________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ • ૪૩ નામના પહેલા અને સૌથી નિર્વિવાદ પ્રાચીન મનાતા અંગના પહેલા શ્રુતસ્કંધ (ઉપધાનસૂત્ર અ ૯)માં ભગવાન મહાવીરની સાધક અવસ્થાનું વર્ણન છે; પણ એમાં તો કઠોર સાધકને સુલભ એવા તદ્દન સ્વાભાવિક મનુષ્યકત અને પશુ-પંખીકૃત ઉપસર્ગોનું વર્ણન છે, જે અક્ષરશઃ સત્ય લાગે છે અને એક વીતરાગ સંસ્કૃતિના નિર્દેશક શાસ્ત્રને બંધબેસે તેવું લાગે છે. એ જ આચારાંગના પાછળથી ઉમેરાયેલા મનાતા બીજા શ્રુતસ્કંધમાં ભગવાનની તદ્દન સંક્ષેપમાં આખી જીવનકથા આવે છે. એમાં ગર્ભસંહરણની ઘટનાનો, તેમજ કોઈપણ જાતની વિગત કે વિશેષ ઘટનાના નિરૂપણ સિવાય માત્ર ભયંકર ઉપસર્ગો સહ્યાનો નિર્દેશ છે. ભગવતી નામના પાંચમા અંગમાં મહાવીરના ગર્ભહરણનું વર્ણન વિશેષ પલ્લવિત રીતે મળે છે. તેમાં એ બનાવ ઇન્દ્ર દ્વારા દેવ મારફત સધાયાની ઉપપત્તિ છે, અને એ જ અંગમાં બીજે સ્થળે (ભગવતી શતક ૯, ઉદ્દેશ ૩૩, પૃ. ૪પ૬) મહાવીર દેવાનન્દાના પુત્ર તરીકે પોતાને ઓળખાવતાં ગૌતમને કહે છે કે આ દેવાનન્દા મારી માતા છે. જ્યારે એમનો જન્મ ત્રિશલાની કુક્ષિથી થયેલો હોઈ સૌ એમને ત્રિશલાપુત્ર તરીકે ત્યાં સુધી ઓળખાવતા હોય એવી કલ્પના દેખાય છે.)
જોકે આ અંગો વિક્રમના પાંચમા સૈકાની આસપાસ સંકલિત થયાં છે, છતાં એ જ રૂપમાં કે ક્વચિત્ ક્વચિત્ થોડા ભિન્ન રૂપમાં એ અંગોનું અસ્તિત્વ તેથી વધારે પ્રાચીન છે અને તેમાંય આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું રૂપ તો સવિશેષ પ્રાચીન છે, એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. અંગ પછીના સાહિત્યમાં આવશ્યકનિર્યુક્તિ અને તેનું ભાષ્ય આવે છે, જેમાં મહાવીરના જીવનને લગતી ઉપર્યુક્ત ઘટનાઓ આવે છે. અહીં એટલું યાદ રાખવું જોઈએ કે જોકે એ નિર્યુકિત અને ભાષ્યમાં એ ઘટનાઓનો નિર્દેશ છે, પણ તે બહુ ટૂંકમાં અને પ્રમાણમાં ઓછો છે. ત્યાર બાદ એ જ નિર્યુક્તિ અને ભાષ્યની ચૂર્ણિનું સ્થાન આવે છે, જેમાં એ ઘટનાઓ વિસ્તારથી અને પ્રમાણમાં વધારે વર્ણવાયેલી છે. આ ચૂર્ણિ સાતમા અને આઠમા સૈકા વચ્ચે બનેલી હોય એમ મનાય છે. મૂળ નિર્યુક્તિ ઈ. સ. પહેલાંની હોવા છતાં એનો અંતિમ સમય ઈ. સ. પાંચમા સૈકાથી અને ભાષ્યનો સમય સાતમા સૈકાથી અર્વાચીન નથી. ચૂર્ણિકાર પછી મહાવીરના જીવનનો વધારેમાં વધારે અને પૂરો હેવાલ પૂરો પાડનાર આચાર્ય હેમચંદ્ર છે. એમણે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના દશમ પર્વમાં મહાવીરજીવન સંબંધી પૂર્વવર્તી બધા જ ગ્રંથોનું દોહન કરી પોતાના કવિત્વની કલ્પનાઓના રંગો સાથે આખું જીવનવર્ણન આપ્યું છે. એ વર્ણનમાંથી અમે ઉપર લીધેલી બધી જ ઘટનાઓ જોકે ચૂર્ણિમાં છે, પણ જો હેમચંદ્રના વર્ણન અને ભાગવતમાંના કૃષ્ણવર્ણનને એકસાથે સામે રાખી વાંચવામાં આવે તો એમ જરૂર લાગે કે હેમચંદ્ર ભાગવતકારની કવિત્વશક્તિના સંસ્કારોને અપનાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org