________________
૧૭૨ • જૈન ધર્મ અને દર્શન આવે, પણ તે વિષય પરત્વેનાં વિચારો અને શોધો જાણવા માટે દેશકાળનું બંધન નહિ જ રાખી શકાય. આને પરિણામે તુલનાત્મક અભ્યાસ દાખલ થશે, ભણનારને કદી અરુચિ નહિ થાય, તેમજ તેનું વિચારક્ષેત્ર પણ વધશે.
આ ઉપરાંત શૈલીનું પરિવર્તન જરૂરી છે. ગોખણપટ્ટીનું સ્થાન સમજશક્તિ અને કલ્પનાશક્તિ લે એટલે સમય અને શક્તિ લેખે લાગવાનાં. પછી ધાર્મિક શિક્ષણ તરફ આકર્ષવા માટે નહિ જરૂર પડે પતાસાં વહેંચવાની કે નહિ જરૂર પડે બીજાં પ્રલોભનોની. ટૂંકમાં, ઉપરના સ્વરૂપનું તારણ એટલું જ કાઢી શકાય કે ધાર્મિક શિક્ષણ ઉદાર દૃષ્ટિથી, તુલનાત્મક પદ્ધતિથી અને સમજશક્તિ તેમજ કલ્પનાશક્તિના વિકાસને પ્રધાન રાખીને જ અપાવું જોઈએ.
આ બધું છતાં ધાર્મિક શિક્ષણ મરજિયાત રહેવું જોઈએ. એનાં કારણો ટૂંકમાં આ છે:
(૧) વર્ગ ખાલી ન રહે તે માટે શિક્ષકને શિક્ષણ ખૂબ આકર્ષક બનાવવાની ફરજ પડશે, કારણ કે વર્ગના ચાલવા ઉપર જ તેની પ્રતિષ્ઠાનો આધાર મનાવો જોઈએ.
(૨) તેથી શિક્ષકને ખૂબ વાંચવું વિચારવું પડશે, અને શિષ્યોનાં માનસ તપાસી તેને અનુકૂળ થવાં શિક્ષણમાં રસ રેડવો પડશે. આને લીધે એ શિક્ષક ગંભીર બનશે અને પરિણામે ફરજિયાત પદ્ધતિમાં જે શિષ્ય અને શિક્ષક બને છીછરા રહી જાય છે તેને બદલે શિક્ષક પ્રૌઢ બનશે અને અંતે એ ચેપ બીજે પણ ફેલાશે.
. (૩) ફરજિયાત પદ્ધતિથી આગળ જતાં જે કંટાળો અને હંમેશને માટે અણગમો જન્મે છે તેને સ્થાન જ નહિ રહે.
ફરજિયાત શિક્ષણના ફાયદાઓ કાંઈ ધ્યાન બહાર નથી, પણ મરજિયાત શિક્ષણના પરિણામ સામે તેની કશી જ કિંમત નથી..
ધાર્મિક શિક્ષણમાં જ્યાં જ્યાં આચાર વિશેના શિક્ષણની વાત આવે ત્યાં પણ ઉપરનાં ઉદારતા, તુલના આદિ તત્ત્વો દાખલ કરીને જ આચાર શીખવવાથી વિદ્યાર્થીઓને તેમાં રસ પડશે.
- પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org