________________
૧૬૪ • જૈન ધર્મ અને દર્શન બીજી અનેક વસ્તુઓનો. હવે નાના નાના કટકાઓમાં વહેંચાયેલો અને વળી વધારે ને વધારે આજે વહેંચાતો જતો જૈનસંઘ પોતાના પ્રચારધર્મના ઉદ્દેશને અને પ્રચારની વસ્તુને સમજી લે, તેમજ આ સમયમાં આ દેશમાં તેમજ સર્વત્ર લોકોની શી અપેક્ષા છે, તેઓ શું માગે છે, એ વિચારી લે, અને લોકોની એ માગણી અહિંસા તેમજ અનેકાંત દ્વારા કેવી રીતે પૂરી પાડી શકાય એનો અભ્યાસ કરી લે તો હજુયે એ સંઘ એ તત્ત્વો ઉપર અખંડ રહી શકે અને એનું બળ ટકી શકે. ફરજનું ભાન જ સમય, શક્તિ અને બુદ્ધિનો દુરુપયોગ અટકાવે છે. તેથી જૈનસંઘે પહેલાં પોતાની ફરજનું ભાન જીવનમાં જીવતું કરવું જોઈએ.
દેશના સદૂભાગ્યે તેમાં જૈન જેવો પ્રચારક સંઘ પડ્યો છે. તેનું બંધારણ વિશાળ છે. તેનું કાર્ય સૌને જોઈએ અને સૌ માગે તેવું જ છે. એટલે અત્યારે, બીજે કોઈપણ વખતે હતી તે કરતાં, સંઘ સંસ્થાને વ્યવસ્થિત કરવાની વધારે જરૂર છે. જો સંઘના આગેવાનો પોતાની સંઘસંસ્થાને નિદ્માણ જોવા ન માગતા હોય અને પોતાના વારસદારોનો શાપ તેમજ દેશવાસીઓનો તિરસ્કાર વહોરવા ન માગતા હોય તો અત્યારે સંઘસંસ્થાને વ્યવસ્થિત કરવાની અને તેનો ઉપયોગ રાષ્ટ્ર પરત્વે કરવાની ખાસ જરૂર છે.
આ દેશમાં જે એક વાર ભારે વગસગ ધરાવતો તે બૌદ્ધ સંઘ હયાત નથી, છતાં જૈનસંઘ તો છે જ. એટલે આ સંસ્થાનો ઉપયોગ દેશ પરત્વે પહેલાં જ થવો ઘટે; અને માત્ર તબલાં કે ખડતાલ, ઝાંઝર કે ડાંડિયારા વગાડવા-વગડાવવામાં તેમજ નિર્જીવ જમણવારોની મીઠાઈઓ ખાવા-ખવરાવવામાં અને બહુ તો ભપકાબંધ વરઘોડા ચડાવવામાં જ એ સંઘસંસ્થા પોતાની ઇતિશ્રી ન સમજે. જો કોઈ શાસનદેવી હોય અને તેના સુધી સાચી પ્રાર્થના પહોંચતી હોય, અને પ્રાર્થના પહોંચ્યા પછી તે કાંઈ કરી શકતી હોય, તો આપણે બધા તેને પ્રાર્થીશું કે આજે જ તેને પોતાનું શાસનદેવતા નામ સફળ કરવાનો વખત આવ્યો છે. જો આજે તે ઉદાસીન રહે તો ફરી તેને પોતાનો અધિકાર ઓજસ્વી બનાવવાની તક આવશે કે નહિ એ કહેવું કઠણ છે. ખરી વાત તો એ છે કે આપણે બધા જ શાસનદેવતા છીએ, અને આપણામાં જ બધું સારું કે નરસું કરવાની શક્તિ છે અને પ્રાર્થના કરનાર પણ આપણે જ છીએ, એટલે આપણી પ્રાર્થના આપણે જ પૂરી કરવાની છે. જો એ કામ આપણે ન કરીએ તો શાસનદેવતાને ઠપકો આપવો એનો અર્થ આપણી જાતને મૂર્ખ બનાવ્યા બરાબર છે. પુરુષાર્થ ન હોય તો કશું જ થતું નથી અને હોય તો કશું જ અસાધ્ય નથી. તેથી આપણે આપણો પુરુષાર્થ સંઘસંસ્થાને દેશોપયોગી કરવામાં પ્રેરીએ એટલે આપણું કામ કેટલેક અંશે પૂરું થયું.
- પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org