________________
૨૭૨ • જૈન ધર્મ અને દર્શન
જોકે મુનિદીક્ષામાં સ્થાન પામેલ ઉપર વર્ણવેલું નવ પ્રકારનું બ્રહ્મચર્ય જ બીજી વ્યાખ્યા પ્રમાણેના બ્રહ્મચર્યનું અંતિમ અને સંપૂર્ણ સ્વરૂપ છે, છતાં તેવા એક જ પ્રકારના બ્રહ્મચર્યને દરેક પાસે પળાવવાનો દુરાગ્રહ કે મિથ્યા આશા જૈન આચાર્યોએ નથી રાખ્યાં. પૂર્ણ શક્તિ ધરાવનારા વ્યક્તિ હોય તો બ્રહ્મચર્યનો સંપૂર્ણ આદર્શ સચવાય અને અલ્પશક્તિ અને અશક્તિવાળી હોય તો પૂર્ણ આદર્શને નામે દંભ ચાલવા ન પામે એવા સ્પષ્ટ ઉદેશથી શક્તિ અને ભાવનાની ઓછીવત્તી યોગ્યતા ધ્યાનમાં રાખી જૈન આચાર્યોએ અસંપૂર્ણ બ્રહ્મચર્ય પણ ઉપદેશ્ય છે. જેમ સંપૂર્ણતામાં ભેદને અવકાશ નથી તેમ અસંપૂર્ણતામાં અભેદનો સંભવ જ નથી. તેથી અપૂર્ણ બ્રહ્મચર્યના અનેક પ્રકારો થઈ જાય અને તેને લીધે તેના વ્રતનિયમોની પ્રતિજ્ઞાઓ પણ જુદી- જુદી હોય તે સ્વાભાવિક છે. આવા અસંપૂર્ણ બ્રહ્મચર્યના ઓગણપચાસ પ્રકારો જૈન શાસ્ત્રોમાં કલ્પાયેલા છે, અને અધિકારી તેમાંથી પોતાની શક્તિ પ્રમાણે નિયમ સ્વીકારે છે. મુનિદીક્ષાના સંપૂર્ણ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવા અસમર્થ અને છતાં તેવી પ્રતિજ્ઞાના આદર્શને પસંદ કરી તે દિશામાં પ્રગતિ કરવા ઇચ્છનાર ઉમેદવાર ગૃહસ્થો પોતપોતાની શક્તિ અને રુચિ પ્રમાણે એ ઓગણપચાસ પ્રકારોમાંથી કોઈ ને કોઈ જાતના બ્રહ્મચર્યનો નિયમ લઈ શકે તેવી વિવિધ પ્રતિજ્ઞાઓ જૈન શાસ્ત્રો પૂરી પાડે છે. આ રીતે વાસ્તવિક અને આદર્શ બ્રહ્મચર્યમાં ભેદ ન હોવા છતાં વ્યાવહારિક જીવનની દૃષ્ટિએ તેના સ્વરૂપની વિવિધતા જૈન શાસ્ત્રોમાં બહુ વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવી છે.
જેમ ખાદીનું વ્રત ઢીલું કરવા જતાં કે તેમાં બારીઓ શોધાતાં તે વ્રતમાં દાખલ થતી દાંભિકતા દૂર કરવા ખાતર શુદ્ધ, મિશ્ર અને મિલની ખાદી એવા ભેદો એ વ્રત સાથે સંકળાયાનો ઇતિહાસ જાણીતો છે, તેમ અપૂર્ણ બ્રહ્મચર્યમાં અનેક છૂટો અને બારીઓને અવકાશ હોવાથી જેમજેમ તેમાં બારીઓ શોધાતી ગઈ તેમ તેમ તે વ્રતની ઝીણવટ વધતી ગયાનો ઇતિહાસ પણ બહુ મનોરંજક અને મહત્ત્વનો છે.
પ્રાચીન કાળના સીધા, સરળ અને છતાં ગંભીર વર્ણન ઉપરથી એમ ચોખ્ખું લાગે છે કે અપૂર્ણ બ્રહ્મચર્યનાં ઉમેદવાર સ્ત્રી અગર પુરષ સંતોષ કેળવવા કામવૃત્તિની મર્યાદા બાંધતાં. આર્યાવર્તમાં પુરુષને ગમે તેટલી સ્ત્રીઓ કરવામાં ન હતો કોઈ બાહ્ય અંકુશ કે ન હતો કોઈ સામાજિક પ્રતિષ્ઠા જવાનો ભય. જ્યારે સામાન્ય રીતે સ્ત્રીને એકથી બીજો પતિ કરવામાં એક તરફ સામાજિક પ્રતિષ્ઠા ઓછી થવાનો ભય હતો અને બીજી તરફ બાહ્ય અંકુશો પણ હતા. આ કારણથી અપૂર્ણ બ્રહ્મચર્ય સ્વીકારનાર વ્યક્તિ જો પુરુષ હોય તો પોતાની ઈચ્છા પ્રમાણે અમુક સ્ત્રીઓના ભોગની મર્યાદા બાંધી તેથી અન્ય સ્ત્રીના ભોગનો ત્યાગ કરતો.
ખાનદાની અને ધર્મનિષ્ઠા, એવા પુરુષને સંખ્યામાં ગમે તેટલી છતાં સ્વવિવાહિત સ્ત્રીઓના ભોગની મર્યાદા બાંધવા પ્રેરતાં. પુરુષની એ મર્યાદા જૈન શાસ્ત્રોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org