________________
૧૯૨ • જૈન ધર્મ અને દર્શન આપે ? તેમને નસાડે કેમ? બીજાને ત્યાં છુપાવે તેમ? સીધી કે આડકતરી રીતે ખોટું બોલે કે બોલાવે કેમ? દાવપેચ અને જૂઠાણાં સેવે કેમ? મારપીટ, લડાલડી અને કોર્ટબાજીમાં રસ લે કેમ ? જેઓને શાસનનો સાચો આદર હોય તેઓ પોતે જાણી જોઈને કોર્ટે ઘસડાય એવા પ્રસંગો ઊભા કરે જ કેમ? રાજસત્તાને દીક્ષા ઉપર અંકુશ મૂકવો પડે અગર તો જાહેર સ્થાનોમાં અને જાહેર છાપાંઓમાં ફક્ત શિષ્યહરણને કારણે થતી ધર્મહલનામાં ભાગીદાર થવાની સ્થિતિ એ લોકો પસંદ કરે જ કેમ? જ્યારે આવી સ્થિતિ દેખાય ત્યારે જાણી લેવું જોઈએ કે હવે અપવાદે મર્યાદા મૂકી છે, અને તે ઉત્સર્ગનો પોષક મટી ઘાતક થવા લાગ્યો છે. આ સ્થિતિ આજે છે કે નહિ, એ વિચારવાનું કામ દરેકનું છે. મને તો ચોખ્ખું લાગે છે કે અસંમત દીક્ષાના અપવાદે મર્યાદા મૂકી છે અને ભાષ્ય-ચૂર્ણિકારના કથન પ્રમાણે તે મંદધર્મીની પ્રવૃત્તિ થઈ પડેલ છે. તેના પુરાવા તરીકે ચોમેર ચાલતી ઝગડાબાજી, કોર્ટબાજી અને ફ્લેશપ્રવૃત્તિ ઉપરાંત સ્થળે સ્થળે સંઘભેદ છે. સૌથી વધારે અને પ્રબળ પુરાવો તો એ છે કે નામદાર શ્રીમંત ગાયકવાડ સરકારને પોતાને જ દીક્ષા ઉપર અંકુશ મૂકનારો ઠરાવ ધારાસભામાં લાવવો પડ્યો છે.
શાસ્ત્રને આધારે વર્તવાની વાત કરનારાએ અને જ્યાં ત્યાં શાસ્ત્રના પુરાવાના નામે મરજી મુજબ વિધાન કરનારાએ જાણવું જોઈએ કે શાસ્ત્ર એટલે શું ? અને શાસ્ત્રની મર્યાદામાં શું સમાય છે અને શું નહિ? સાધારણ લોકો તો નથી હોતા ભણેલા કે નથી હોતા વિચારશીલ કે જેથી તેઓ કાંઈ શાસ્ત્રનો વિવેક કરી શકે. હજારો વર્ષ જેટલા લાંબા સમયમાં ઘણા લોકોએ ઘણું લખેલું હોય છે અને તે બધું શાસ્ત્ર પણ કહેવાય છે. તેમાં ઘણી વાર તો એક બીજાથી તદ્દન વિરોધી અને અસંગત વિધાનો પણ મળી આવે છે. દરેક જણ પોતાને ફાવતું વાક્ય લઈ તેને આધારે પોતાની પ્રવૃત્તિને શાસ્ત્રીય ઠરાવવાનો પ્રયત્ન કરે તો હિંસા, મૃષાવાદ, ચોરી અને વ્યભિચારાદિ દોષોનું પોષણ થઈ શકે એવા પ્રસંગો પણ તેમાંથી મળી આવવાનો અથવા તો ઉપજાવી શકાવાનો ચોક્કસ સંભવ છે. તેથી ટૂંકમાં અને છતાં અવિરોધીને સર્વગ્રાહ્ય શાસ્ત્રવ્યાખ્યા એટલી છે કે જે સુધારે અથવા જેનાથી કશું બગડે નહિ પણ સર્વ સુધરે તે શાસ્ત્ર; અથવા એમ કહો કે જેનાથી લેશોનું પોષણ ન થાય તે શાસ્ત્ર. જૈનશાસ્ત્રને નામે ચઢેલાં શાસ્ત્રોમાં કોઈપણ કારણને લીધે એમ લખાયેલું સુધ્ધાં મળે છે કે સીધી રીતે વડીલો કે લાગતાવળગતાઓ સંમતિ ન આપે તો દીક્ષા લેનાર અમુક અમુક રીતે પ્રપંચબાજી પણ રમે અને એ છળપ્રવૃત્તિ દ્વારા પણ છેવટે પરવાનગી મેળવે. આ કથન ગમે તેણે કોઈપણ સંયોગોમાં, કોઈપણ આશયથી કર્યું હશે એમ આપણે માની લેવું જોઈએ. એ કથનને શાસ્ત્રીય માની પણ લઈએ. હવે ધારો કે આવા કથનનો ઉપયોગ સાર્વત્રિક થવા લાગે તો એનું પરિણામ છેવટે શું આવે? એનું પરિણામ એક જ આવે, અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org