________________
૨૩૦
પ્રથમ કર્મગ્રંથ
૫. સામાન્યથી કોઇ પણ વસ્તુનું નિરૂપણ એના સ્વરૂપના વર્ણન દ્વારા કરવાનું હોય છે ને એ સ્વરૂપમાં રહેલા ભેદોના વર્ણન દ્વારા એના ભેદોનું વર્ણન કરવાનું હોય છે. જેમ કે કંબૂ-ગ્રીવા વગેરે વાળો ગોળાકાર-મોટા પેટવાળો પદાર્થ એ ઘડો છે... વગેરે. પ્રસ્તુતમાં મતિજ્ઞાનાવરણ-શ્રુતજ્ઞાનાવરણ વગેરે કર્મોને સ્પષ્ટ અલગ-અલગ સ્વરૂપવાળા તરીકે વિશિષ્ટજ્ઞાનીઓ જુએ જ છે ને એ રીતે વર્ણવી પણ શકે. છતાં, જેની આગળ વર્ણન કરવાનું હોય એ જિજ્ઞાસુની એવી ભૂમિકા ન હોય કે જેથી એ, એ સ્વરૂપને કે એના ભેદને સમજી શકે, તો એની આગળ એ સ્વરૂપનું વર્ણન કરવા દ્વારા એનું નિરૂપણ કરવાનો કશો અર્થ રહેતો નથી. તેથી એવે વખતે જિજ્ઞાસુ વ્યક્તિ જે રીતે (વિવક્ષિત વસ્તુના કાર્યના વર્ણન વગેરે દ્વારા) એની પિછાળ મેળવી શકે એ રીતે એનું વર્ણન થતું હોય છે. જેમ કે શરીરમાં અંદર થયેલા વાત-પિત્ત કે કફને બહારથી જોઇ-જાણી શકાતા ન હોવાથી એનાં બાહ્ય કાર્યોથી એની ઓળખાણ અપાય છે કે આવી નાડી ચાલતી હોય... આવું આવું થતું હોય તો વાયુ થયો કહેવાય વગેરે... એમ પ્રસ્તુતમાં મતિજ્ઞાનાવરણ વગેરે કર્મો રૂપે બનેલાં પુદ્ગલોનું વર્ણન ક૨વાનો કશો અર્થ રહેતો ન હોવાથી એનાં કાર્ય દ્વારા એની ઓળખાણ અપાય છે કે આવા જ્ઞાનને રોકે તે મતિજ્ઞાનાવરણ કર્મ- વગેરે, પણ એવી ઓળખાણ નથી અપાતી કે પુદ્ગલો અમુક પ્રકારના હોય તો મતિજ્ઞાનાવરણ ને અમુક પ્રકારના હોય તો શ્રુતજ્ઞાનાવરણ... વગેરે.
૬. કેવલજ્ઞાન એક છે એટલે કે એની સાથે મતિજ્ઞાનાદિ ચાર હોતા નથી, આ ચાર જ્ઞાનો ક્ષાયોપમિક છે, એટલે આવરણકર્મનો સર્વથા ક્ષય થવા પર ટકી શકતા નથી, (નહીંતર તો ક્ષાયિક થઇ જાય) મૂળમાં આત્માના સ્વભાવભૂત કેવલજ્ઞાન છે. એનું આવરણ કર્મ કેવલજ્ઞાનાવરણ વાદળ જેવું છે, જેથી કેવલજ્ઞાન ઢંકાયેલું છે. પણ જેમ વાદળ છવાયા હોવા છતાં કંઇક સૂર્યપ્રકાશ તો ફેલાય જ છે, એમ કંઇક જ્ઞાનમાત્રા તો ખુલ્લી જ હોય છે. મકાનની છત વગેરે એ કંઇક ફેલાયેલા સૂર્યપ્રકાશ માટે આવરણ સમાન છે. એમ મતિજ્ઞાનાવરણીયાદિ કર્મો જાણવાં, છતમાંથી પ્રકાશ આવવા માટે જેવા છિદ્રાદિ હોય એ પ્રમાણમાં પ્રકાશ આવે છે, એમ મતિજ્ઞાનાવરણાદિનો જેટલો ક્ષયોપશમ થાય એટલું જ્ઞાન થાય છે, પણ જ્યારે આખી છત-દિવાલો બધું જ ઊડી ગયું ને વાદળાં પણ વિખેરાઇ ગયાં, ત્યારે તો સૂર્યનો શુદ્ધ પ્રકાશ જ અસ્તિત્વ ધરાવે છે, વાદળછાયો પ્રકાશ રહી શકતો નથી, એમ કેવલજ્ઞાનાવરણ પણ ક્ષીણ થઇ જવા પર આત્માના સ્વભાવભૂત માત્ર કેવલજ્ઞાન જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org