________________
૨૮૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૭૯ રોગ-શોક અને ભયનાં દુઃખોથી ભરેલાં તે સુખો છે. માટે આ સંસાર દુઃખોથી ભરેલો છે. તે વિસ્તારથી કંઈક આપણે જોઇએ.
(૧) ધનસુખ-સ્ત્રીસુખ-ભોજનનું સુખ વગેરે ગમે તેટલું સુખ મળ્યું હોય તો પણ પત્તાંના મહેલની જેમ, વીજળીના ચમકારાની જેમ ક્ષણભંગુર છે. એકાદ દશકામાં જ પરિસ્થિતિ પલટો ખાતી દેખાય છે. કરોડપતિ માણસ પણ રોડપતિ થતા અને પરિણીત જીવો વિધુર કે વિધવા રૂપે થતા નજરે દેખાય છે. લક્ષ્મી તો નાતરું કરનારી નાર જેવી છે. જ્યારે ચાલી જાય તે કંઈ કહેવાય નહીં. વાંકું પડતાં સ્ત્રી પણ વિમુખ થતી, રિસાતી, પિયર ચાલી જતી સંસારમાં જણાય છે. અકાળે મૃત્યુ પામતી પણ જણાય છે. માટે સંસારનું સર્વસુખ ક્ષણભંગુર છે નાશવંત છે. અને નાશકાલે પણ વધારે દુઃખ આપનાર છે.
(૨) ધનાદિનાં સુખો વધારેને વધારે વિકાર-વાસના કરનારાં છે. અગ્નિમાં જેમ જેમ ઇંધણ નાખો તેમ તેમ અગ્નિની ભૂખ વધે છે. કદાપિ તે અગ્નિ તૃપ્ત થતો નથી. તેમ આ સુખો ગમે તેટલાં ભોગવીએ તો પણ તેની વાસના વધતી જ જાય છે. કદાપિ આ જીવ તેનાથી તૃપ્ત થતો નથી. હજાર રૂપિયાનો માલિક હોય ત્યારે લખપતિપણું, લખપતિ થાય ત્યારે કરોડપતિપણું એમ અનુક્રમે રાજાપણું-ચક્રવર્તીપણું-ઇન્દ્રપણું માગ્યા જ કરે છે. લાભ થાય તેમ લોભ વધે છે. સદા અતૃપ્ત થયો છતો દુઃખી જ થાય છે.
(૩) ધનનાં સુખો પ્રાપ્ત કરવામાં અતિશય પરવશતા-મેણાં-ટોણાં-ઠપકા સહન કરવા જ પડે છે. ધંધામાં હોડ કરવી પડે છે. સાહસ કરવું જ પડે છે. જો નિષ્ફળ જાય તો પ્રાપ્તધન પણ ચાલ્યું જતાં વાર લાગતી નથી. સ્ત્રીસુખ પણ સ્વભાવનો મેળ આવવો, વફાદારપણે વર્તવું. ઘરની જવાબદારીઓ સમજવી, સંતાનોનું સંસ્કારપૂર્વક ઉશ્કેરણ કરવું. વગેરે અતિશય ઉપાધિઓથી ભરપૂર ભરેલું છે. એટલે જ કોઈ કોઈ વખત આ સુખ વિફરેલી વાઘણ જેવું દુઃખરૂપ પણ બને છે. માટે વાસ્તવિક સુખ નથી.
(૪) ઘણી ઘણી મુશ્કેલીઓ વેઠીને મેળવેલું ધનસુખ કે સ્ત્રીસુખ અકાળે-અનવસરે ચાલ્યું જતું જોવાય છે. અને અવશ્ય વિયોગ પામનારૂં જ છે. જ્યારે વિયોગ થાય છે ત્યારે અસહ્ય દુઃખદાયી થાય છે. ધનવાનું દશામાં જે રીતની રહેણી-કરણી ગોઠવાઈ હોય તે રહેણી-કરણી ધન ચાલ્યું જતાં ચલાવવી ભારે પડી જાય છે. સ્ત્રીનો વિયોગ થતાં સંતાનોની સાચવણી અને ઘરમાં એકલવાયું જીવન મહાદુઃખદાયી બની જાય છે.
(૫) ઉપરોક્ત સુખમાં વિયોગકાળે જીવ ગાંડો-પરવશ-લાચાર અને દીન થતો નજરે દેખાય છે. વિયોગના દુઃખથી આકુળ-વ્યાકુળ થતા જીવો આપઘાત સુધીના પણ પગલાં ભરે છે. અને તે વખતે સંસાર ખારો ઝેર જેવો અને અસાર-તુચ્છ દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org