________________
કર્મવિપાક
૫૫
પ્રશ્ન- મનુષ્યો નારકી કરતાં ગુણીયલ અને સુખી છે છતાં સર્વે મનુષ્યોને અવધિજ્ઞાન ન મળે અને નારકી પાપી અને દુઃખી છતાં સર્વે નારકીને મળે આવો ન્યાય કેમ?
ઉત્તર- આ અવધિજ્ઞાન સુખ-દુઃખ, કે પુણ્ય-પાપથી થતું નથી. તથા તેવા જીવોને થતું નથી. પરંતુ ભવમાત્રના કારણથી જ ઉત્પન્ન થાય છે. પતંગીયાં-મચ્છર-અને ચકલી જેવાં પ્રાણી તુચ્છ-હીનબળવાળાં છે તથાપિ જન્મથી જ ઉડવાની શક્તિ મળે છે. તેમ નારકીના જીવોને નરકનો ભવ મળતાં જ તે ભવના કારણે જ અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય જ છે. જો કે પ્રાપ્ત થયેલું આ અવધિજ્ઞાન સુખનું કારણ બનતું નથી પરંતુ વધારે દુઃખનું જ કારણ બને છે. મોહના ક્ષયોપશમવાળાને જ જ્ઞાન સુખનું કારણ બને છે. મોહના ઉદયવાળાને તો જ્ઞાન બહુધા દુઃખની વૃદ્ધિનું જ કારણ બને છે. જેમ સુખમાત્રના જ અર્થી આત્માને જ્યોતિષ શાસ્ત્રના જ્ઞાનથી થતી ભાવિની આગાહીનું જ્ઞાન દુઃખનું જ કારણ બને છે. તે જ પ્રમાણે નારકીને આ અવધિજ્ઞાન પણ દુઃખકારક જ જાણવું.
દેવ-નારકીને થનારું આ ભવપ્રત્યયિક અવધિજ્ઞાન જન્મથી મરણપયત સદા હોવાથી, તથા નિશ્ચિતદ્રવ્ય-ક્ષેત્રાદિ વિષયવાળું હોવાથી તેના પ્રતિભેદો પાડવામાં આવતા નથી. પરંતુ મનુષ્ય-તિર્યંચોને જે અવધિજ્ઞાન થાય છે તે ગુણોની નિમિત્તતાથી થાય છે. મનુષ્ય-તિર્યચોમાં ગુણોની તરતમતા હોવાથી તેનાથી થનારૂં અવધિજ્ઞાન પણ તરતમતાવાળું ઉત્પન્ન થાય છે. તેથી ગુણ પ્રત્યયિક અવધિજ્ઞાનના છ ભેદો છે. તે હવે સમજાવે છે
(૧-૨) અનુગામી અને અનનુગામી
ઉત્પન્ન થયેલું જે અવધિજ્ઞાન લોચનની પેઠે આત્મા જ્યાં જાય ત્યાં તેની સાથે જાય. જે આત્માને જેટલા ક્ષેત્રનું અને જેટલા કાળનું અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય તે ક્ષેત્રથી અન્ય ક્ષેત્રમાં આ આત્મા જાય તો પણ તે અવધિજ્ઞાન તેટલા જ ક્ષેત્ર-કાળવાળું ચાલુ જ રહે, ચાલ્યું ન જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org