________________
એકાંત પાપ અને પુણ્ય ૦ ૨૧૫ જો તારવણી કરીએ કે અસંયમીને આપવાથી પાપ અને તે પણ એકાંત પાપ થાય છે. તો તો દેનારની ભાવનાનું-દેનારના અધ્યવસાયનું કશું જ મહત્ત્વ ન રહે. અને ધારો કે સંયમી છે એમ ધારીને આપ્યું પણ તે અસંયમી હોય તો શું થાય ? પાપ જ થાય એમ માનવું પડે. કારણ કે પાપ-પુણ્યનો અંતિમ નિર્ણય આપણા દેનાર આત્મા ઉપર રહ્યો નહિ પણ લેનારના આત્મા ઉપર રહ્યો. અને લેનાર આત્માનો સાક્ષાતકાર તે પૂર્વે કહ્યા પ્રમાણે અસંભવ જ છે. એટલે જ સિદ્ધાન્ત છે કે શુભ ભાવનાથી આપવું એ શ્રેયસ્કર છે. લેનાર ભૂલે ને પાપીમાં પાપી હોય. કર્મશાસ્ત્રમાં આવું માન્યા વિના બીજો માર્ગ નથી.
દાન વિશે જ શા માટે ? અહિંસામાં પણ શું નક્કી કરવું પડ્યું એનો વિચાર કરીએ. સાધુએ સંપૂર્ણ અહિંસાનું વ્રત લીધું છતાં શું એ સંભવ છે કે તેના કારણે જીવોનું મૃત્યુ ન થાય ? સાધુ ભલેને કહે કે અમે તો કોઈ જીવની હિંસા કરતા નથી, પણ વસ્તુતઃ શું હિંસાથી એ બચી શકે છે ? સાધુજીવનમાં અપ્રમાદ હોય એટલે શું સૂક્ષ્મજીવનું મૃત્યુ થતું અટકી જાય છે ? કદી નહિ. એ હિંસા થાય જ છે. તો શું એવી હિંસાથી બચી શકાય છે ? કદી નહિ. એટલે છેવટે માની લીધું કે અપ્રમાદીને હિંસાના પાપબંધ નથી. સારાંશ એ છે કે એ હિંસા અટકી શકે તેવી છે જ નહિ. આપણી અહિંસાની ભાવના છતાં એ હિંસા થાય છે જ એટલે અનિવાર્ય રીતે માનવું પડ્યું કે બાહ્ય જીવની હિંસા થાય કે ન થાય-પ્રમાદ એ પાપજનક છે અને અપ્રમાદ એ પાપજનક નથી. અપ્રમાદીનું જીવન હિંસક છતાં પાપજનક ન હોવાથી અહિંસક છે અને પ્રમાદી બાહ્ય હિંસા ન કરે તો પણ તે પોતાના રાગદ્વેષના કારણે સદૈવ હિંસક છે અને પાપજન્ય બંધ કરે છે. આ પ્રમાણે જો હિંસા-અહિંસાના વિચારમાં બાહ્ય હિંસાને છેવટે છોડીને ભાવહિંસા એટલે કે પોતાના આત્માના દુષ્ટ પરિણામોને આધારે જો હિંસાની પાપજનકતા નક્કી કરવામાં આવી છે તો એ જ ન્યાયે દાનમાં પણ અંતિમ માર્ગ એ જ હોઈ શકે છે. દાનનું પાત્ર ગમે તે હોય પણ છેવટે દાતાના અધ્યવસાયોને આધારે જ દાનની પાપજનકતા યા પુણ્યજનકતાનો નિર્ણય કરવો જોઈએ.
ભગવાન બુદ્ધ જેવાનું મૃત્યુ અંતિમ ભિક્ષામાં મળેલ માંસના દોષને કારણે થયું તો ત્યાં શું દાતાને બુદ્ધઘાતક માનવો ? સ્વયં બુદ્ધે એ દાતાને એ દોષથી મુક્ત કર્યો છે. તેનું કારણ બીજું કોઈ નથી પણ તે દાતાના શુભાધ્યવસાયો સાથે જ છે. એટલે દીધેલ દાનનું અંતિમ પરિણામ શું આવશે એ કાંઈ પ્રથમથી વિશેષરૂપે નક્કી નથી કરી શકાતું. સામાન્યપણે કહી શકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org