________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૩૬૧
રાજકુમારે તે ખોલી, તો તેમાંથી શ્રી આદીશ્વર પ્રભુના પ્રતિમાજી સર્વ પૂજા સામગ્રી સાથે તેના જોવામાં આવ્યાં. તેના આનંદનો પાર ન રહ્યો. તે જોઈ ઊહાપોહ કરતાં તેને જાતિસ્મરણ થયું, ને તેનો પોતાનો પૂર્વભવ જાણવામાં આવ્યો કે –“હું આજથી ત્રીજે ભવે મગધ દેશના વસંતપુરમાં સામાયિક નામનો કણબી હતો, મારી સ્ત્રીનું નામ બધુમતી હતું. અમે શ્રી સુસ્થિતાચાર્ય પાસે ધર્મ સાંભળી શ્રાવક વ્રતની આરાધનામાં તત્પર થયાં. સ્ત્રી અનશન કરી મૃત્યુ પામી, ત્યારે હું પણ અનશન કરી સ્વર્ગમાં ગયો. વ્રતની કંઈક ખંડના કરવાથી હું ત્યાંથી આ અનાર્ય દેશમાં જન્મ્યો છું. છતાં ધર્મરહિત છું. ખરેખર મારા પર ઉપકાર કરવા અભયકુમારે પ્રતિમાજી મોકલી મારો ઉદ્ધાર કર્યો છે, તે ખરેખર મારા ગુરુ રૂપ છે.” એમ વિચારી અભયકુમાર પાસે જવા પિતાની આજ્ઞા માગી. પિતાએ આજ્ઞા આપી નહીં. પરંતુ પાંચસો માણસો તેની સેવામાં ગુપ્તપણે ચોકી રાખવાના ઇરાદાથી મૂકયા. કુમાર ફસાઈ ગયો, છતાં જે મળે, તેને અભયકુમારના જ સમાચાર પૂછે. પછી તેણે એક યુકિત શોધી કાઢી કે- ઘોડા ઉપર ફરવા જવાને બહાને દૂર દૂર જાય ને પાછો આવી જાય. એક દિવસે સમુદ્રકિનારે વહાણ તૈયાર રખાવી પ્રતિમાજી તથા રત્નાદિક મુસાફરીની સામગ્રી સાથે હંમેશની જેમ ઘોડા ઉપર ફરવા જઈ પાંચસો સેવકોને થાપ આપી આ તરફ પ્રવાસ લંબાવ્યો. વહાણમાંથી ઊતરી લક્ષ્મીપુર જઈ શ્રી પુણ્યનંદજી સૂરીશ્વરજી મહારાજ પાસે ધમપદેશ સાંભળી પોતાની પાસેનું ધન સાત ક્ષેત્રમાં વાપરી દીક્ષા લીધી. ત્યારે આકાશવાણી થઈ કે –“આર્દ્રકુમાર ! તારે ભોગકર્મ ભોગવવાનું બાકી છે. માટે દીક્ષા લેવાની ઉતાવળ ન કર.” છતાં તેણે પ્રત્યેકબુદ્ધ મુનિ તરીકે વિચરવું શરૂ કર્યું. ત્યાંથી વિહાર કરી વસંતપુર પાટણમાં જઈ બહાર દેવમંદિરમાં રાત્રે કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા.
પૂર્વભવની બંધુમતી સ્ત્રીનો જીવ આ જ શહેરમાં ધનદ શેઠની શ્રીમતી નામે પુત્રીપણે જન્મેલ છે. તે સખીઓ સાથે આ જ મંદિરમાં ફરવા આવેલી ત્યારે દરેક સખીઓ એક એક થાંભલાને પતિ તરીકે ઠરાવીને રમવા લાગી. ત્યારે શ્રીમતી માટે થાંભલો બાકી રહેલો ન હોવાથી તેણે પેલા મુનિને પોતાના પતિ ઠરાવ્યા. તેવામાં આકાશવાણી થઈ કે-“બરાબર છે બરાબર છે'' ને ગર્જના સહિત રત્નવૃષ્ટિ થઈ. શ્રીમતી પણ પગે પડી નિર્ણયાત્મક ભાવથી બોલી કે-“આ ભવમાં તો તમે જ મારા પતિ છો.” પરંતુ મુનિ તો ત્યાંથી ચાલ્યા ગયા. રાજા ધન લેવા આવ્યા, ત્યારે ફરીથી આકાશવાણી, થઈ કે-“આ શ્રીમતીનો જે પતિ થશે, તેનું એ ધન.” તેથી રાજા પોતાને સ્થાનકે ગયા અને કન્યા ધન લઈ ગઈ.
કન્યાએ કોઈ પણ વર સાથે લગ્ન ન કરતાં બાર વર્ષ કાઢી નાંખ્યાં. દરેક સાધુ આવે, તેનાં ચરણોમાં પ્રણામ કરી પછી અન્ન લેવાનો નિયમ રાખ્યો હતો. તે અનુસાર બાર વર્ષે ફરતાં ફરતાં આદ્રક મુનિ આવ્યા, તેને પ્રથમ વખતે કરેલા પ્રણામ વખતે જોયેલાં ચરણચિહ્નો ઉપરથી ઓળખી કાઢી આગ્રહપૂર્વક તેને પરણવા વિજ્ઞપ્તિ કરી. મુનિએ જાણ્યું કે “ભોગાવલી કર્મનો ઉદય આવી પહોંચ્યો છે. છૂટકો નહીં થાય.” એમ વિચારી તેની સાથે લગ્ન કર્યું. ત્યાં તેને એક પુત્ર થયો. ત્યારે ફરીથી દીક્ષા લેવા તેણે સ્ત્રીની સમ્મતિ માંગી. પરંતુ સ્ત્રીએ કાંઈ ખુલાસો ન આપતાં રૂની પૂણીઓ લાવી રેટિયો લઈ કાંતવા બેઠી. આ જોઈ પુત્રે પૂછયું કે, “બા ! આ શું આદર્યું ? આપણે આવી મજૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org