________________
૩૮
પ્રથમ કર્મગ્રંથ
ધારણા એ વ્યંજનાવગ્રહાદિનું કાર્ય છે. વ્યંજનાવગ્રહાદિ એ કારણ છે. જો કારણમાં ભેદો ન હોય તો કાર્યમાં ભેદો આવે નહીં. કાર્યમાં ભેદો સ્પષ્ટ દેખાય છે માટે કારણમાં ભેદો હોવા જ જોઈએ, એમ અનુમાનથી અસ્પષ્ટપણે પણ વ્યંજનાવગ્રહાદિમાં ૧૨-૧૨ ભેદો સમજવા. જુદી જુદી જાતના ઇંડાઓના પ્રવાહી રસમાં રહેલો જીવભેદ દેખાતો નથી. પરંતુ કોઈમાંથી ચકલી, કોઇમાંથી મોર, કોઈમાંથી પોપટ અને કોઈમાંથી કબૂતર ઈત્યાદિ ભિન્ન ભિન્ન પક્ષી સ્વરૂપ કાર્ય થતું દેખાય છે. માટે માનવું જોઈએ કે ઇંડાના પ્રવાહી રસકાળમાં પણ જીવભેદ હતો જ, તે રીતે અહીં પણ સમજવું.
પ્રશ્ન- આ મતિજ્ઞાનવાળો આત્મા, વધુમાં વધુ કેટલું જાણે?
ઉત્તર- મતિજ્ઞાની આત્મા ઉત્કૃષ્ટથી કેટલું જાણે તે ચાર પ્રકારે સમજાવાય છે.
દ્રવ્યથી= મતિજ્ઞાની આત્મા શાસ્ત્રના આધારે સામાન્યથી સર્વદ્રવ્ય જાણી શકે, પરંતુ તેના સર્વ પર્યાયો ન જાણી શકે, જેમ કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો છે. તે લોકાકાશવ્યાપી છે. ગતિ-સ્થિતિ-અવગાહાદિ સહાયક છે. ઇત્યાદિ જાણે, પરંતુ તેના સર્વ પર્યાયો ન જાણે.
ક્ષેત્રથી- આગમના સંસ્કારથી લોક-અલોક સમસ્ત ક્ષેત્રને જાણે છે. કાળથી-આગમના સંસ્કારથી સામાન્યપણે ત્રણે કાળ જાણી શકે છે.
ભાવથી- ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના કેટલાક ભાવોને (પર્યાયોને) આગમના સંસ્કારથી જાણે છે. સર્વ પર્યાયોને જાણી શકતો નથી.
આ પ્રમાણે મતિજ્ઞાન સંબંધી કેટલીક ચર્ચા પૂર્ણ કરી. ત્યાર બાદ શ્રુતજ્ઞાનનું વર્ણન કરવાનો ક્રમ આવે છે. શ્રુતજ્ઞાનના એક અપેક્ષાએ ૧૪ ભેદો છે અને બીજી અપેક્ષાએ ૨૦ ભેદો પણ છે. હવે પછીની છઠ્ઠી ગાથામાં શ્રુતજ્ઞાનના ૧૪ ભેદો અને સાતમી ગાથામાં ૨૦ભેદો સમજાવાશે. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org