________________
૧૭૪ • જૈન ધર્મ અને દર્શન વડીલો સામે થઈ જ્યાં રસ્તો ન મળ્યો ત્યાં બ્રહ્મસમાજ, આર્યસમાજ આદિ નવનવ રૂપે પોતાને બંધબેસતા નવા ધમની સ્થાપના કરી. એક તરફથી શિક્ષિત ગૃહસ્થવર્ગમાંથી જ પ્રજાના નવીન માનસને દોરે એવો સમર્થ વર્ગ તૈયાર થતો ગયો ને બીજી બાજુ ત્યાગી ગણાતા સંન્યાસી વર્ગમાંથી પણ એવો વર્ગ નીકળવા મંડ્યો કે જે પશ્ચિમનાં નવશિક્ષણનાં બળોને સમજતો અને તેને પચાવવામાં જ પોતાની પ્રજાનું સુંદર ભાવિ જોતો. સ્વામી વિવેકાનંદ અને રામતીર્થે નવશિક્ષણ પામેલા અને પામતા હિન્દુઓના માનસને પારખ્યું અને તેને યોગ્ય દિશામાં સહાનુભૂતિપૂર્વક દોરવા પ્રામાણિક પણ બુદ્ધિસિદ્ધ પ્રયત્ન કર્યો. પરિણામે આપણે જોઈએ છીએ કે આજે જૂની ઘરેડના કટ્ટરમાં કટ્ટર લાખો સનાતન પંડિતો મોજુદ હોવા છતાં એ વિશાળ વૈદિક સમાજની નવી પેઢીને શિક્ષણમાં કે વિચારસ્વાતંત્ર્યમાં કોઈ બંધન આડે આવતું નથી. તેથી જ જ્યાં એક બાજુએ દશ હજાર જેટલા જૂના વૈદિક જમાનાની તરફેણ કરનાર ધરખમ સનાતની પંડિતો અસ્તિત્વ ધરાવે છે ત્યાં જ વિદ્યાની દરેક શાખામાં તદ્દન નવીન ઢબે પારગામી થયેલા અને ખુલ્લંખુલ્લા જૂના જમાનાઓનાં બંધનોનો વિરોધ કરતા હજારો નહિ પણ લાખો વિદ્વાનો નજરે પડે છે. કોઈ સનાતની પંડિત કે કોઈ શંકરાચાર્ય, જગદીશચંદ્ર બોઝ કે સી. વી. રામનને એટલા માટે નથી વગોવતા કે તેમણે તેમના પૂર્વજોએ ન કરેલું કર્યું છે. કાલિદાસ અને માઘના વંશજ મહાન સંસ્કૃત કવિઓએ ટાગોરના કવિત્વ સામે એટલા કારણસર રોષ નથી દાખવ્યો કે તેમણે વાલ્મીકિ અને વ્યાસના ચીલાથી જુદા પડી નવી રીતે પ્રસ્થાન કર્યું છે. ગીતાના ભાષ્ય રચનાર આચાર્યોના પટ્ટધરોએ ગાંધીજીને એટલા કારણસર ત્યાજ્ય નથી ગયા કે તેમણે પૂર્વાચાર્યોએ ગીતામાંથી ફલિત નહિ કરેલ અહિંસાને ગીતામાંથી જ રાજમાર્ગ તરીકે ફલિત કરી છે. દલપત કવિના કટ્ટર ભક્તોએ કવિના જ પુત્ર ન્હાનાલાલને તેમના પોતાના પિતા કરતાં નવે રસ્તે વિચારવાને કારણે અવગણયા હોત કે ગૂંગળાવ્યા હોત તો ગુજરાતને અગર હિન્દુસ્તાનને ન્હાનાલાલ ધરાવવાનું જે આજે ગૌરવ પ્રાપ્ત છે તે હોત ખરું? કોઈ ભાર્ગવ, પછી તે ગમે તેટલો ધાર્મિક કે ઝનૂની હોય તોપણ, મુનશીની પ્રતિભા સામે થાય છે ખરો ? આ ટૂંક અવલોકન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે વિશાળ હિન્દુ સમાજમાં અતિ સંકુચિત અને વહેમી બીકણ માનસ ધરાવનાર કરોડોની સંખ્યામાં હોવા છતાં એ જ સમાજમાંથી આખી દુનિયાનું ધ્યાન ખેંચે એવા અને માન પામે એવા અસાધારણ પુરુષો અને સ્ત્રીઓ પાકતાં આવ્યાં છે. તેનું એકમાત્ર કારણ એ જ છે કે એ સમાજમાં નવીન માનસને પારખનાર, તેને દોરનાર અને તેની સાથે તન્મય થનાર કોઈ ને કોઈ સતત નીકળતા જ આવ્યા છે.
હવે આપણે જેને સમાજ તરફ વળીએ. છેલ્લાં પચાસેક વર્ષ થયાં જૈન સમાજમાં નવ શિક્ષણનો સંચાર ધીરે ધીરે શરૂ થયો. આ સંચાર જેમ જેમ વધતો ગયો તેમ તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org