________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૫૨૯
આચારોના મળીને એકસો ચોવીસ અતિચારો તથા તે આલોવવાનું પ્રયોજન વગેરે આગમો અને નિર્યુક્તિઓમાં બતાવેલ છે. એટલે અતિચારોની રચના નિર્મૂળ નથી. પરંતુ તેનું મૂળ ઠેઠ આગમો સુધી પહોંચેલું છે. માટે તેને અનુસરીને ભાષામાં રચાયેલા છતાં અતિચારોને પ્રમાણભૂત માનવાને હરકત નથી. એટલું જ નહીં, પરંતુ પ્રમાણભૂત જ છે. જો કે સામાચારી ભેદથી કે-સંક્ષેપ વિસ્તારની વિવક્ષાએ તેમાં મૂળ શાસ્ત્રોકત અતિચાર ઉપરાંત તેની સાથે સંબંધ ધરાવતી બીજી હકીકતો ઓછી વધતી હોય, કે ભાષાફેર કે કોઈ હકીકત આગળ પાછળ હોય, તેટલું જ જુદી જુદી રચનાઓમાં પરસ્પર જુદાપણું જોવામાં આવે.
દરેક વ્રત અને આચારનું વિધિ સાચવીને પાલન ન કરવામાં-આશયદોષ, ગેરસમજ, અશકિત, દ્રવ્ય, કાળ, ભાવના સંજોગોના ફેરફાર, અજ્ઞાન તથા બીજા અનેક સંજોગો વગેરેથી ઘણી-ભૂલો થવાનો સંભવ છે. પરંતુ એ બધી ભૂલો એકી સાથે યાદ આવે નહીં, એટલે અમુક અમુક ભૂલોનો સમાવેશ થઈ જાય તેવી પ્રતીક રૂપ ઉપર મુજબ-ભૂલોના સમૂહોને યાદ કરાવનાર-મુખ્ય મુખ્ય અતિચારો ગોઠવી બાળજીવોની સગવડ માટે દરેક વ્રતોના અતિચારોની સંખ્યા નકકી કરી આપી છે.
એ ઉપરથી એમ નથી સમજવાનું કે, “આટલા જ અતિચારો છે.” પરંતુ એકેએકના પેટામાં ઉપલક્ષણથી બીજા અનેકનો સમાવેશ થતો હોય છે. અને બાળજીવોને બરાબર સમજ પડે, માટે કોના પેટામાં બીજા કયા કયા અતિચારો સમાયેલા છે ? તે સ્પષ્ટ કરીને અતિચાર પાઠમાં બતાવેલા હોવાથી અતિચારના લંબાણથી પાઠ પ્રચલિત છે.
તથા જે વિસ્તાર થયેલ છે, તે પણ “રચનારે પોતાની મતિ કલ્પનાએ કરેલ છે.” એમ સમજવાનું નથી. કારણ કે, એ વિસ્તાર પણ શાસ્ત્રને અનુસારે છે. આગમ અને તેની ટીકાઓ, નિર્યુક્તિઓ-ચૂર્ણિઓ-આવશ્યક સૂત્રની નિર્યુક્તિ, ભાખ્યાદિક વગેરેમાં-તથા શ્રી હરિભદ્ર સૂરિકત પંચાશકની શ્રી અભયદેવ સૂરિ વિરચિત વૃત્તિ, ધર્મબિંદુ વૃત્તિ, શ્રાવક પ્રજ્ઞપ્તિ, વંદિત્તાસૂત્રની વૃત્તિઓ, ધર્મસંગ્રહ, યોગશાસ્ત્ર વગેરેમાં જે હકીકતો વિસ્તારથી આપી હોય, કે સૂચવી હોય, તે જ આ અતિચારમાં જેમ બને તેમ સંક્ષેપમાં અને સમજાય તેવી રીતે તત્કાલીન ભાષામાં આપવામાં આવેલ છે.
આ ઉપરથી નવા અતિચાર રચવા, તેમાં સુધારોવધારો કરવો, ઘટાડો કે ઉમેરો કરવો, એ કેટલું દુર્ઘટ અને જોખમી કામ છે તે બરાબર સમજાશે.
આગમોથી માંડીને પૂર્વાચાર્યો વિરચિત વિવેચન ગ્રંથોનોયે સારો અભ્યાસ હોય, જૈન શૈલીનો અનુભવ હોય, અને સર્વ સામાન્ય થઈ શકે તેવું રચનાકૌશલ તથા પ્રભાવશાળીપણું હોય, તેવા કોઈ વિશિષ્ટ જૈનાચાર્ય જેવા ત્યાગી જ તે જૈન શૈલી અનુસાર રચી શકે. બીજાની તે રચવાની શકિત ન ગણાય, અને તે માન્ય પણ ન થાય. માટે એવી ખપ વગરની વાત તરફ ધ્યાન પણ આપવું ન જોઈએ.
અલબત્ત-ચાલુ અતિચાર પાઠો ઉપર પૂર્વાચાર્યોના ગ્રંથોને અનુસાર વિવેચન, સ્પષ્ટીકરણ, શબ્દાર્થ, ટૂંક કે વિસ્તારથી સમજ લખીને બાળજીવોને તેનું રહસ્ય સમજવામાં મદદગાર થઈ શકાય, તેમ કરવામાં સેવા છે. તેને કોઈ રોકી ન શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org