદનુયાયી લોકો એ તારીખો નકકી કરવાની ઉપાધિમાં એટલા બધા પડ્યા છે, અને તેના ઉપર એટલું બધું ચર્ચે છે કે, જીવનનાં કિંમતી વર્ષો ગુમાવી મુશ્કેલીથી મળેલ મનુષ્ય જન્મ એ પરમાત્માની સેવાભકિત વિના ગુમાવે છે. એટલું જ નહીં, પણ માનસિક રીતે તેની સન્મુખ પણ રહી શકતા નથી. સાથે સાથે અનેક સંશયોના ભોગ બની આરાધનાથી વંચિત રહે છે. સંશયાત્મા વિનશ્યતિ. થોડા દિવસ આગળ પાછળ તારીખો સાબિત થાય એટલા ઉપરથી શ્રી મહાવીર સ્વામીના જીવનની મહત્તામાં ફેર પડી જતો નથી. તેમના જીવનમાંથી લેવો જોઈતો બોધ અને તેમના તરફ બતાવવી જોઈતી ભકિત મુલતવી રાખવાની જરૂર નથી હોતી, છતાં આમ આડે રસ્તે ચડી ગયેલા જૈન ગણાતા વિદ્વાનો પણ આ ભવમાં પરમાત્માની પૂજા, સેવા, ભક્તિ અને તેમના જીવનમાંથી તેમના આગમોમાંથી લેવા જોઈતા બોધથી વંચિત રહી ભવ હારી જાય છે. પૂર્વાચાર્યો અને હાલના પણ અનુયાયીઓ ઐતિહાસિક ગષણા અને ચિંતન કરતા અને કરે છે. પરંતુ તેમના જીવનમાં પ્રભુ તરફની કૃતજ્ઞતા બતાવવાનાં તત્ત્વો વણાયેલાં હોય છે, ને સાથે સાથે ગષણા ચાલતી હોય છે. ત્યારે એતદેશીય તદનુયાયી જૈન વિદ્વાનો પણ ઐતિહાસિક ગવેષણાના ચૂંથણામાં એટલા બધા અટવાઈ પડ્યા છે કે, પ્રભુના સંસર્ગનો લાભ લઈ શકતા નથી, ને વધુમાં બીજાઓની ટીકા કરે છે. કારણ માત્ર એક જ છે કે, પ્રભુના જીવનના મહત્ત્વ કરતાં તેમની તવારીખોનું વધુ મહત્ત્વ માન્યું છે. આ શું તેઓનો ઉન્માર્ગ નથી ? અને જો તેમ હોય, તો આ ઐતિહાસિક મિથ્યાદષ્ટિ સ્પષ્ટ જ છે. આ પ્રમાણે આ દષ્ટિના ચકકરમાં પડેલા બીજા અનેક જીવો વિષે સમજી લેવું.
આધુનિક ઐતિહાસિક ગવેષણાની પરંપરાના ઉદ્દેશમાં, તેનાં સાધનોમાં, તેની પદ્ધતિમાં, ક્યા ક્યા વાસ્તવિક દોષો છે અને તેથી શું નુકસાન થયું છે ? તે વિસ્તારથી વિચારવાનું આ સ્થળ ન હોવાથી વધુ લંબાણ ન કરતાં કોઈ પ્રસંગ ઉપર રાખી જ્ઞાનાચારના અતિચારના પ્રસંગમાં અન્યથા યોજન દોષ વિષે અમારે જે કહેવું છે, તે મૂળ વિષય ઉપર આગળ વધીએ છીએ.
જેમ બને તેમ આગમ પરંપરા પોતાના ખરા સ્વરૂપમાં વધુ વખત ટકી રહે, તેમાં ક્ષતિ ન આવે, તેવા સઘળા પ્રયત્નો કરવા, એ જ્ઞાનાચાર છે. તેમાં પઠન પાઠનના પાંચ પ્રકારના સ્વાધ્યાય, એકંદર આખા ગુરુકુળવાસ અને તેને લગતા મુનિજીવનના આઠ પ્રકારના અતિચારનો ત્યાગ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org