________________
૧૯૨.
પ્રથમ કર્મગ્રંથ
પોતાની ઇચ્છા વિના પરવશપણે ભૂખ-તરસ-ટાઢ-તાપ કે ઉપસર્ગ સહન કરવાથી, તથા ડાસ-મચ્છર-આદિના પરિષહો અનિચ્છાએ પરાધીનતાથી સહન કરવાથી થતી કર્મોની જે નિર્જરા તે અકામનિર્જરા, આવી અકામનિર્જરા કરવાવાળો આત્મા મોહાવેશમાં હોવાથી ઉત્તમ કક્ષાના દેવના આયુષ્યને ન બાંધતા અસુરનું (ભવનપતિ-વ્યંતરનું) આયુષ્ય બાંધે છે. આયુષ્યકર્મના બંધહેતુઓ કહ્યા. હવે નામકર્મના બંધહેતુઓ કહે છે.
નામકર્મના ૪૨-૬૭-૯૩-૧૦૩ ભેદો છે. ભેદ-પ્રતિભેદ ઘણા હોવાથી એક-એક પ્રતિભેદના બંધહેતુ કહેવા દુષ્કર પણ છે અને જો અહીં કહે તો ગ્રંથગૌરવ પણ થાય, કર્મગ્રંથના અભ્યાસીને માટે સમજવું કઠીન થઈ જાય, તે માટે તે તમામ પ્રતિભેદોને બે ભાગમાં ગ્રંથકારશ્રી વહેંચી નાખે છે. (૧) શુભ અને (૨) અશુભ. હવે તે શુભનામકર્મ તથા અશુભનામકર્મના બંધહેતુ જણાવે છે
(૧) સરલસ્વભાવી = અતિશય સરલ સ્વભાવવાળો, માયાકપટ-જુઠ વિનાનો, હૈયામાં જુદું અને હોઠે જુદું એવું નહીં બોલનારો,
(૨) ગારવરહિત- પ્રાપ્ત વસ્તુમાં આસક્તિ અને અપ્રાપ્ત વસ્તુની તીવ્ર ઝંખના આ બન્ને ભાવ વાળો જે પરિણામ તે ગારવ કહેવાય છે. ખાવા-પીવાની જે અતિશય આસક્તિ તે રસગારવ, ધન-ધાન્ય-સોનારૂપાદિની જે આસક્તિ તે ઋદ્ધિગારવ અને શરીરની સુખાકારિતાની જે આસક્તિ તે સાતાગારવ. આવા પ્રકારના રસ-ઋદ્ધિ અને સાતા એમ ત્રણે ગારવ વિનાનો આત્મા શુભનામકર્મ બાંધે છે. તથા ક્ષમા આદિ ગુણવાળો અને સંસારથી ભીરૂ જીવ શુભનામકર્મ બાંધે છે.
તેનાથી વિપરીત સ્વભાવવાળો જીવ અશુભનામકર્મ બાંધે છે. જેમ કે વક્રસ્વભાવવાળો અને અતિશય રસ-ઋદ્ધિ-સાતાની આસક્તિવાળો જીવ અશુભનામકર્મ બાંધે છે. ૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org