________________
૯૪ • જૈન ધર્મ અને દર્શન બચવાની સાવધાની રાખી ન શક્યા. એક વહાણ અથડાયું અને બીજા તેના નાશ તરફ બેપરવા રહ્યાં. એ અભિમાનમાં બીજાઓની પણ એ જ દશા થઈ. એક જ સાધ્ય માટે નીકળેલા મુસાફરો સાધનની ટીકામાં ઊતરતાં પરિણામે સાધ્યભ્રષ્ટ થઈ ગયા. એ સ્થિતિ આજે ત્રણે ફિરકાઓની છે. ત્રણે ફિરકાઓનું લક્ષ અહિંસા અને જ્ઞાનની ઉપાસના તથા તેનો પ્રચાર છે; જ્યારે તેઓ તેથી ઊલટું જ કરી રહ્યા છે. બીજી તરફ કડવાશ રાખવી એટલે કે પોતાને મોટો અથવા શુદ્ધ ધાર્મિક માની બીજા તરફ અણગમો રાખવો, એ જો હિંસા કહેવાતી હોય તો એમ કહેવું જોઈએ કે અહિંસાની સાધના માટે નીકળેલા અને ચાલતા ફિરકાઓ હિંસા જ કરી રહ્યા છે, અને જ્ઞાનને બદલે અજ્ઞાનનો જ પ્રચાર કરી રહ્યા છે. આનું વ્યાવહારિક પરિણામ સામાજિક અને રાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ કડવું આવ્યું છે.
જૈન સમાજ સામાજિક દૃષ્ટિએ નબળો ગણાય છે. રાષ્ટ્રીય અને રાજકીય બાબતોમાં પણ એ પછાત છે. કારણ શું? એવો પ્રશ્ન જો કરીએ અને તેના ઉત્તર માટે ઊંડા ઊતરીએ તો જણાશે કે તેનું મુખ્ય કારણ સંગઠનનો અભાવ છે. જ્યાં ધાર્મિક દ્વેષ હોય ત્યાં સંગઠન સંભવે જ નહિ. જો ધાર્મિક દ્વેષનું પરિણામ માત્ર સ્થાનક, મંદિર, ગુરુવર્ગ અને પંડિત ઉપદેશકવર્ગ સુધી જ રહ્યું હોત તો કદાચ ચલાવી પણ લેવાત, પણ એ વિષ બીજાં વિષોની પેઠે ચેપ ફેલાવે તે સ્વાભાવિક જ હતું, એટલે બધાં જ ક્ષેત્રોમાં એ વિષ ફેલાયું. આજે તો નછૂટકે ને લાચારીથી જ ત્રણે ફિરકાવાળા મળે છે, અને એ લાચારી એટલે ક્યાંક વ્યાપારી સંબંધ, ક્યાંક લગ્નસંબંધ અને ક્યાંક રાજકીય સંબંધ. પરંતુ એ સંમેલન નથી તો વ્યાપક અને નથી તો બુદ્ધિપૂર્વકનું, તેમજ નથી હાર્દિક. આ દેખાતું વિરલ સંમેલન પણ ગૃહસ્થોમાં જ છે, કારણ કે પેલી લાચારી ગૃહસ્થોને જ મળવાની ફરજ પાડે છે; પરંતુ ગુરુવર્ગ અને પંડિત ઉપદેશવર્ગમાં તો એ લાચારીજન્ય વિરલ સંમેલન પણ નથી. ગુરુઓને કે પંડિત ઉપદેશકોને નથી જરૂર વ્યાપાર ખેડવાની કે નથી પ્રસંગ લગ્નાદિનો. એ વર્ગને રાષ્ટ્ર અને રાજકીય બાબતોનું તો સ્વપ્ન પણ નથી, એટલે તેમનામાં પારસ્પરિક સંમેલન કે સંગઠનના સંભવનું વ્યાવહારિક કારણ એકેય નથી; અને જે ધર્મ તેમને અરસપરસ મેળવવામાં સૌથી વધારે અને સૌથી પહેલો કારણભૂત થવો જોઈએ અને થઈ શકે તે જ ધમેં તેમને ઊલટા હમેશને માટે દૂર કર્યા છે. એક બાજુ વ્યાવહારિક જરૂરિયાતોને લીધે ત્રણે ફિરકાના ગૃહસ્થો અરસપરસ વધારે મળવા અને સંગઠિત થવાનો વિચાર કરે, ત્યાં તો બીજી બાજુ પેલો ગુરુ અને ઉપદેશકવર્ગ એમાં ધર્મનાશ જોઈ એમને મળતા અટકાવવા અને અરસપરસ ગાઢ સંબંધ બાંધતા રોકવા કમર કસે છે. પરિણામે એ ફિરકાઓ નથી પડી શકતા તદ્દન છૂટા કે નથી થઈ શકતા એકરસ અને સંગઠિત. આ સ્થિતિ લગભગ ગામેગામ છે. ત્યારે હવે શું કરવું જોઈએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org