________________
ભગવાન મહાવીર • ૫૭ બધાં જીવનોમાં ચમત્કારોના અલંકારોની કોઈ મર્યાદા ન જ હતી. દરેકના જીવનમાં એકબીજાને આંટે એવા અને ઘણે અંશે મળતા ચમત્કારો દેખાયા. હવે મનમાં થયું કે જીવનકથાનાં મૂળ જ તપાસવાં. ભગવાનના સાક્ષાત્ જીવન ઉપર અઢી હજાર વર્ષનો દુર્ભેદ્ય પડદો પડેલો જ છે. તો શું જે જીવન વર્ણવાયેલું મળે છે, તે પ્રમાણે પોતે કોઈને કહેલું કે બીજા નિકટવર્તી અંતેવાસીઓએ તેને નોંધી કે લખી રાખેલું અગર યથાવત્ સ્મૃતિમાં રાખેલું? આવા આવા પ્રશ્નોએ ભગવાનના જીવનની યથાર્થ ઝાંખી કરાવે એવા અનેક જૂના કહી શકાય તેવા ગ્રંથોના અધ્યયન તરફ મને વાળ્યો. એ જ રીતે બુદ્ધ અને રામ, કૃષ્ણ આદિ ધર્મપુરુષોનાં જીવનમૂળ જાણવા તરફ પણ વાળ્યો. પ્રાથમિક શ્રદ્ધા અને પોતાની પકડમાંથી છોડતી નહિ અને વિચાપ્રકાશ તેમજ તટસ્થ નવું નવું અવલોકન એ પણ પોતાનો પંજો ચલાવ્યે જ જતાં હતાં. આ ખેંચાખેંચે છેવટે તટસ્થતા અર્પે. જેને જૈન લોકો સામાયિક કહે છે તેવું સામાયિક – સમત્વ મંથનકાળ દરમિયાન ઉદયમાં આવતું ગયું. અને એ સમત્વે એકાંગી શ્રદ્ધા અને એકાંગી બુદ્ધિને ન્યાય આપ્યો – કાબૂમાં આણ્યા. એ સમત્વે મને સુઝાડ્યું કે ધર્મપુરુષના જીવનમાં જે જીવતોજાગતો ધર્મદેહ હોય છે તેને ચમત્કાર, અલંકારોનાં આવરણો સાથે લેવાદેવા શી ? એ ધર્મદેહ તો ચમત્કારનાં આવરણો વિનાનો જ સ્વયંપ્રકાશ દિગંબર દેહ છે. પછી જોઉં છું તો બધા જ મહાપુરુષોનાં જીવનમાં દેખાતી અસંગતિઓ આપમેળે સરી જતી ભાસી. જોકે આ નિદિધ્યાસનની ત્રીજી ભૂમિકા હજી પૂરી થઈ નથી, તેમ છતાં એ ભૂમિકાએ અત્યાર લગીમાં અનેક પ્રકારનું સાહિત્યમંથન કરાવ્યું, અનેક જીવતા ધર્મપુરુષોનો સમાગમ કરાવ્યો અને ભારપૂર્વક કાંઈક કહી શકાય એવી મન:સ્થિતિ પણ તૈયાર કરી. શ્રદ્ધા અને તર્કનાં એકાંગી વલણો બંધ પડ્યાં. સત્ય જાણવા અને પામવાની વૃત્તિ વધારે તીવ્ર બની.
આ ભૂમિકામાં હવે મને સમજાઈ ગયું કે એક જ મહાપુરુષના જીવનના અમુક પ્રસંગો અને અમુક ઘટનાઓ પરત્વે શા કારણથી જિજ્ઞાસુઓમાં મંતવ્યભેદ જન્મે છે અને શાને લીધે તેઓ એકમત થઈ શકતા નથી. જે જિજ્ઞાસુવર્ગ શ્રવણવાચનની પ્રાથમિક શ્રદ્ધા-ભૂમિકામાં હોય છે તે દૂરથી ચિત્ર કે મૂર્તિ જોનાર જેવો શબ્દસ્પર્શી શ્રદ્ધાળુ હોય છે. તેને મન પ્રત્યેક શબ્દ યથાર્થ હકીકતનો બોધક હોય છે. તે શબ્દના વાર્થની આગળ જઈ તેની સંગતિ-અસંગતિ વિશે વિચાર કરતો નથી, અને એ શાસ્ત્ર મિથ્યા ઠરે એવા મિથ્યા ભ્રમથી શ્રદ્ધાને બળે વિચાપ્રકાશનો વિરોધ કરે છે, તેનું દ્વાર જ બંધ કરવા મથે છે.
બીજો તર્કવાદી જિજ્ઞાસુવર્ગ મુખ્યપણે શબ્દના વાચ્યાર્થોની અસંગતિ ઉપર જ ધ્યાન આપે છે, અને એ દેખાતી અસંગતિઓની પાછળ રહેલ સંગતિઓની સાવ અવગણના કરી જીવનકથાને જ કલ્પિત માની બેસે છે. આમ અપરિમાર્જિત શ્રદ્ધા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org