________________
કર્મવિપાક
૭૫
અન્ય સંઘયણવાળાને આ નિદ્રા જ્યારે ઉદયમાં ન આવી હોય તો પણ બીજા પુરુષો કરતાં ત્રણ ચારગણું બળ સહજ હોય છે.
આ નિદ્રાના ઉદય ઉપર શ્રી વિશેષાવશ્યકભાષ્ય (ગાથા ૨૩૫)માં અનેક દૃષ્ટાન્તો આપ્યાં છે, ત્યાંથી જાણી લેવાં.
પ્રશ્ન - દર્શનાવરણીયકર્મ દર્શનગુણને આવરે છે. તે આવાર્ય દર્શનગુણ ચક્ષુદર્શન વિગેરે માત્ર ચાર (૪) જ છે. અને આવરણ કરનાર દર્શનાવરણીય કર્મના ૯ ભેદો તમે સમજાવો છો. તે કેમ સંગત થાય? જો આવાર્ય ૪ હોય તો આવારક પણ ચાર (૪) જ હોવાં જોઈએ. અથવા જો આવારકકર્મ નવ હોય તો આવાર્યગુણ પણ નવ (૯) ગણાવવા જોઈએ.
ઉત્તર – તમારો પ્રશ્ન સત્ય છે. આવાર્ય ગુણ ચક્ષુદર્શન વિગેરે ચાર જ છે. તેનું આવરણ કરનારા દર્શનાવરણીય કર્મના પણ ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર ભેદો જ છે. પરંતુ તે ચાર કર્મોમાંથી પ્રથમનાં ત્રણ કર્મો ક્ષયોપશમ ભાવવાળાં છે. તેમાં પણ અચક્ષુદર્શનાવરણીય કર્મનો સર્વ જીવોને નિયમા ક્ષયોપશમભાવ હોય જ છે. અને ચક્ષુદર્શનાવરણીય કર્મનો ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિય જીવોમાં યથાયોગ્ય ક્ષયોપશમભાવ હોય છે. તથા જેને અવધિજ્ઞાન પ્રગટ થયું છે તેવા પંચેન્દ્રિય જીવોને અવધિ દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય છે. એટલે તે ત્રણે કર્મો પોતાના આવાર્ય મૂળ ચક્ષુદર્શનાદિ ત્રણ ગુણનો ઘાત તો કરે જ છે પરંતુ દેશઘાતી હોવાથી અને ક્ષયોપશમભાવવાળાં હોવાથી પોતાના આવાર્ય ગુણને સર્વથા હણી શકતાં નથી. કારણ કે ક્ષયોપશમાનુવિદ્ધ ઔદયિકભાવ હોય છે. તેથી ક્ષયોપશમ હોવા છતાં મર્યાદિત પ્રમાણમાં જ ચક્ષુ દર્શન વિગેરે પ્રાપ્ત થાય છે. તેને જ ઉદયમાં આવેલ નિદ્રાપંચક હણે છે. અને જ્યારે નિદ્રાનો ઉદય ન હોય ત્યારે તે આવાર્ય ગુણોની યત્કિંચિત્ પ્રભા ઉઘાડી રહે જ છે. જેમ કે સામાન્ય મનુષ્ય-પશુ-પક્ષી આદિને આ ત્રણે કર્મોનો ઉદય હોવા છતાં ૪૦૦-૫૦૦ ફૂટ દૂરથી જોવાની, સાંભળવાની, સુંઘવાની વિગેરે દર્શનલબ્ધિ ઉઘાડી જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org