________________
૨૭૮
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૭૭
સામાન્યથી સુંદર નથી. આગમનો શાસ્ત્રીય બોધ હોવા છતાં પણ તે બોધ અસત્પરિણામના સંગના કારણથી જ સુંદર નથી અર્થાત્ નિયમાં સુંદર નથી જ.
પ્રશ્ન : આ ભવાભિનંદી જીવનો જે બોધ છે તે અસત્પરિણામના સંગવાળો હોવાથી સુંદર નથી એમ કહો છો ત્યાં “સામાન્યથી સુંદર નથી” એમ કેમ કહ્યું છે?
ઉત્તર :- ભવાભિનંદી જીવનો આ બોધ અસત્પરિણામથી યુક્ત છે, એટલે સામાન્યથી સારો નથી. પરંતુ વિશેષથી કયારેક સારો પણ બને છે. જેમ કે મિથ્યાષ્ટિ જીવો ભવાભિનંદી કહેવાય છે. અને મિથ્યાત્વના ઉદયવાળા હોવાથી અસત્પરિણામથી યુક્ત છે. તેથી તેનો બોધ સુંદર કહેવાય નહીં, પરંતુ આ મિથ્યાત્વગુણઠાણે વર્તતા જીવો ઓઘદૃષ્ટિવાળા પણ હોય છે અને મિત્રા-તારા-બલા-દીપ્રા દૃષ્ટિરૂપ યોગની દૃષ્ટિવાળા પણ હોય છે. જે ઓઘદૃષ્ટિવાળા છે તેનો બોધ સુંદર નથી. પરંતુ મિત્રાદિ યોગની દૃષ્ટિવાળા જીવોનો એટલે ચરમયથાપ્રવૃત્તાદિ કરણમાં વર્તતા જીવોનો બોધ મિથ્યાત્વયુક્ત હોવા છતાં પણ મિથ્યાત્વની વિશેષ મંદતા હોવાથી અને ભાવિમાં સમ્યગ્દર્શન આવતાં સુંદર બોધ બનવાનો હોવાથી તેના કારણરૂપ એવા આ બોધને કંઇક સુંદર પણ કહેવાય છે. માટે “સામાન્યથી” સુંદર નથી એમ કહેલ છે. સારાંશ કે સમ્યક્ત્વાભિમુખ એવા મિથ્યાત્વીનો બોધ અપેક્ષાવિશેષે સુંદર છે. અને ગાઢ મિથ્યાત્વાભિમુખ એવા મિથ્યાત્વીનો બોધ સુંદર નથી. એમ સમજાવવા “સામાન્યથી” શબ્દનો પ્રયોગ છે.
ભાવાર્થ એવો છે કે- જમણવારમાં સુંદર પકવાન્ન બનાવ્યું હોય, તેમાં ઘણા મેવા, મીઠાઈ અને સારા મસાલા નાખી રસદાર અને ચટાકેદાર ભોજન બનાવ્યું હોય, અધિક ઘી-ગોળ-સાકર આદિ નાખીને અતિશય સ્વાદિષ્ટ બનાવ્યું હોય, પરંતુ જો તેમાં વિષની મિશ્રતા કરવામાં આવી હોય અથવા થઈ ગઈ હોય, વિષનો રંગ તેમાં જો લાગી ગયો હોય તો તે તમામ ભોજન પ્રાણનાશક બની જાય છે. ખાવાને માટે યોગ્ય રહેતું નથી, ફેંકી જ દેવું પડે છે. પશુઓને પણ આરોગવા યોગ્ય રહેતું નથી. કારણ કે પ્રાણઘાતક છે. તેવી જ રીતે આ ભવાભિનંદી જીવોમાં ગમે તેટલો આગમશાસ્ત્રોનો અભ્યાસ હોય, વિશિષ્ટ બોધ હોય, વાકપટુતા હોય, સમજવા- સમજાવવાની ચતુરાઈ હોય, પંડિતાઇ અને ઘણી વિદ્વત્તા હોય, કદાચ લોકોમાં આગમધર-આગમવેત્તાઆગમવિશારદ ઈત્યાદિ બિસદાવલિઓથી બિરદાવાતો હોય તો પણ સંસારસુખની રસિકતા રૂપ જે અશુભ પરિણામ છે. તે વિષતુલ્ય છે. તેનો જો સંગ થયો હોય તો તે તમામ બોધ ભાવપ્રાણ-ઘાતક હોવાથી સુંદર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org