________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૩.
૪૯ તે જ રહે છે. તેથી મોતી એ પર્યાય છે. અને માલા એ દ્રવ્ય છે. તથા ઉજ્જવલતા-વર્તુલાકાર આદિ માળાના ગુણો છે. આ પ્રમાણે ઉદાહરણ જાણવું. કારણ કે મોતીની માળામાં ઉજ્જવલતા અને વર્તુલાકાર આદિ ધર્મો સદા વર્તે છે. તેથી આધાર-આધેય ભાવ હોવાથી અને સહભાવિત્વ લક્ષણ ઘટતું હોવાથી ઉજ્જવલતાદિ ગુણો છે.
આ પ્રમાણે આ માળાનું ઉદાહરણ દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદને સમજાવનારૂં જાણવું.
ગ્રંથકારશ્રીએ ટબામાં સ્પષ્ટ લખ્યું છે કે માળા એ દ્રવ્ય, મોતી એ પર્યાય અને ઉજ્વળતા આદિ ગુણ છે, આમ ઉદાહરણ જોડવું. કોઈ પણ પદાર્થનું સ્વરૂપ બે રીતે જોવાય છે એક સામાન્યથી અને બીજું વિશેષથી. આ બે ભાવો પદાર્થના સ્વરૂપની વિચારણામાં અવશ્ય હોય છે. ત્યાં જે સામાન્યની વિચારણા છે. તે દ્રવ્યપણાને જણાવે છે. અને વિશેષપણાની જે વિચારણા છે. તે ગુણપર્યાયને જણાવે છે કડુ-કુંડલમાં સુવર્ણ તેનું તે છે આવી જે સામાન્યપણાની દૃષ્ટિ છે તે દ્રવ્યત્વને સૂચવે છે. અને ઉજ્વલતા-મલીનતા તથા કડુ-કુંડલા આદિ આકારરૂપે જે ભાવો દેખાય છે. તે વિશેષપણાની દૃષ્ટિ ગુણ-પર્યાયને સૂચવે છે. સામાન્ય તરફની દૃષ્ટિથી દ્રવ્ય, અને વિશેષ તરફની દૃષ્ટિથી ગુણ-પર્યાય જણાય છે.
અહીં મોતીને વિશેષ તરીકે અને માળાને સામાન્ય તરીકે વિવક્ષીને ગ્રંથકારે આ ઉદાહરણ આપ્યું છે. (જોડવાનું કહ્યું છે.) ક્રમશઃ ૧૦૮ મોતીના મણકા બદલાતા રહે છે અને માળા તેની તે જ રહે છે. માટે મોતી વિશેષ છે અને માળા સામાન્ય છે અથવા અનેક પદાર્થોની બનેલી અનેક માળાઓ જ્યાં પડી હોય ત્યાં માળાપણુ દરેક માળામાં સમાન છે સામાન્ય છે તેથી તે દ્રવ્ય કહેવાય છે. અને આ માળા મોતીની છે. આ માળા સુતરની છે. આ માળા ચાંદીની છે. ઇત્યાદિ રૂપે મોતી, સુતર અને ચાંદી વિશેષિત છે તેથી તે પર્યાય છે. અને ઉજ્વલતાદિ ગુણ છે આ રીતે આ દૃષ્ટાન્ત સમજાવાયું છે. અહીં જો વિવક્ષા બદલીએ તો મોતી દ્રવ્ય અને માળા પર્યાય પણ થઈ શકે છે. જેમ કે મોતીનાં જ બનેલાં સેંકડો આભૂષણો હોય જેમકે માળા, કડુ-કુંડલ-કેયુર, કંદોરો ઈત્યાદિ તે સર્વ આભૂષણો મોતીનાં જ બનેલાં હોવાથી “મોતી” એ સામાન્ય છે તેથી તે દ્રવ્ય છે અને આ માળા છે. આ કડુ છે. આ કુંડલ છે. આ કંદોરો છે. ઇત્યાદિ ભાવે અલંકારો એ વિશેષિત છે. તેથી માળા આદિ પર્યાય થાય છે. આ રીતે વિચારતાં ધ્રુવ તરફની જે દૃષ્ટિ, એનો એજ આ પદાર્થ છે આવી જે દૃષ્ટિ, સામાન્ય રૂપે જે દૃષ્ટિ, એકીકરણ તરફની જે દૃષ્ટિ છે. તે દૃષ્ટિને કરાવનારી જે શક્તિ તે સઘળી દ્રવ્યત્વશક્તિ છે. અને ઉત્પાદ-વ્યય તરફની જે દૃષ્ટિ, પ્રતિસમયે પદાર્થ ભિન્ન ભિન્ન છે આવી જે દૃષ્ટિ, વિશેષ વિશેષ રૂપની જે દૃષ્ટિ, પૃથક્કરણ કરવાવાળી જે દૃષ્ટિ, આવી દૃષ્ટિને કરાવનારા જે ધર્મો તે સર્વે ગુણ-પર્યાયો છે. આમ તત્ત્વ જાણવું.