________________
૭૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૯ નશ્યમાન એવું પણ હજુ તૃણ છે. દૂધ બન્યું નથી. તેથી દૂધ નથી અને પછીના સમયે જ્યારે દૂધ બને છે ત્યારે તૃણ જ રહ્યું નથી. કે જેથી તૃણમાંથી દૂધ બન્યું કહેવાય. અર્થાત્ તૃણના અન્તિમ સમયે તૃણ છે પરંતુ દૂધ નથી અને દુધના પ્રથમ સમયે દૂધ છે પરંતુ તૃણ નથી. તો તૃણમાંથી દૂધ બન્યુ એમ કેવી રીતે કહેવાય ? એટલે તૃણના અંતે પણ દૂધ નથી. હવે જે કાર્ય આદિમાં ન હોય અને અંતમાં પણ ન હોય, તો પછી તે કાર્ય વર્તમાનકાળમાં પણ તેમ જ હોય, એટલે કે પૂર્વમાં જેમ નથી, અંતમાં જેમ નથી તેમ વર્તમાનમાં પણ નથી જ, તેથી વર્તમાનકાળમાં પણ દૂધકાર્ય ન હોય તેવું જ છે. આ રીતે પૂર્વ-ઉત્તર પર્યાયોને વ્યવહારનય જે કાર્યરૂપે માને છે અને અશુદ્ધ નિશ્ચયનય પણ અનેક કાર્ય અને એક કારણ જે માને છે. તે સઘળી વાત શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ મિથ્યા છે. આ રીતે કાર્ય જ કોઈ ન હોવાથી કારણ પણ નથી. કારણ શબ્દ કાર્યની અપેક્ષાવાળો છે. જેમ પિતા-પુત્ર, ગુરુશિષ્ય. જેને પુત્ર હોય તેને પિતા કહેવાય. જેને શિષ્ય હોય તેને ગુરુ કહેવાય. જેને પુત્રઅને શિષ્ય નથી તેને જેમ પિતા અને ગુરુ કહેવાતા નથી તેમ જેમાંથી કાર્ય નીપજે તેને કારણ કહેવાય. પરંતુ કાર્ય જ કોઈ નથી તો કારણને કારણ કેમ કહેવાય ? માટે આ સંસારમાં કોઈ કાર્ય પણ નથી. અને કોઈ કારણ પણ નથી જ. ફક્ત પરિણામ પામવાના સ્વભાવવાળું દ્રવ્ય જ છે.
તેથી આ સંસારમાં કાર્ય-કારણની કલ્પના રહિત એવું શુદ્ધ દ્રવ્ય માત્ર જ છે. અને તે પણ પોત પોતાના મૂળભૂત સ્વરૂપથી અવિચલિત સ્વરૂપ વાળું છે. પોતાના દ્રવ્યસ્વભાવથી ચલિત ન થનારું દ્રવ્ય છે. આ નયની દૃષ્ટિએ નવા નવા પર્યાયરૂપે દ્રવ્ય ફક્ત આવિર્ભાવતિરોભાવ માત્ર જ પામે છે. જેમ સર્પ ઉત્કૃણા કરે કે વિફણા કરે પરંતુ આખરે તે સર્પમાત્ર જ છે. ઉત્કણા-વિફણાને વ્યવહારી લોકો કાર્ય-કારણ માની લે છે. પરંતુ તેમાં કાર્ય-કારણ જેવું કંઈ જ નથી. આ નયને બાહ્યવ્યવહારો ઈષ્ટ નથી. બાહ્ય ઉપચારોઆરોપો જે કરાય છે તે પણ ઈષ્ટ નથી. આન્તરિક પરિસ્થિતિ વધારે પ્રિય છે. એટલે નિશ્ચયનય પરિણતિપ્રધાન છે. અને વ્યવહારનય પ્રવૃત્તિપ્રધાન છે. પરિણતિ એ માનસિક પરિણામ છે. અને પ્રવૃત્તિ એ કાયિકધર્મ છે. એટલે જ પરિણતિ એ જ્ઞાનમય હોય છે. અને પ્રવૃત્તિ એ ક્રિયાત્મક હોય છે.
આ રીતે વિચારતાં અનેક કાર્ય અને અનેકકારણ છે એવી માન્યતા વ્યવહારનયની છે. અનેક કાર્ય અને એક કારણ છે. એવી માન્યતા અશુદ્ધનિશ્ચયનયની છે. અને કાર્ય-કારણ કંઈ છે જ નહીં. શુદ્ધ અવિચલિત દ્રવ્યમાત્ર જ છે. અને તે પરિણામી સ્વભાવવાળું છે. આવી માન્યતા શુદ્ધ નિશ્ચય નયની છે. એમ જાણવું. ll૧૮