________________
પ૮ • જૈન ધર્મ અને દર્શન ઉપરછલ્લો તર્ક એ બે જ અથડામણોનાં કારણો છે. સંશોધન અને નિદિધ્યાસનની ભૂમિકામાં આ કારણો નથી રહેતાં, તેથી મન સ્વસ્થપણે શ્રદ્ધા અને બુદ્ધિ બંને પાંખોનો આશ્રય લઈ સત્ય ભણી આગળ વધે છે. - ત્રીજી ભૂમિકામાં અત્યાર સુધી જે પ્રગતિ મારા મને સાધી છે, તે જોતાં તેમાં પહેલી અને બીજી ભૂમિકા અવિરોધપણે સમાઈ જાય છે. અત્યારે મારી સામે ભગવાન મહાવીરનું ચિત્ર કે જે મૂર્તિ ઉપસ્થિત છે તેમાં તેમની જીવનકથામાં જન્મથી નિર્વાણ પર્યન્ત ડગલે ને પગલે ઉપસ્થિત થતા કરોડો દેવોની દેખીતી અસંગતિ તેમજ ગર્ભાપહરણ જેવી અસંગતિ ગળી જાય છે. મારી સંશોધન નિર્મિત કલ્પનાના મહાવીર કેવળ માનવકોટિના અને તે માનવતાની સામાન્ય ભૂમિકાને પુરુષાર્થબળે વટાવી ગયા હોઈ મહામાનવરૂપ છે. જેમ દરેક સંપ્રદાયના પ્રચારકો પોતપોતાના ઇષ્ટદેવને સાધારણ લોકોના ચિત્તમાં પ્રતિષ્ઠિત કરવા માટે તેઓને સરળતાથી સમજાય એવો દેવી ચમત્કાર તેના જીવનમાં ગૂંથી કાઢે છે, તેમ જૈન સંપ્રદાયના આચાર્યો પણ કરે, તો એ માત્ર ચાલુ પ્રથાનું પ્રતિબિંબ ગણાવું જોઈએ. લલિતવિસ્તર વગેરે ગ્રંથો બુદ્ધના જીવનમાં આવા જ ચમત્કારો વર્ણવે છે. હરિવંશ અને ભાગવત પણ કૃષ્ણના જીવનને આ જ રીતે આલેખે છે. બાઇબલ પણ દિવ્ય ચમત્કારોથી મુક્ત નથી. પણ મહાવીરના જીવનમાં દેવોની ઉપસ્થિતિનો અર્થ ઘટાવાતો હોય તો તે એક જ રીતે ઘટી શકે કે મહાવીર સપુરુષાર્થ વડે પોતાના જીવનમાં માનવતાના આધ્યાત્મિક અનેક દિવ્ય સદ્ગુણોની વિભૂતિ પ્રાપ્ત કરી હતી. આવી સૂક્ષ્મ મનોરમ્ય વિભૂતિ સાધારણ લોકોના મનમાં ઠસાવવી હોય તો તે સ્થૂળ રૂપકો દ્વારા જ ઠસાવી શકાય. જ્યાં સ્વર્ગીય દેવોનું ઉચ્ચ સ્થાન જામેલું હોય, ત્યાં તેવા દેવોના રૂપક વડે જ દિવ્ય વિભૂતિ વર્ણવવાનો સંતોષ કેળવી શકાય. ગભપહરણના કિસ્સામાં પણ આવું જ કાંઈક રૂપક હોવાની કલ્પના થાય છે. કર્મકાંડની જટિલ અને સ્થિતિચુસ્ત સનાતન પ્રથાના બ્રાહ્મણસુલભ સંસ્કારગર્ભમાંથી મહાવીરનું કર્મકાંડભેદી ક્રાંતિકારક જ્ઞાન તપોમાર્ગના ક્ષત્રિયસુલભ સંસ્કારગર્ભમાં અવતરણ થયું એમ જ અર્થ ઘટાવવો રહ્યો. તે કાળે ગર્ભાપહરણની વાતને લોકો સહેલાઈથી સમજી લેતા ને ભક્તો શંકા ન ઉઠાવતા, એટલે ગર્ભાહરણ રૂપકના વ્યાજથી સંસ્કારના ગર્ભનું સંક્રમણ વર્ણવ્યું છે એમ માનવું રહ્યું. જન્મ લેતાં વેંત અંગુષ્ઠમાત્રથી મહાવીર સુમેરૂ જેવા પર્વતને કંપાવે એ વાત કૃષ્ણના ગોવર્ધનતોલનની વાતની પેઠે બિલકુલ હસી કાઢવા જેવી ખરી, પણ જો એને રૂપક માની અર્થ ઘટાવવામાં આવે તો એની પાછળનું રહસ્ય જરાય અસંગત નથી લાગતું. આધ્યાત્મિક સાધનાના જન્મમાં પ્રવેશ કરતાં જ પોતાની સામે ઉપસ્થિત એવા અને ભવિષ્યમાં ઉપસ્થિત થનાર એવા આંતરબાહ્ય પ્રત્યવાયો અને પરીષહોના સુમેરુને દઢ નિશ્ચયબળના અંગુષ્ઠમાત્રથી કંપાવ્યા, જીત્યા અને જીતવાનો નિરધાર કર્યો, એ જ એનું તાત્પર્ય લેવું જોઈએ. આવી બધી અસંગતિઓથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org