________________
૧૦૬
પ્રથમ કર્મગ્રંથ
આ સિદ્ધાંત ઉપરથી એ ફલિત થાય છે કે પચીસ વર્ષ જેવી નાની ઉંમર અને યુવાવસ્થાવાળો પુરુષ પણ જો અકસ્માતમાં મૃત્યુ પામે તો તેનું બાકીનું મનુષ્યભવનું સર્વ આયુષ્ય દોરડાના ગુંચળાની જેમ ગુંચળું વળી મૃત્યુ પામતાં પહેલાં સંપૂર્ણ ભોગવાઈ જ જાય છે. તુટતું નથી, બાકી રહેતું નથી, કે પરભવમાં સાથે લઈને જતો નથી. ફક્ત વ્યવહાર દૃષ્ટિવાળા જીવોને આશ્રયી જેટલા વર્ષ જીવવાનો હતો તેટલા વર્ષ ન જીવ્યો એટલે આયુષ્ય તુટી ગયું કહેવાય છે. વળી આવી રીતે મૃત્યુ પામેલા જીવો “અવગતિએ ગયા” એમ જે કહેવાય છે તે પણ ઉચિત નથી કારણકે અવગતિ નામની કોઈ ગતિ નથી. મૃત્યુ પામ્યા પછી સામાન્યથી ત્રણ સમયમાં તો પરભવમાં ત્રસનાડીમાં ગમે તેટલું સ્થાન દૂર હોય તો પણ જીવ ઉત્પન્ન થાય જ છે. અધવચમાં ક્યાંય રોકાતો જ નથી. માટે મૃત્યુ પામ્યા પછી પરભવમાં પહોંચી જ જાય છે. પરંતુ પરભવમાં તે જીવ વ્યંતર જેવા દેવોમાં ગયો હોય, ઉત્પન્ન થયા પછી અવધિજ્ઞાનનો કદાચ ઉપયોગ મૂકે અને તેનાથી પોતાનું ગયા ભવનું અકાળ અવસાન દેખે તો તે ગયા ભવના સ્ત્રી-પુત્ર આદિ પરિવાર ઉપરના મોહને લીધે દેવાવસ્થા રૂપે આ ઘરે આવી પણ શકે. અને સ્નેહીઓને દર્શન પણ આપે, ઈચ્છાઓ પણ પૂરે, કોઈના શરીરમાં પ્રવેશ પણ કરે. તે પણ દેવભવ સંબંધી ઉત્તરવૈક્રિય સાથે મોહથી પ્રવેશ કરે. ઈત્યાદિ યથાયોગ્ય સમજવું. - દેવતા-નારકી-યુગલિક તિર્યંચ-મનુષ્યો, તે જ ભવે મોક્ષે જનારા
જીવો તથા ત્રેસઠશલાકાપુરુષોનું (૨૪ તીર્થંકર પરમાત્મા, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બળદેવ એમ ૬૩ પુરુષોનું) આયુષ્ય અનપવર્તનીય હોય છે. બાકીના તિર્યંચ-મનુષ્યોનું આયુષ્ય અપવર્તનીય પણ હોય છે અને અનપવર્તનીય પણ હોય છે. (જુઓ તત્ત્વાર્થ સૂત્ર. ૨-૫૨)
તે આયુષ્યકર્મના ચાર ભેદ છે. સુરાયુ, નરાયું, તિર્યંચાયુ અને નરકાય, પોતાના શરીરની સ્વાભાવિક કાન્તિ વડે જે શોભે-દીપે તે સુર કહેવાય છે. અર્થાત્ દેવ કહેવાય છે. તે ભવમાં જીવાડનારૂં જે આયુષ્ય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org