________________
૧૫૮૦ જૈન ધર્મ અને દર્શન
જૈન પરંપરામાં અભ્યાસનો વિષય હતું, અને તે પણ ધર્મ કે શ્રદ્ધાની દૃષ્ટિએ, તે જૈન શ્રુત આજે જૈન પરંપરા ઉપરાંત અન્ય પરંપરાઓમાં પણ જિજ્ઞાસાનો વિષય બન્યું છે. સ્કૂલથી માંડી કૉલેજ, યુનિવર્સિટી અને રીસર્ચને લગતી સંસ્થાઓમાં એનું ક્ષેત્ર વિસ્તર્યું છે. ભારત અને ભારતની બહાર, જ્યાં દેખો ત્યાં અન્ય પ્રાચીન સાહિત્યની પેઠે જૈન પ્રાચીન વાડ્મય ત૨ફ વિદ્વાનોનું ધ્યાન ગયું છે, ને આપણે ન જાણીએ તેવી રીતે અનેક સ્થાનોમાં જૈનેતરો અને વિદેશીઓ પણ એ વાડ્મયને લગતું ઘણું કામ કરી રહ્યા છે. એ જ રીતે પોતાની ઢબે પણ જૈન પરંપરાના જુદાજુદા ફિરકાઓ એ વિશે કાંઈ ને કાંઈ કરી રહ્યા છે. આમ હોવા છતાં આજની વિસ્તરતી જિજ્ઞાસાને દરેક રીતે સંતોષે એવી દૃષ્ટિથી જૈન શ્રુતનું નવસંસ્કરણ કરવું આવશ્યક છે. તે માટે ફિરકાઓએ પોતાના જૂના પૂર્વગ્રહો શિથિલ ક૨વા જોઈએ. શ્રુતકાર્યમાં મોખરે ઊભા રહી શકે એવા ત્યાગીવર્ગે આ કાર્યમાં પોતાનો પૂરો સાથ આપવો ઘટે. દરેક યોગ્ય વિદ્વાન કે ત્યાગી પોતાને ભાગે આવતું અને પોતે કરી શકે તેવું કામ પોતાને ઇષ્ટ સ્થાને રહીને પણ કરી શકે એવી દૃષ્ટિથી કામની વહેંચણી થવી ઘટે. આ કામ કોઈ અમુક ફિરકાનું જ છે કે અમુક ગચ્છની અમુક વ્યક્તિ જ કામ કરે છે કે અમુક સંઘ જ તેમાં રસ લે છે, તેથી તેની સાથે આપણે શી લેવા-દેવા ? – એવી કાળજૂની સંકુચિતતાને ખંખેરી છેવટે આ બધું કાર્ય કોઈ એકનું નથી પણ સહુનું છે, છેવટે અમુક ગણીગાંઠી વ્યક્તિઓ તો મુખ્ય ભાગ લે જ, તો આપણે પણ શા માટે ન લઈએ ? વગેરે ઉદાત્ત ભાવના દ્વારા હાર્દિક સહકાર આપવા પૂરતી દૃષ્ટિ શું ગૃહસ્થોમાં કે શું ત્યાગીઓમાં આવશ્યક છે; અને એ દૃષ્ટિથી કામ કરીએ તો મને લાગે છે કે જૈન શ્રુતનું ધારેલું નવસંસ્કરણ કોઈ અનેરો જ રંગ લે ! પછી તો એવું અવશ્ય બનવાનું કે જ્યાં જ્યાં શાસ્ત્રીય વિદ્યાઓનું અધ્યયન-સંશોધન થતું હશે ત્યાં સર્વત્ર જૈન વાડ્મયનું સ્થાન અનિવાર્યપણે હશે. તેથી આપણી દૃષ્ટિ એવી હોવી જોઈએ કે સાધારણ અને ઉચ્ચ કોટીના વિદ્વાનોને સંતોષી શકે, એમની માગણીઓને પૂરી કરી શકે તે રીતે અને તે દૃષ્ટિથી જૈન શ્રુતનું નવસંસ્કરણ થાય. જવાબદારી અદા કરવાનો સમય
―
જૈન શ્રુત પ્રત્યે આજની આપણી જવાબદારી આ છે, અને તે પૂરી કરવાનો સમય પાક્યો છે. કાળબળ આપણી સાથે છે. સાધનો અપરિમિત છે. આ બધું જોતાં મને એમ લાગે છે કે હવે આપણે માત્ર ચોકાબદ્ધ ન રહેતાં વિશાળ દૃષ્ટિ કેળવી આપણી જવાબદારી અદા કરીએ.
Jain Education International
-
· જૈન પર્યુષણાંક', શ્રાવણ ૨૦૦૮
For Private & Personal Use Only
www.jainelibrary.org