________________
શુદ્ધિપર્વ • ૨૫૭ ન્યાય-અન્યાયના વિવેકની દોરવણીની આશા રાખી શકાય તે જ ગુરુવર્ગ જો અંતર્મુખ થઈ જીવનવિચાર ન કરે તો તેઓ ભાવ-પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિપર્વને સાચી રીતે ઊજવે છે એમ કોણ કહી શકશે ? આ માટેનો અહિંસક સરળ ઉપાય ભગવાન મહાવીરે પોતાના જીવનથી જ દર્શાવ્યો છે અને તે એ કે ગમે તેવી અગવડમાં જીવનનો આનંદ માણવો પણ લૂંટ અને ચોરીના ધનથી મળતી કોઈપણ જાતની સગવડ લેવાનો સદંતર વિચાર ત્યજવો. જો એક પણ ગુરુ આ દિશામાં યોગ્ય પગલું ભરશે તો સાચે જ તે પજુસણ પર્વને અજવાળશે; એટલું જ નહિ, પણ તે જૈન સમાજના મોભા અને વારસાને દીપાવશે. પોતાને મળતી દોષમૂલક સગવડ સ્વીકારવામાં અસહયોગ એ ગમે તેવા લોભી અને લાલચુ વ્યાપારીઓની ન્યાયવૃત્તિ જાગૃત કરવાનો રામબાણ ઉપાય છે. પેઢીઓ થયાં ચોરીનો ધંધો કરતી અને ચોરી તેમજ પરાક્રમ વિનાના જીવનને નમાલું સમજતી ધારાળા જેવી મોટી કોમની એ વૃત્તિમાં એકલા રવિશંકર મહારાજની તપસ્યાએ પલટો આણ્યો તો દીર્ઘતપસ્વીના વારસદારની યથાર્થ તપસ્યા કાળાબજારની વૃત્તિ પર થોડો પણ કાબૂ ન મેળવે એ કદી માની શકાય નહિ. જરૂર હોય તો તે એટલી જ છે કે કોઈ એકાદ સૂરિ આર્ય મહાગિરિનું અનુકરણ કરી આર્ય સુહસ્તિને પગલે ચાલતા આજના સુખશીલ અને રાંક મનના મુનિગણને યોગ્ય રસ્તે વાળે. તેથી આપણે આશા રાખીએ કે ગુરુવર્ગ વરઘોડા, અચપ્રભાવના અને શાસ્ત્રોની પૂજા ઉપર ભાર આપે છે તે કરતાં વધારે ભાર કાળાબજારની ચોરીના મૂળગત દોષ નિવારવા તરફ આપે. આથી તેઓ એવી ચોરીનો ભોગ બનતા લોકોના મૌન આશીર્વાદ પણ મેળવશે અને પોતાના અનુયાયીઓને કમાણીની હરીક્ષઈની અવિચારી પાપજાળમાં પડતાં અંશતઃ પણ બચાવી શકશે. યુદ્ધજન્ય પરિસ્થિતિનો વધારેમાં વધારે લાભ લેવાની હરીફાઈના વાતાવરણમાં અર્થવૃત્તિથી ટેવાયેલો જૈન વ્યાપારી કાળાબજારમાં લોભનું સંવરણ કરી ન શકે એવી દલીલ કરનારે પણ વિચારવાનું રહ્યું કે ખરે ટાંકણે જ અન્યાય લાલચોનો સામનો કરવો એમાં જ ધર્મવૃત્તિ-સપુરુષાર્થ છે. સંતતિને અન્યાયોપાર્જિત ધનનો વારસો સોંપનાર પિતા વારસામાં માત્ર ધન જ નથી આપતો, પણ તે ધન કરતાંયે અતિ સૂક્ષ્મ એવી અન્યાયવૃત્તિ પણ વારસામાં આપે છે. ધનનો વારસો નાશ પામશે, ત્યારે પણ એ અન્યાય - દુબુદ્ધિના સંસ્કારો પેઢીઉતાર સંતતિમાં ચાલુ રહેશે. એટલે કાળાબજાર કરનાર એકંદરે કુટુંબ અને સંતતિનું તો એકાંત અહિત જ કરે છે. અન્યાય ધનમાં ઊછરેલી અને તાલીમ પામેલી સંતતિ કદી લાંબો વખત તેજસ્વી રહી શકે નહિ. ચોરીના ધનની ગાદી ઉપર બેસનાર કદી ધર્મારાધન કરી શકે નહિ. તેથી પજુસણની આરાધના કરવા ઇચ્છનાર વ્યાપારીવર્ગે પણ કાળાબજારના કૃત્યનું પ્રતિક્રમણ પ્રથમ કરી તે પછી જ પરંપરાગત પ્રતિક્રમણની સાર્થકતા લેખવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org