________________
૧૩૨ ઢાળ-૩ : ગાથા-૧૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઘટાકારપણે નથી. પરંતુ ઘટાકારતા પર્યાય જેમાં બન્યો હતો તે દ્રવ્ય (માટી) તો રહે જ છે. તેથી જ તો તે દ્રવ્ય જોતાંની સાથે તેનો અતીતકાળનો ઘટપર્યાય સ્મૃતિગોચર થાય છે. બીજો કોઈ પદાર્થ સ્મરણમાં આવતો નથી. માટે કપાલાદિમાં ઘટપર્યાય સર્વથા અછતો નથી. જેમ કોઈ એક પુરુષે ૨૫ વર્ષની વયે ચોરી કરી હોય અથવા ખૂન કર્યું હોય, અને તેની વય ૫૦ વર્ષની થાય, હાલ તે શાહુકાર અને અહિંસક બન્યો હોય, તો પણ જો તે ચોરીનો કે ખૂનનો ગુન્હો પુરવાર થાય તો દંડ અને સજા તેને જ થાય છે. કારણકે હાલ વર્તમાનકાળે ચોરી કે ખૂન અછતા છે. પરંતુ તે તે ચોરી કરવાપણું અને ખૂન કરવાપણું ફક્ત પ્રગટ પર્યાયરૂપે અછતા છે. સર્વથા અછતા નથી. દ્રવ્યથી તો છે જ. જેણે ચોરી અથવા હિંસા કરી હતી તે જ આ દ્રવ્ય છે તેથી પર્યાયરૂપે પર્યાય અછતો હોવા છતાં પણ તે પર્યાય દ્વવ્યાર્થિક નયથી (દ્રવ્યસ્વરૂપે) અવશ્ય વિદ્યમાન જ રહે છે. તેથી તે ચોરી કરનારને અને હિંસા કરનારને જ ગુદ્ધો પકડાય ત્યારે દંડ થાય છે. તેમ અહીં કપાલાદિમાં પણ અતીતકાળનો વિષય ઘટાદિક પર્યાય દ્વવ્યાર્થિકનયથી છતો જ છે. માત્ર પર્યાયર્થિકનયથી અછતો છે. પરંતુ સર્વથા અછતો નથી.
તેથી જ નષ્ટ થયેલો ઘટ પણ મૃત્તિકારૂપે (માટી દ્રવ્યરૂપે) તો રહે જ છે. જો સર્વથા તે ઘટ અસત્ થતો હોત તો જેમ ઘટાકારારૂપ પર્યાય ચાલ્યો ગયો. તેવી જ રીતે મૃત્તિકારૂપ દ્રવ્ય પણ ચાલ્યું જવું જોઈએ. અને સસલાના શિંગડાંના સરખો સર્વથા અભાવ થવો જોઈએ પરંતુ તેમ થતું નથી. તે માટે કપાલાદિમાં અતીત વિષયક ઘટ સર્વથા અછતો છે જ નહીં, કે જેના દૃષ્ટાન્તથી અછતાની ઉત્પત્તિ તમે સિદ્ધ કરી શકો. જે જે સર્વથા અછતો પદાર્થ હોય છે. તેની તો ઉત્પત્તિ પણ ન જ હોય અને જ્ઞપ્તિ પણ ન જ હોય જેમ કે શશશૃંગ, આકાશપુષ્પ, વલ્ગાપુત્ર ઈત્યાદિ. આ પદાર્થો કદાપિ ઉત્પન્ન થતા નથી તથા કદાપિ સ્મરણમાં પણ આવતા નથી. માટે આ પદાર્થો સર્વથા અછતા છે. પરંતુ ઘટ તેવો નથી. તેથી અહીં ઘટ સર્વથા અછતો નથી. દ્રવ્યાર્થિકનયથી કપાલાદિમાં છતો છે, તો જ તેની જ્ઞપ્તિ થાય છે. તેવી જ રીતે મૃત્યિંડાત્મક પૂર્વાવસ્થામાં પણ દ્રવ્યાર્થિકનયથી ઘટ છતો જ છે. તેથી જ તેની ઉત્પત્તિ થાય છે. અને પર્યાયરૂપે મૃતિંડકાલે ઘટ અછતો છે. તેથી જ તેની સામગ્રી મેળવવી પડે છે અને સામગ્રીથી તેની ઉત્પત્તિ કરવી પડે છે. આમ, સ-અસત્-ઉભયાત્મક ઘટ છે. પરંતુ સર્વથા અસત્ નથી. માટીમાં ઘટનો સર્વથા અભાવ નથી. માત્ર પર્યાય રૂપે જ અભાવ છે.
હવે જો છતાની જ ઉત્પત્તિ થાય છે. આ વાત સ્વીકારવામાં આવે તો અભિવ્યક્તિ જ થઈ. નિયાયિકને પણ આ રીતે અભિવ્યક્તિ જ માનવી પડશે. કારણકે પૂર્વાવસ્થામાં ઘટ દ્રવ્યાર્થિકનયથી છે જ. જે હોય તેને ઉત્પન્ન કરવાનો ન હોય. માત્ર પ્રગટ જ કરવાનો હોય.