________________
ભગવાન મહાવીરનો ત્રિવિધ સંદેશ અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત • ૭૭ જીવવાનું બાજુએ મૂકી માત્ર સ્વાવલંબી અને સહિષ્ણુ ત્યાગી જીવન સ્વીકાર્યું. તેમણે એ જીવન દ્વારા તે કાળે અનેકાંતદૃષ્ટિ અને અહિંસા-અપરિગ્રહ સિદ્ધ કરી તેનો વારસો બીજાને આપ્યો. પણ અનુયાયીઓ બદલાતી પરિસ્થિતિમાં પણ ભગવાનના તે વખતના બાહ્ય જીવનના ખોખાને જ વળગી રહ્યા અને ઊંડાણથી એ જોવું ભૂલી ગયા કે વસ્તુત મૂળ સિદ્ધાંતો પ્રમાણે જીવન જિવાય છે કે નહિ. પરિણામ એ આવ્યું કે ભગવાનના સીધા વારસદાર ગણાતા ત્યાગીઓ જ એ ધ્રુવ સિદ્ધાંતથી સાવ વેગળા જઈ પડ્યા, અને હજારો વર્ષ પહેલાંના ત્યાગીના આચાર–ખોખાને મજબૂતપણે વળગી રહ્યા. ગૃહસ્થો, કે જે મુખ્યપણે ત્યાગીઓના જીવનને આદર્શ માની ચાલે છે અને તેમનું અનુકરણ કરે છે તેઓ, પણ એવા જ શુષ્ક આચારના ખોખાને મજબૂતપણે વળગી રહ્યા અને અનેકાંત તેમજ અહિંસા-અપરિગ્રહની જાગતી દૃષ્ટિ જ લગભગ ગુમાવી બેઠા.
બીજાના શ્રમ ઉપર ન જીવવાની દૃષ્ટિએ ક્યારેક યોજાયેલો અનગાર-માર્ગ આજે એટલો બધો વિકૃત થઈ ગયો છે કે તેનું પાલન એકમાત્ર બીજાના શ્રમને જ આભારી થઈ ગયું છે. ઉઘાડે પગે ચાલવું, હાથે વાળ ખેંચી લઈ લોચ કરવો વગેરે કઠણ આચારો અને મિલમાં તૈયાર થયેલ ઝીણાં તેમજ રેશમી – ભોગી જનને શોભે તેવાં – કપડાં એ બેનો ત્યાગીજીવનમાં મેળ શો, એ વિચારવું ઘટે છે. અહિંસા અને અપરિગ્રહ માટે જ નગ્નત્વ કે અર્ધનગ્નત્વ સ્વીકારનાર ત્યાગી વર્ગ જમાનો બદલાતાં વસ્ત્ર ધારણ કરે અને શહેરમાં પણ રહે તો તે એ જ સિદ્ધાંતને અનુસરી પોતાનાં કપડાં પોતે તૈયાર કેમ ન કરે? આ પ્રશ્ન અઘરો અને ધર્મઘાતક લાગતો હોય તો તેનું કારણ એ છે કે આપણામાં એ ધ્રુવ સિદ્ધાંતો વિશેની સાચી અને ઊંડી સમજણ જ નથી. નિર્દોષ ગણાય એવા નિરક્ષરતાનિવારણ અને સામાજિક જ્ઞાનદાનનું કાર્ય કોઈ ત્યાગી જવાબદારીપૂર્વક કરે તો તેને સમાજ ત્યાગટ્યુત થયેલ માને છે. આનું કારણ એ છે કે આપણે નિવૃત્તિને જ પૂર્ણ ધર્મ માની લીધો અને એ ભૂલી ગયા કે દોષનિવૃત્તિ એ તો ધર્મમાત્રની એક બાજુ જ છે, અને તે પણ સામાજિક કલ્યાણની પ્રવૃત્તિ કરવાની માત્ર પ્રાથમિક શરત છે. પરિણામે સપ્રવૃત્તિનો આગ્રહ જતાં જ નિવૃત્તિ પણ બનાવટી બની ગઈ. ગૃહસ્થો કાળા બજાર અને શોષણ કરે તે તેમનો દોષ છે જ, પણ એ જાણવા છતાં એવી આવકમાંથી ત્યાગીજીવન પોષવું, એ શું કાળાં બજાર અને શોષણથી ઊતરતું છે? ત્યાગીઓ ગૃહસ્થોના ધંધાને દૂષિત કહે છે જ્યારે ગૃહસ્થો ઊંડે ઊંડે સમજતા હોય છે કે ધંધો દૂષિત છે, પણ એની શુદ્ધિ ત્યાગીઓના પોષણ દ્વારા થઈ જાય છે. એટલે સામાજિક અશુદ્ધિનું ચક્ર ચાલુ જ રહે છે.
પરિસ્થિતિ બદલાતાં સિદ્ધાંતની વ્યાખ્યા બદલવી જરૂરી બને છે. એનો એક દાખલો વિચારીએ. સ્વદારાસંતોષ એ ગૃહસ્થોનું બ્રહ્મચર્ય વ્રત છે. હવે આજે આવા વ્રતને ધારણ કરનાર કોઈ ગૃહસ્થ પરસ્ત્રી તરફ કદી પણ નજર ન કરતાં માત્ર સ્વસ્ત્રીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org