________________
૧૦ • જૈન ધર્મ અને દર્શન વ્યક્ત કરે એવો જ છંદ સાહજિક બને છે. કવિએ જૈન અને વૈષ્ણવ પૂર્વાચાર્યોએ વાપરેલ એવા જ છંદની પસંદગી કરી છે. એની હલક એવી છે કે જો ગાનાર યોગ્ય રીતે ગાય તો એમાંથી કવિના હૃદયમાં પ્રગટ થયેલ અનુતાપયુક્ત ભક્તિભાવ અને વિવેક એ બંને, અર્થના ઊંડા વિચાર સિવાય પણ, શ્રોતાના મન ઉપર અંકિત થાય છે. દરેક પાદને અંતે આવતો અનુપ્રાસ ગેય તત્ત્વની મધુરતામાં ઉમેરો કરે છે અને શ્રોતાના મન ઉપર એવો રણકારો પાડે છે કે તે ફરી ફરીને સાંભળવાની કે ગાવાની લાલચ સેવ્યા જ કરે અને એ સેવનના પુનરાવર્તનમાંથી અર્થના ઊંડાણમાં આપોઆપ સરતો જાય.
પહેલી કડી વિહરમાન ભગવાન, સુણો મુજ વિનતિ, જગતારક ગનાથ, અછો ત્રિભુવનપતિ; ભાસક લોકાલોક, તિણે જાણો છતી,
તો પણ વિતક વાત, કહું છું તુજ પ્રતિ. કવિ જાણે છે કે સ્તુત્યદેવ સર્વજ્ઞ હોવાથી પોતાનું વક્તવ્ય જાણે છે, અને તેથી તેમના પ્રત્યે કાંઈ પણ કહેવું એ તો માત્ર પુનરુક્તિ છે – પિષ્ટપેષણ છે. આમ જાણવા છતાં કવિ પુનરુક્તિ અને પિષ્ટપેષણનો દોષ વહોરી લે છે, તે એના હૃદયગત સાચા અનુતાપનું સૂચન છે. જ્યારે હૃદયમાં ખરેખરો અનુતાપ એટલે કે ભૂલનો હૂબહૂ ચિતાર ખડો થાય છે, ત્યારે માણસ પુનરુક્તિ કે પિષ્ટપેષણનો દોષ વહોરીને પણ પોતાનું દિલ પોતાના ભક્તિપાત્ર પ્રત્યે ખાલી કર્યા વિના રહી શકતો નથી. એ જ વસ્તુ પહેલી કડીમાં સૂચિત થાય છે.
બીજી કડી હું સરૂપ નિજ છોડી, રમ્યો પર પુદ્ગલે, ઝીલ્યો ઉલટ આણી, વિષયતૃષ્ણા જળ; આસવબંધ વિભાવ, કરું રુચિ આપણી;
ભૂલ્યો મિથ્યા વાસ, દોષ દઉં પરભણી. જીવનતત્ત્વના આધ્યાત્મિક વિકાસક્રમમાં જે તત્ત્વ પર-છાયાનો મેલ છોડી છેવટે તદ્દન નિર્મળરૂપે બાકી રહે છે તે જ તત્ત્વ પારમાર્થિક સત્ય લેખાય છે અને તે જ સાધ્ય મનાયેલું છે. જે તત્ત્વ આધ્યત્મિક સાધના દ્વારા જીવનમાંથી હંમેશને માટે સરી પડે છે તે જ પર-છાયા અથવા વૈભાવિક કહેવાય છે. કવિ આધ્યાત્મિક માર્ગનો પથિક છે, અને તેથી તે પોતાના જૈન પરંપરાનુસારી સંસ્કાર પ્રમાણે વિવેકથી પારમાર્થિક અને વૈભાવિક એ બે તત્ત્વોનો ભેદ જાણી પોતાની સ્વરૂપમ્યુતિનું વર્ણન બીજી કડીમાં કરે છે. કવિ એમ જાણે છે અને માને છે કે તે મૂળે તદ્દન શુદ્ધસ્વરૂપ છે, પણ અકળ કળાથી અને અકળ કાળથી તે પોતાના એ સચ્ચિદાનંદ સાહજિક સ્વરૂપથી શ્રુત થઈ પરતત્ત્વમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org