________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ • ૩૧ જોવામાં આવ્યો નથી; જ્યારે જૈન શાસ્ત્રમાં રામ અને કૃષ્ણ એ બંનેની જીવનકથાઓએ ઠીક ઠીક ભાગ રોક્યો છે. આગમ તરીકે લેખાતા અને પ્રમાણમાં અન્ય આગમગ્રંથો કરતાં પ્રાચીન મનાતા અંગ સાહિત્યમાં જોકે રામચંદ્રજીની કથા નથી, છતાં કૃષ્ણની કથા તો બે અંગ (જ્ઞાતા અને અંતગડ) ગ્રંથોમાં સ્પષ્ટ અને વિસ્તૃત આવે છે. અંગગ્રંથોમાં સ્થાન ન પામેલ રામચંદ્રજીની કથા પણ પાછલા શ્વેતાંબર-દિગંબર બંનેના પ્રાકૃતસંસ્કૃત કથાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન લે છે, અને તેમાં વાલ્મીકિ રામાયણને સ્થાને જૈન રામાયણ બની જાય છે. એ તો દેખીતું જ છે કે શ્વેતાંબર અને દિગંબર બંનેના વામયમાં રામ અને કૃષ્ણની કથા બ્રાહ્મણવાડ્મય જેવી ન જ હોય, તેમ છતાં એ કથાઓ. અને તેના વર્ણનની જૈન શૈલી જોતાં એમ સ્પષ્ટ જણાઈ આવે છે કે એ કથાઓ મૂળમાં બ્રાહ્મણ સાહિત્યની જ હોવી જોઈએ અને તે લોકપ્રિય થતાં તેને જૈન સંપ્રદાયમાં પણ જૈન દષ્ટિએ સ્થાન અપાયેલું હોવું જોઈએ. આ બાબત આગળ વધારે સ્પષ્ટ થશે. આશ્ચર્યની વાત એ છે કે જૈન સંસ્કૃતિથી પ્રમાણમાં વિશેષ ભિન્ન એવી બ્રાહ્મણ સંસ્કૃતિના માન્ય રામ અને કૃષ્ણ એ બે પુરુષોએ જેન વાલ્મયમાં જેટલું સ્થાન રોક્યું છે, તેના હજારમા ભાગનું સ્થાન પણ ભગવાન મહાવીરના સમકાલીન અને તેમની સંસ્કૃતિને પ્રમાણમાં વધારે નજીક એવા તથાગત બુદ્ધના વર્ણને રોક્યું નથી. બુદ્ધનો અસ્પષ્ટ નામનિર્દેશ માત્ર અંગગ્રંથમાં એકાદ જગ્યાએ દેખાય છે, જોકે તેમના તત્ત્વજ્ઞાનનાં સૂચનો પ્રમાણમાં વિશેષ મળે છે. આ તો બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં રામ અને કૃષ્ણની કથા વિશે વાત થઈ, પણ હવે બ્રાહ્મણશાસ્ત્રમાં મહાવીર અને બુદ્ધના નિર્દેશ વિશે જોઈએ.
પુરાણ પહેલાંના કોઈ બ્રાહ્મણગ્રંથમાં તેમજ વિશેષ પ્રાચીન મનાતાં પુરાણોમાં અને મહાભારત સુધ્ધાંમાં બુદ્ધનો નિર્દેશ કે તેમનું બીજું વર્ણન કાંઈ ધ્યાન ખેંચે એવું નથી. છતાં એ જ બ્રાહ્મણ સંસ્કૃતિના અતિ પ્રસિદ્ધ અને બહુમાન્ય ભાગવતમાં બુદ્ધ વિષ્ણુના એક અવતાર તરીકે બ્રાહ્મણમાન્ય સ્થાન પામે છે – જેમ જૈન ગ્રંથોમાં કૃષ્ણ એક ભાવી અવતાર (તીર્થકર) તરીકે સ્થાન પામે છે. આ રીતે પ્રથમના બ્રાહ્મણસાહિત્યમાં સ્થાન નહિ પામેલ બુદ્ધ મોડેમોડે પણ તે સાહિત્યમાં એક અવતાર તરીકે પ્રતિષ્ઠા પામે છે. જ્યારે ખુદ બુદ્ધ ભગવાનના સમકાલીન અને બુદ્ધની સાથોસાથ બ્રાહ્મણસંસ્કૃતિના પ્રતિસ્પર્ધી તેજસ્વી પુરુષ તરીકે એક વિશિષ્ટ સંપ્રદાયનું નાયકપદ ધરાવનાર ઐતિહાસિક ભગવાન મહાવીર કોઈપણ પ્રાચીન કે અર્વાચીન બ્રાહ્મણગ્રંથમાં સ્થાન પામતા નથી. અહીં વિશેષ ધ્યાન ખેંચે એવી બાબત તો એ છે કે જ્યારે મહાવીરના નામનો કે તેમના જીવનવૃત્તનો કશો જ નિર્દેશ બ્રાહ્મણસાહિત્યમાં નથી ત્યારે ભાગવત જેવા લોકપ્રિય ગ્રંથમાં જૈન સંપ્રદાયના પૂજ્ય અને અતિપ્રાચીન મનાતા પ્રથમ તીર્થંકર ઋષભદેવની જીવનકથા સંક્ષેપમાં છતાં માર્મિક અને આદરણીય સ્થાન પામી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org