________________
૩૮ | રાગ અને વિરાગ છે ! આ દુનિયામાં તમારા સો યે વર્ષ પૂરા થઈ ગયાં સમજો તમારો આ લોક તો જાણે બગડ્યો; પણ હવે પરલોક સુધારવો હોય તો ઈષ્ટદેવનું સ્મરણ કરી લો અને જલદી તૈયાર થઈ જાઓ ! દેવી તમારા ભોગની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. હવે વિલંબ ન કરો !"
વિશાખદત્ત સમજી ગયો કે મામલો જીવ-સટોસટનો છે, અને હવે એમાંથી બચવું મુશ્કેલ છે.
વિશાખદત્ત પોતાના કમોતની રાહ જોઈ રહ્યો !
વિશાખદત્તની મોતની પળો ગણાતી હતી.
યોગી દિવાકર પોતાની કામના પૂરી થવાના આનંદમાં ખડખડાટ અટ્ટહાસ્ય કરી રહ્યો હતો : “હે દેવી ! હે માતા ! આજે તારું ઋણ હું અદા કરી શકીશ. કેવો બત્રીશ-લક્ષણો નર મળી ગયો ! જગદંબા ! એ પણ તારી જ કૃપા ! હવે વિલંબ નહીં કરું મા !”
દિવાકરે આનંદમાં મત્ત બનીને ફરી અટ્ટહાસ્ય કર્યું. એના પડઘા આખા મંદિરમાં ગાજી રહ્યા. વીજળીના જેવી ચમકતી ધારદાર છરી એના હાથમાં તોળાઈ રહી : હમણાં વિશાખદત્તના દેહ ઉપર પડી અને હમણાં બધો ખેલ ખલાસ ! વિશાખદત્તની આંખે અંધારા આવવા લાગ્યાં !
મોતને અને વિશાખદત્તને જાણે વેતનું જ છેટું રહ્યું : આ છરી પડી કે પડશે !
મંદિરમાં પણ જાણે સ્તબ્ધતા વ્યાપી રહી.
યોગીએ છરીને છેલ્લો વેગ આપવા હાથને સાબદો કર્યો. પણ અરે ! આ શું ? એ હાથ એમ જ કેમ તોળાઈ રહ્યો ? જરા ય ચસકે કાં નહીં ?
યોગી અને શ્રેષ્ઠી બન્ને વિસ્મિત બનીને જોઈ રહ્યા : જોયું તો એક સૌમ્ય છતાં કદાવર પુરુષે. અણીને વખતે, દિવાકરના હાથને પોતાના હાથથી મજબૂત રીતે પકડી લીધો હતો; અને એમ કરીને એણે દિવાકરની બધી બાજી ધૂળમાં મેળવી હતી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org