________________
૪૦ • માથુરી શ્રુત વિચ્છેદ-ખાસ કરી અંગશાસ્ત્રના વિચ્છેદની પરંપરા અકલંકના સમય સુધી તો દઢમૂલ થઈ ન હતી. સંભવ છે કે આચાર્યોમાં એવા પણ અમુક આચાર્યો હશે જેઓને અંગરૂપે સંકલિત આગમોમાં કાંઈ વાંધા પડતું દેખાયું હશે અને તેથી તેમણે તે અંગો વિચ્છિન્ન થઈ ગયાં છે અને આ સંકલિત અંગો મૌલિક નથી એવી માન્યતા પ્રચારમાં વહેતી મૂકી હોય, જે અકલંક સુધી દિગંબરોમાં સર્વમાન્ય થઈ ન પણ હોય. લોપ માનનારની પરંપરામાં જ ધવલાકાર થયા હોય અને તેમણે પોતાની એ માન્યતાનો ઉલ્લેખ ગ્રંથસ્થ કર્યો હોય. આમ બનવાજોગ છે. સાર એટલો જ છે કે દિગંબરોમાં પણ અંગના સર્વથા વિચ્છેદની વાત નથી. ઈ. સ. નવમી સદી સુધી તો અંગનું આંશિક જ્ઞાન હતું જ એમ મનાયું છે. પણ ત્યાર પછી જ ગમે ત્યારે અંગગ્રંથોનો લોપ મનાયો હશે.
વળી એ ભૂલવું ન જોઈએ કે ધવલાકાર માત્ર અંગ-પૂર્વના આંશિક લોપની વાત કરે છે અને અંગેતર સાહિત્યના વિચ્છેદની તો વાત જ કરતા નથી. પણ તેના પ્રામાણ્યનું જ સમર્થન કરે છે. આવી સ્થિતિમાં દિગંબરોમાં આધુનિક કાળે પ્રચલિત સમગ્ર ભાવે અંગોપાંગના વિચ્છેદની વાત વિચારણીય થઈ જાય છે, અને માનવું પડે છે કે દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આવશ્યક, નિશીથ, કલ્પ જેવાં શાસ્ત્રો જે શ્વેતાંબરોમાં આજે સુરક્ષિત છે, અને જેનો ઉલ્લેખ ધવલાકાર જેવા દિગંબર આચાર્યો કરે છે, તે તે જ રૂપે છે. એમાં તો જરા પણ શંકા નથી કે દશવૈકાલિક આદિ શાસ્ત્રોનું તે જ રૂપ છે તે સ્વયં ધવલાકાર સામે ઉપસ્થિત હતું. એવું કોઈ પ્રમાણ મળતું નથી જેથી એમ કહી શકાય કે દશવૈકાલિક શાસ્ત્રમાં કે ધવલાકારે નિર્દિષ્ટ અન્ય ઉત્તરાધ્યયન આદિ શાસ્ત્રોમાં ધવલાકારના સમય પછી કશું પણ પરિવર્તન થયું હોય. આવી સ્થિતિમાં એ અંગ બાહ્ય શાસ્ત્રોનો સર્વથા લોપ માનવો અગર વિદ્યમાન છે તે શાસ્ત્રને કપોલકલ્પિત કહેવાં તેમાં સાંપ્રદાયિક અભિનિવેશ સિવાય કશું જ તથ્ય નથી એમ માનવું પડે છે. વળી એ વાત દશમી શતાબ્દી પછી જ કોઈએ પ્રચલિત કરી છે, અને એ સમય પછી તત્કાળે વિદ્યમાન શાસ્ત્રોમાં કશું જ પરિવર્તન નથી થયું એ હકીકત છે. જે તરફ વિશેષ રૂપે સૌનું ધ્યાન જાય એ આવશ્યક છે. અને જૈન વિદ્વાનો અંગઅંગેતર સમગ્ર સાહિત્યનો અભ્યાસ કરતા થાય એ જરૂરી છે.
જૈન દીપોત્સવ ૧૯૬૦ ઑકટોબર
+ જુઓ ધવલા પૃ. ૯૬, ૩૫૮ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org