________________
૫૫.
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આશીર્વાદ વચનો સાક્ષાત્કાર કરવાની સ્થિતિ આવે ત્યારે કેવો રોમાંચ દેહ-મનના અણુ-અણુમાં વ્યાપી જાય! અને તે સ્થિતિ- તે “અર્પવ અવસર' આપણને ક્યારે સાંપડશે?
દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનું અધ્યયન કરનાર માટે સન્મતિતર્ક જેવા મહાન દાર્શનિક ગ્રંથનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે. આ રાસ બરાબર ભણવામાં આવે તો આકર ગ્રંથો પણ પ્રમાણમાં સુગમ થઈ પડે. આજે આપણા સંઘમાં આ રાસનું વિપુલ પ્રમાણમાં અધ્યયન થવા માંડ્યું છે તેનું શ્રેય પ. પૂ. ધર્મધુરન્ધરસૂરિજી મ.સા., પ. શાંતિલાલ કેશવલાલ શાહ તથા પં. ધીરુભાઈ જેવા વિદ્વાન શ્રાવકોને ઘટે છે.
આ કૃતિનું નામ તો “રાસ’ છે. પરંતુ તેનું પોત તો એક ગુઢ કે કઠિન દાર્શનિક ગ્રંથ જેવું છે. તેનું અધ્યયન, માત્ર મધ્યકાલીન રાસ સાહિત્યનો પરિચય હોય તેટલા માત્રથી થઈ શકે તેમ નથી. તેના અધ્યયન માટે તો જૈન દર્શન ઉપરાંત અન્ય છએ દર્શનોની તેમજ જૈનોમાં પણ બે શાખાઓના સિદ્ધાંતો તથા મતોની જાણકારી હોવી એ અનિવાર્ય હોય છે. વળી, તેવી જાણકારી હોય તો પણ આ રાસ બરોબર સમજાય જ તેવું તો નથી જ. આ સ્થિતિમાં આવી ગંભીર રાસ-રચના ઉપર એક વિશદ વિવેચન હોય તો તે આવશ્યક ગણાય.
અલબત્ત, વિવેચનો તો પૂર્વસૂરિઓનાં રચેલાં છે જ અને તે જિજ્ઞાસુઓને ઉપકારક પણ બની જ રહ્યાં છે, છતાં એક વધુ વિશદ, વધુ વિસ્તૃત ને વધુ બાળભોગ્ય વિવેચન અત્યંત આવશ્યક હતું. જેની પૂર્તિ પંડિત શ્રી ધીરુભાઈએ આ વિવેચનગ્રંથ દ્વારા કરી છે. તે ઘણા આનંદની વાત બને છે. પં. ધીરુભાઈનું આ પ્રદાન જૈન સંઘના જ્ઞાનપિપાસુ જીવો માટે અત્યંત ઉપકારક બની રહેશે. શ્રીસંઘને શ્રુતાભ્યાસના કાર્યમાં સહાયક બનવાનું આ પુણ્ય છે અને તે ધીરુભાઈને સંઘમાં ચિરસ્મરણીય બનાવશે તેમાં કોઈ શંકા નથી.
લિ.
સં. ૨૦૬૧, માગશર વદિ-૩
વિજયશીલચન્દ્રસૂરિ