________________
૨૮ • જૈન ધર્મ અને દર્શન શ્રમણ સંસ્કૃતિ આત્મભેદ માનનારી અને કર્મવાદી હોવાને લીધે પોતાના તત્ત્વજ્ઞાનને બંધબેસે એવી રીતે જ એણે પોતાના આદર્શ ઉપાસ્ય મનુષ્યને વર્ણવ્યા અને લોકોની દૈવીપૂજાની ભૂખ ભાંગવા તેણે પ્રસંગે પ્રસંગે દેવોનો અનુચરો અને ભક્તોરૂપે મહાવીર, બુદ્ધ આદિ સાથે સંબંધ જોડ્યો. આ રીતે એક સંસ્કૃતિમાં મનુષ્યપૂજા દાખલ થયા છતાં તેમાં દિવ્ય અંશ જ મનુષ્યરૂપે અવતાર લે છે, એટલે એમાં આદર્શ મનુષ્ય એ માત્ર અલૌકિક દિવ્યશક્તિનો પ્રતિનિધિ બને છે, જ્યારે બીજી સંસ્કૃતિમાં મનુષ્ય પોતે જ પોતાના સગુણ માટેના પ્રયત્નથી દેવ બને છે અને લોકોમાં મનાતા અદશ્ય દેવો તો માત્ર પેલા આદર્શ મનુષ્યના અનુચરો અને ભક્તો થઈ એની પાછળ પાછળ દોડે છે. ચાર મહાન આર્યપુરુષો
મહાવીર અને બુદ્ધની ઐતિહાસિકતા નિર્વિવાદ હોવાથી એમાં સંદેહને અવકાશ નથી; જ્યારે રામ અને કૃષ્ણની બાબતમાં એથી ઊલટું છે. એમના ઐતિહાસિકત્વ વિશે જોઈતાં સ્પષ્ટ પ્રમાણો ન હોવાથી તે વિશે પરસ્પર વિરોધી કલ્પનાઓ પ્રવર્તે છે. તેમ છતાં રામ અને કૃષ્ણનું વ્યક્તિત્વ પ્રજામાનસમાં એટલું બધું વ્યાપક અને ઊંડુ અંકિત થયેલું છે કે પ્રજાને મન તો એ બંને મહાન પુરુષો સાચા ઐતિહાસિક જ છે. ભલે વિદ્વાનો અને સંશોધકોમાં એમના ઐતિહાસિકત્વ વિશે વાદવિવાદ કે ઊહાપોહ ચાલ્યા કરે અને તેનું ગમે તે પરિણામ આવે, છતાં એ મહાન પુરુષોના વ્યક્તિત્વની પ્રજામાનસ ઉપર પડેલી છાપ જોતાં એમ કહેવું પડે છે કે પ્રજાને મન તો એ બંને પુરુષો પોતાના હૃદયહાર છે. આ રીતે વિચાર કરતાં આર્યપ્રજામાં મનુષ્ય તરીકે પૂજાતા ચાર જ મહાન પુરુષો આપણી સામે ઉપસ્થિત થાય છે. આર્ય ધર્મની વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણેય શાખાઓના પૂજ્ય મનુષ્ય ઉક્ત ચાર જ મહાન પુરુષો છે, જેમની જુદાજુદા પ્રાન્તોમાં ને જુદીજુદી કોમોમાં એક અથવા બીજે રૂપે ઉપાસના અને પૂજા ચાલે છે. ચારેયની સંક્ષિપ્ત તુલના
રામ અને કૃષ્ણ તેમજ મહાવીર અને બુદ્ધ એ બંને યુગલ કહો કે ચાર મહાન પુરષો કહો જ્ઞાતિથી ક્ષત્રિય છે. ચારેયનાં જન્મસ્થાનો ઉત્તર હિન્દુસ્તાનમાં આવેલાં છે અને રામચંદ્રજી સિવાય તેમનામાંથી કોઈનીયે પ્રવૃત્તિનું ક્ષેત્ર દક્ષિણ હિન્દુસ્તાન બન્યું નથી.
રામ અને કૃષ્ણનો આદર્શ એક જાતનો છે; અને મહાવીર તથા બુદ્ધનો બીજી જાતનો છે. વૈદિક સૂત્ર અને સ્મૃતિશાસ્ત્રોમાં વર્ણાશ્રમધર્મને અનુસરી રાજ્યશાસન કરવું, ગો-બ્રાહ્મણની પ્રતિપાલના કરવી, તેને જ અનુસરી ન્યાય-અન્યાયનો નિર્ણય કરવો અને એ પ્રમાણે પ્રજામાં ન્યાયનું રાજ્ય સ્થાપવું એ રામ અને કૃષ્ણનાં મળતાં જીવનવૃત્તાંતોનો મુખ્ય આદર્શ છે. એમાં ભોગ છે, યુદ્ધ છે અને દુન્યવી બધી પ્રવૃત્તિ છે; પણ એ બધું પ્રવૃત્તિચક્ર સામાન્ય પ્રજાજનને નિત્યના જીવનચક્રમાં પદાર્થપાઠ આપવા માટે છે. મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org